અમેરિકાથી ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ, પ્રતિબંધને કારણે કંટાળ્યા, હવે યુરોપ વધુ પસંદ
USA and Indian Students News : વિદેશ જઇને શિક્ષણ મેળવવા માટે અત્યાર સુધી ભારતીયો અમેરિકાને વધુ પ્રાથમિકતા આપતા હતા, જોકે હવે ભારતીયોની પસંદગી બદલાઇ રહી છે અને અમેરિકાનો મોહ છૂટી રહ્યો છે. હવે તેઓ અમેરિકાને છોડીને યૂરોપને પ્રાથમિકતા આપવા લાગ્યા છે. તાજેતરમાં એડટેક કંપની અપગ્રેડની ટ્રાંસનેશનલ એજ્યુકેશન ટીએનઇની રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.
વર્ષ 2024-25ની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકાની ચમક દમક મંદ પડી ગઇ છે. હવે વિદ્યાર્થીઓ યૂરોપને પહેલા પસંદ કરી રહ્યા છે. વિઝાને લઇને યુરોપ કરતા અમેરિકામાં પ્રતિબંધો વધુ છે. યુરોપમાં વિઝાના નિયમો હળવા હોવાથી ભારતીય વિદ્યાર્થીઓને વધુ પસંદ આવી રહ્યું છે. અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન માટે દર વર્ષે આશરે 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કેમ કે ભારતીય વિદ્યાર્થીઓ જર્મની જેવા દેશોને પ્રાથમિકતા આપવા લાગ્યા છે જ્યાં વર્ષ 2024-25માં એડમિશનમાં 32 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
ટીએનઇની રિપોર્ટ 2024-25માં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી શ્રેષ્ઠ દેશ નથી રહ્યો. જર્મની અને પશ્ચિમી એશિયા તરફ તેઓ વળી રહ્યા છે. સંયુક્ત અરબ અમીરાતમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ અગાઉ કરતા વધુ જઇ રહ્યા છે. પશ્ચિમ એશિયા ઝડપથી વિદ્યાર્થીઓ માટે એક વ્યાવહારિક અને પસંદગીનું અભ્યાસ સ્થળ બની રહ્યું છે. દુબઇ અને કતારના એજ્યુકેશન સિટીમાં જોર્જટાઉન, જોન્સ હોપકિન્સ, આરઆઇટી, કોર્નેગી મેલોન અને વેઇલ કોર્નેલ સહિત અમેરિકી યુનિવિર્સિટીના સેટેલાઇટ પરિસર પોતાના ઘરેલુ સંસ્થાનો સમાન જ ડિગ્રી આપી રહ્યા છે. અમેરિકાને જરૂર ફટકો પડયો છે જોકે બ્રિટનમાં સ્થિતિ અગાઉ જેવી જ સ્થિર છે.