Get The App

ભારતીય વિદ્યાર્થીને નીચે પછાડયો, હાથકડી બાંધી પગેથી દબાવી રાખ્યો

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
ભારતીય વિદ્યાર્થીને નીચે પછાડયો, હાથકડી બાંધી પગેથી દબાવી રાખ્યો 1 - image


- અમેરિકાના નૂવાર્ક એરપોર્ટની ઘટનાનો વીડિયો વાયરલ

- અમેરિકન પોલીસ અધિકારીઓનું અમાનવીય વર્તન છતાં યુએસ એમ્બેસીએ કહ્યું વિઝા નિયમોનો ભંગ નહીં ચલાવીએ

- મોદી ભારતીયોની સુરક્ષા કરવામાં નિષ્ફળ : કોંગ્રેસ

વોશિંગ્ટન: અમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. અમેરિકાના ન્યૂજર્સીના નૂવાર્ક એરપોર્ટ પર અમેરિકન સુરક્ષા દળોએ આ ભારતીય વિદ્યાર્થીને જમીન પર પછાડી દીધો હતો, તેના બન્ને હાથ પાછળથી બાંધી દેવાયા હતા અને ચાર લોકો તેના પર ચડી બેઠા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો સાથે જ લોકોએ અમેરિકાના આ પ્રકારના વ્યવહારની ભારે ટિકા કરી હતી.

આ સમગ્ર ઘટનાને એરપોર્ટ પર હાજર ભારતીય-અમેરિકન નાગરિકે પોતાના મોબાઇલમાં કેદ કરી હતી, કુનાલ જૈન દ્વારા પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં તેણે લખ્યું હતું કે ભારતનો આ યુવક રડી રહ્યો હતો, તે કોઇ ગુનેગાર હોય તેવું વર્તન કરવામાં આવ્યું હતું. મે જોયું કે નૂવાર્ક  એરપોર્ટ પર એક યુવા વયના ભારતીય વિદ્યાર્થીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યો હતો, તેની સાથે અત્યંત અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું, પોતાના સપના સાકાર કરવા અમેરિકા આ યુવક આવ્યો હતો. આ માનવીય ટ્રેજડી છે. બાદમાં કુનાલ જૈને ભારતીય એમ્બેસીને પણ સોશિયલ મીડિયા પર ટેગ કરી હતી. વીડિયોમાં ચારથી પાંચ અમેરિકન પોર્ટ ઓથોરિટી પોલીસ અધિકારીઓ આ વિદ્યાર્થીને પકડીને જમીન પર પછાડતા, તેના બન્ને હાથ પાછળ કરીને હાથકડીથી બાંધતા અને તેને પગથી દબાવી રાખતા જોવા મળ્યા હતા.  

ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ ન્યૂયોર્ક સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે તેઓ આ મામલાને લઇને સતર્ક છે અને આ મુદ્દે અમેરિકન પ્રશાસન સાથે વાત કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસના નેતાઓએ પણ આ વીડિયો શેર કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દખલ દેવા કહ્યું હતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીયોના સન્માનની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. અમેરિકા ભારત અને પાકિસ્તાન બન્નેને સરખા ગણી રહ્યું છે. ભારત પાકિસ્તાન જેવુ નથી. બીજી તરફ નવી દિલ્હી સ્થિત અમેરિકન એમ્બેસી સાથે ભારતે આ મામલો ઉઠાવ્યો હોવાના અહેવાલો છે. જ્યારે અમેરિકા સ્થિત ભારતીય એમ્બેસીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તનનો વીડિયો વાયરલ થયો હોવા છતા ભારત સ્થિત અમેરિકન એમ્બેસીએ કહ્યું હતું કે અમેરિકામાં વિઝા નિયમોનો ભંગ કે ગેરકાયદે પ્રવેશને અમેરિકા નહીં ચલાવી લે.

Tags :