Get The App

'અબ્બુ-અમ્મી અહીં કર્ફ્યુ છે, દુઆ કરજો...', ઈરાનથી આવ્યો ભારતીય વિદ્યાર્થીનીનો વીડિયો, જણાવી પરિસ્થિતિ

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
'અબ્બુ-અમ્મી અહીં કર્ફ્યુ છે, દુઆ કરજો...', ઈરાનથી આવ્યો ભારતીય વિદ્યાર્થીનીનો વીડિયો, જણાવી પરિસ્થિતિ 1 - image


Iran Crisis: ઈરાનમાં સ્થિતિ દિવસેને દિવસે સતત વણસતી જઈ રહી છે. નાગરિકો સામે કડક કાર્યવાહીના આદેશ બાદ અમેરિકા વધુ આક્રમક બન્યું છે અને હુમલાની ધમકી પણ આપી દીધી છે. આ સ્થિતિને જોતા મિડલ ઈસ્ટમાં ભારે હલચલ મચી છે. તમામ દેશો પોતાના નાગરિકોની સુરક્ષા મામલે ચિંતિત છે. હાલમાં જ ભારતે બીજી એડવાઈઝરી જાહેર કરીને ઈરાનમાં રહેતા તમામ ભારતીયોને તાત્કાલિક દેશ છોડવા આદેશ આપ્યો છે. આ દરમિયાન એક ભારતીય વિદ્યાર્થીનીનો વીડિયો સામે આવ્યો છે, જે પોતાના માતા-પિતાને પોતાની સલામતી અંગે જણાવી રહી છે. વીડિયોમાં તેણે ઈરાનની વર્તમાન સ્થિતિ અને પોતે સુરક્ષિત છે તે અંગે વાત કરી છે.

‘હું જીવિત છું’

ઈરાનથી સામે આવેલા વીડિયોમાં વિદ્યાર્થીની પોતાના અબ્બુ અને અમ્મીને ઈરાનની ભયાનક સ્થિતિ વચ્ચે પોતાની સલામતીનો સંદેશ આપે છે. તે કહે છે, 'હેલો, અસ્સલામુ અલૈકુમ! હું હુદા. રૂતબા, તમે બધા સલામત છો? હું સ્વસ્થ છું. મારે મારી એક મિત્ર સાયશાના ઘરે આવવાનું હતું, તેથી તેના ફોનથી આ વીડિયો રેકોર્ડ કરી રહી છું જેથી તે તમને મોકલી શકે અને તમને ખબર પડે કે હું સલામત અને જીવિત છું.'

વિદ્યાર્થીનીએ ત્યાંના માહોલ અંગે જણાવતા કહ્યું કે, 'મને સપનું આવ્યું કે તમે મારા સ્વાસ્થ્ય અંગે ચિંતિત છો, તેથી હું આશા રાખીશ કે તમે વધારે ટેન્શન ન લો. હું ઠીક છું, સારી રીતે રહી રહી છું અને મારી પાસે પૈસા પણ છે. અહીં વિરોધ પ્રદર્શનો થાય છે, પરંતુ સાંજના સમયે તેનું જોર વધુ હોય છે. જોકે, તે ચિંતાનો વિષય નથી; જો ઘરમાં જ રહીએ તો કોઈ સમસ્યા નથી.'

કર્ફ્યૂ અને પ્રદર્શનની સ્થિતિ

વીડિયોમાં તે આગળ જણાવે છે કે, 'અબ્બુ અને અમ્મીને કહેજો કે હું સ્વસ્થ છું અને મારી ચિંતા ન કરે. દુઆ કરજો. અહીં મોંઘવારીના કારણે પ્રદર્શનો થઈ રહ્યા છે, જે દિવસે પણ ચાલુ હોય છે. જોકે, સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યુ લાગી જાય છે. જેમ આપણે ત્યાં કર્ફ્યૂ હોય છે તેમ અહીં પણ લાગે છે. અત્યારે અહીં બધું બરાબર છે.'