World

અમેરિકામાં ભારતીય મૂળના શિક્ષિકા 69% મત સાથે ડેમોક્રેટિક પ્રાઇમરી જીત્યાં, નવેમ્બરમાં રિપબ્લિકન ઉમેદવાર સામે ટક્કર

By GS Team
19 Aug 20263 mins read
TukuTouch Logo
અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના લોકોનો દબદબો વધી રહ્યો છે. ફ્લોરિડામાં 39 વર્ષીય ભારતીય મૂળના શિક્ષિકા પિયા દાંડિયાએ 22મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટની ડેમોક્રેટિક પ્રાઇમરી 69% મતોથી જીતી છે. હાર્વર્ડ ગ્રેજ્યુએટ અને ભૂતપૂર્વ હાઇસ્કૂલ પ્રિન્સિપાલ પિયા હવે 3 નવેમ્બરે રિપબ્લિકન ઉમેદવાર કેસી અસ્કર સામે ચૂંટણી લડશે. તેઓ શિક્ષણ અને સામાન્ય પરિવારોના ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં ભારતીય મૂળના શિક્ષિકા 69% મત સાથે ડેમોક્રેટિક પ્રાઇમરી જીત્યાં, નવેમ્બરમાં રિપબ્લિકન ઉમેદવાર સામે ટક્કર
AI તસવીર

Pia Dandiya in USA Election: અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના લોકોની હાજરી સતત વધી રહી છે. હવે તેમાં ફ્લોરિડાની પિયા દાંડિયાનું નામ પણ ઉમેરાયું છે. શિક્ષિકા, હાર્વર્ડ ગ્રેજ્યુએટ અને ભૂતપૂર્વ હાઇ સ્કૂલ પ્રિન્સિપાલ એવાં પિયા દાંડિયાએ ફ્લોરિડાના નવા રચાયેલા 22મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટની ડેમોક્રેટિક પ્રાઇમરી જીતી લીધી છે. હવે તેઓ 3 નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ યુએસ મરીન કેસી અસ્કર સામે ચૂંટણી લડશે.

પિયા દાંડિયાને મળ્યા લગભગ 69% મત

18 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલી ડેમોક્રેટિક પ્રાઇમરીમાં 39 વર્ષનાં પિયા દાંડિયાએ વકીલ કેસિયા અર્લીને સરળતાથી હરાવ્યાં. ઉપલબ્ધ પરિણામો મુજબ દાંડિયાને 68.6% મત મળ્યા હતા, જ્યારે અર્લીને 31.4% મત મળ્યા હતા.

શિક્ષણ, મોંઘવારી અને બહેતર તકો માટે લડત

પ્રાઇમરીમાં જીત બાદ દાંડિયાએ મતદારોનો આભાર માનતા કહ્યું કે તેઓ પોતાના વિદ્યાર્થીઓ, પોતાના પુત્ર અને જિલ્લામાં ઉછરી રહેલા તમામ બાળકોના વધુ સારા ભવિષ્ય માટે ચૂંટણી લડી રહ્યાં છે. તેમના ચૂંટણી પ્રચારમાં શિક્ષણ ઉપરાંત સામાન્ય પરિવારો પર પડતા ખર્ચના બોજનો મુદ્દો મહત્ત્વનો છે. તેઓ દક્ષિણ ફ્લોરિડાના પરિવારો માટે કરિયાણા, આરોગ્યસંભાળ અને રહેઠાણનો ખર્ચ ઘટાડવા પર ભાર મૂકી રહ્યાં છે.

નવા રચાયેલા જિલ્લામાં જીત મેળવી

ફ્લોરિડાનો 22મો કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ નવો રચાયેલો વિસ્તાર છે અને બંને રાજકીય પક્ષો માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ડેમોક્રેટ્સ માટે આ બેઠક ખાસ છે, કારણ કે અહીં જીતથી દક્ષિણ ફ્લોરિડામાં તેમની રાજકીય સ્થિતિ મજબૂત થઈ શકે છે.

ભારતીય ઇમિગ્રન્ટ્સનાં પુત્રી શિક્ષણ ક્ષેત્રે લાંબી કારકિર્દી

  • પિયા દાંડિયાના માતા-પિતા મૂળ જયપુરમાં રહેતા હતાં. તેઓ અમેરિકામાં સ્થાયી થયા એ પછી 12 મે 1987ના રોજ પિયાનો જન્મ ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીમાં થયો હતો.
  • હાર્વર્ડમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ Teach for America Corps સાથે જોડાયા અને બાદમાં માત્ર 28 વર્ષની ઉંમરે હાઇસ્કૂલ પ્રિન્સિપાલ બન્યાં.
  • તેમણે એવી શાળાની સ્થાપના કરી હતી, જેનો હેતુ ઓછી આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતા તરફ આગળ વધવામાં મદદ કરવાનો હતો. તેમની શાળાના 86% વિદ્યાર્થીઓ ઓછી આવક ધરાવતા પરિવારોમાંથી આવતા હતા. તેમના અભિયાન મુજબ, શાળાના દરેક સ્નાતકને કોલેજમાં પ્રવેશ મળ્યો હતો.
  • શિક્ષણ ઉપરાંત પિયાએ નીતિ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ કામ કર્યું છે. સમુદાયોને મજબૂત બનાવવા અને યુવાનો માટે વધુ તકો ઊભી કરવી તેમની કારકિર્દીનો મુખ્ય હિસ્સો રહ્યો છે.

નવેમ્બરમાં પૂર્વ મરીન કેસી અસ્કર સામે મુકાબલો

ડેમોક્રેટિક પ્રાઇમરી જીત્યા બાદ હવે પિયા માટે આગળનો પડકાર સામાન્ય ચૂંટણી છે. 3 નવેમ્બરે તેમનો મુકાબલો રિપબ્લિકન ઉમેદવાર કેસી અસ્કર સાથે થશે. અસ્કર યુએસ મરીન કોર્પ્સના ભૂતપૂર્વ સૈનિક અને ઉદ્યોગપતિ છે. તેમણે પણ 18 ઓગસ્ટે યોજાયેલી રિપબ્લિકન પ્રાઇમરી જીતીને પાર્ટીની ઉમેદવારી મેળવી છે. હવે નવેમ્બરની ચૂંટણી નક્કી કરશે કે ફ્લોરિડાના 22મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’માં પ્રતિનિધિત્વ કોણ કરશે— શિક્ષણ ક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલાં ભારતીય મૂળના પિયા કે પછી પૂર્વ મરીન અને ઉદ્યોગપતિ કેસી અસ્કર.