ડલાસમાં ભારતીય મૂળના મોટેલ મેનેજરનું માથું કાપી કરપીણ હત્યા
- પત્ની-દીકરાની નજર સામે ઘટના બની
- ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા કોબોઝ માર્ટિનીઝ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી, ચાલુ વર્ષે જ જેલમાંથી છૂટયો હતો
- વોશિંગ મશીન તૂટવાની બાબતે હથિયાર સાથે તૂટી પડયો: ધડથી અલગ થયેલું માથું પગથી ફંગોળીને કચરામાં નાખ્યું
હ્યુસ્ટન : અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલાસમાં ભારતીય મૂળના મોટેલ મેનેજર ચંદ્રમૌલી નાગામલ્લાહની તેના સહ કર્મચારીએ હત્યા કરી નાખી હતી. બંને વચ્ચે વોશિંગ મશીન તૂટવાના મુદ્દે વિવાદ થયો હતો. આરોપીએ મોટેલ મેનેજર પર હુમલો કર્યો હતો. મોટેલ મેનેજરની પત્ની અને દીકરાએ મધ્યસ્થી કરવાની કોશિશ કરી તે નાકામ નીવડી હતી અને આરોપીએ ચંદ્રમૌલીનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.
મૂળ કર્ણાટકના અને અમેરિકાના ડલાસમાં મોટેલ મેનેજર તરીકે કામ કરતાં ચંદ્રમૌલી નાગમલ્લાહને તેના સહ કર્મચારી કોબોઝ માર્ટિનીઝ સાથે વોશિંગ મશીન તૂટવાને લઈને વિવાદ થયો હતો. એ ઘટના પછી કોબોઝ માર્ટિનીઝે કોઈ ત્રીજી વ્યક્તિના માધ્યમથી તેને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી ભડકેલા આરોપીએ ચંદ્રમૌલી પર હુમલો કર્યો હતો. તેને માર માર્યો હતો. ચંદ્રમૌલીની પત્ની અને તેના દીકરાએ બંને વચ્ચે સમજાવટના પ્રયાસો કર્યા હતા તેમ છતાં ચંદ્રમૌલીની પાછળ આવીને આરોપીએ મોટો છરો બહાર કાઢ્યો હતો અને પત્ની-દીકરાની નજર સામે જ એનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.
બર્બરતાની હદ તો એ હતી કે માથું અલગ કર્યા પછી આરોપીએ એને લાત મારી હતી અને મસ્તકને કચરાના ડબ્બામાં નાખી દીધું હતું. આખી ઘટના સીસીટીવીમાં પણ ઝીલાઈ હતી. આ ઘટના બાદ પોલીસે હથિયાર સાથે આરોપીની ધરપકડ કરી હતી. તેની સામે હત્યાનો કેસ ચાલશે અને સંભવત: તેને પેરોલ વગર આજીવન કારાવાસની કે પછી મૃત્યુદંડની સજા થશે.
પરિવાર અને મિત્રોમાં બોબના નામથી જાણીતા ચંદ્રમૌલી તેમના દોસ્તોના કહેવા પ્રમાણે ખૂબ ભલા માણસ હતા. દયાળુ પ્રકૃતિ ધરાવતા હતા. ભારતીય મૂળના પરિવારોએ આ ઘટના બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય સંગઠનો, સ્વેચ્છિક સંસ્થાઓ અને મિત્રોએ મળીને પરિવાર માટે રાહત ફંડ એકઠું કરવાનું શરૂ કર્યું છે. હ્યુસ્ટન સ્થિત ભારતીય વાણિજ્ય દુતાવાસના અધિકારીઓએ કહ્યું હતું કે તે આ પરિવારના સંપર્કમાં છે. જરૂરી બધી જ મદદ કરીશું. પીડિત પરિવારને ન્યાય મળે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. મોટેલમાં હત્યા થઈ તેના સીસીટીવી ફૂટેજ પણ ટેક્સાસના ભારતીય સમૂદાયમાં વાયરલ થયા છે.
આરોપી માર્ટિનીઝ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે. તે વાહન ચોરી અને બાળકોને પ્રતાડિત કરવા માટે જેલમાં થઈ ચૂક્યો છે. આરોપી હજુ આ વર્ષે જ જેલમાંથી છૂટયો હતો.