Canada and Elon Musk : કેનેડામાં ભારતીય મૂળના 44 વર્ષીય પ્રશાંત શ્રીકુમારનું હોસ્પિટલમાં આઠ કલાક સુધી સારવારની રાહ જોયા બાદ કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. આ દુઃખદ ઘટના બાદ ટેસ્લાના CEO ઈલોન મસ્કે કેનેડાની હેલ્થકેર સિસ્ટમની આકરી ટીકા કરી છે અને સરકારી મેડિકલ સેવાઓની સરખામણી ધીમી અને બેદરકાર સરકારી કચેરીઓ સાથે કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
ત્રણ બાળકોના પિતા, પ્રશાંત શ્રીકુમારને 22 ડિસેમ્બરે કામ દરમિયાન છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. એક ક્લાયન્ટ તેમને તાત્કાલિક એડમન્ટનના ગ્રે નન્સ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેમનો ECG કરવામાં આવ્યો અને દર્દશામક દવા (ટાયલેનોલ) આપીને રાહ જોવા માટે કહેવામાં આવ્યું.
સ્ટાફે ગંભીરતા ન બતાવી
પ્રશાંતે વારંવાર તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હોવા છતાં, હોસ્પિટલના સ્ટાફે કથિત રીતે કહ્યું કે કંઈપણ ગંભીર નથી. લગભગ આઠ કલાક સુધી પીડામાં તરફડ્યા બાદ, આખરે જ્યારે તેમને ઈમરજન્સી સારવાર માટે લઈ જવામાં આવ્યા, ત્યારે તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને થોડી જ સેકન્ડોમાં તેમનું મૃત્યુ થઈ ગયું.

ઈલોન મસ્કનો ફૂટ્યો ગુસ્સો
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર લખ્યું, "જ્યારે સરકાર મેડિકલ કેરનું સંચાલન કરે છે, ત્યારે તે DMV જેટલી જ સારી હોય છે." અહીં DMV (ડિપાર્ટમેન્ટ ઓફ મોટર વ્હીકલ) નો ઉલ્લેખ કરીને મસ્કે કટાક્ષ કર્યો હતો. અમેરિકામાં લોકો વારંવાર DMVની ધીમી અને બેદરકારીભરી કામગીરીની ટીકા કરે છે, જે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી જેવી સેવાઓ સંભાળે છે.
"હોસ્પિટલે મારા પતિને મારી નાખ્યા"
આ ઘટના બાદ પ્રશાંતની પત્નીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાના પતિના મૃતદેહ પાસે ઉભી રહીને રડી રહી હતી અને કહી રહી હતી કે, "ખરેખર, ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલના વહીવટીતંત્ર અને સ્ટાફે મારા પતિને સમયસર તબીબી સહાય ન આપીને મારી નાખ્યા છે."
સ્વાસ્થ્ય અધિકારીઓનો જવાબ
આ ઘટના બાદ, કેનેડિયન સ્વાસ્થ્ય અધિકારીઓએ ગોપનીયતાની ચિંતાઓને કારણે દર્દીની સંભાળની વિગતો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, તેમણે પુષ્ટિ કરી છે કે આ મામલાને સમીક્ષા માટે ચીફ મેડિકલ એક્ઝામિનરની ઓફિસમાં મોકલવામાં આવ્યો છે.
હોસ્પિટલનું સંચાલન કરતી સંસ્થા 'કોવેનન્ટ હેલ્થ' એ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને એક નિવેદનમાં કહ્યું છે, "અમે દર્દીના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારા દર્દીઓ અને સ્ટાફની સુરક્ષા અને સંભાળથી વધુ મહત્વનું કંઈ નથી."


