Get The App

ભારતીય મૂળના મમદાનીએ ન્યૂયોર્કના મેયર બની ઇતિહાસ રચ્યો

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય મૂળના મમદાનીએ ન્યૂયોર્કના મેયર બની ઇતિહાસ રચ્યો 1 - image

- ગુજરાતી મૂળના પિતા અને પંજાબી મૂળના માતાના પુત્ર ઝોહરાન ટ્રમ્પના અનેક અવરોધો વચ્ચે પણ ચૂંટણી જીત્યા

- ન્યૂયોર્ક ઇમિગ્રન્ટ્સે બનાવ્યું અને હવે તેની સત્તા પણ એક ઇમિગ્રન્ટના હાથમાં ઃ મમદાનીએ વિજય ભાષણમાં ટ્રમ્પને ઘેર્યા

- આપણે જૂનામાંથી નવા યુગમાં પગ મુક્યો મમદાનીએ નેહરુના આઝાદીના ભાષણને યાદ કર્યું

- 1892 બાદ ન્યૂયોર્કના સૌથી યુવા મેયર, આ પદ સંભાળનારા પ્રથમ મૂળ ભારતીય, આફ્રિકામાં જન્મેલા અને પ્રથમ મુસ્લિમ નેતા

ન્યૂયોર્ક: ગુજરાતી મૂળના પિતા અને પંજાબી મૂળની માતાના પુત્ર ઝોહરાન મમદાનીએ અમેરિકામાં ઇતિહાસ રચી નાખ્યો છે. મમદાની અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કના મેયરની ચૂંટણી જીતી ગયા છે. અમેરિકાના વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીના નેતા ઝોહરાન મમદાનીએ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર કર્ટિસ સ્લિવા અને ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને હરાવ્યા હતા. ઝોહરાન મમદાની વિશ્વની આર્થિક રાજધાની ગણાતા ન્યૂયોર્ક શહેરના મેયર બનનારા પ્રથમ મૂળ ભારતીય, પ્રથમ દક્ષિણ એશિયન નાગરિક છે. 

ભારતીય ફિલ્મ ડાયરેક્ટર-પ્રોડયુસર અને મૂળ પંજાબના મિરા નાયર, મૂળ ગુજરાતી તેમજ યુગાન્ડાના સ્કોલર અને કોલમ્બિયા યુનિ.ના પ્રોફેસર  મેહમૂદ મમદાનીને ત્યાં જન્મેલા ૩૪ વર્ષીય ઝોહરાન મમદાનીએ ન્યૂયોર્ક શહેર મેયરની ચૂંટણી જીત્યા બાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને યાદ કર્યા હતા, તેમણે પોતાના ભાષણમાં નેહરુના એ ભાષણનો ઉલ્લેખ કર્યો હતો જે તેમણે ભારતની આઝાદી સમયે આપ્યું હતું. નેહરુને યાદ કરીને એક રીતે ઝોહરાન મમદાનીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત મુદ્દે ઘેર્યા હતા.મમદાની ન્યૂયોર્કના મેયરનું પદ સંભાળનારા પ્રથમ મૂળ ભારતીય,  પ્રથમ આફ્રિકન નાગરિક બન્યા છે.મમદાની ૧૮૯૨ બાદ ન્યૂયોર્કના સૌથી યુવા વયના મેયર બન્યા છે. સાથે જ આ પદ સંભાળનારા ન્યૂયોર્કના પ્રથમ મુસ્લિમ નાગરિક પણ છે.

નવા યુગમાં પ્રવેશવાની ક્ષણ ભાગ્યે જ આવે છે તેમ નેહરુએ કહ્યું હતું

જીતના જશ્નમાં આપેલા ભાષણમાં ઝોહરાન મમદાનીએ કહ્યું હતું કે આજે હું જ્યારે તમારી સમક્ષ ઉભો છું ત્યારે મને જવાહરલાલ નેહરુના શબ્દો યાદ આવી રહ્યા છે. નેહરુએ કહ્યું હતું કે જુના યુગમાંથી નવા યુગમાં પ્રવેશ કરીએ તેવી ક્ષણ ઇતિહાસમાં ભાગ્યે જ મળે છે, જ્યારે એક યુગનો અંત આવે છે અને લાંબા સમયથી દબાયેલી રાષ્ટ્રની આત્મા પોતાની અભિવ્યક્તિ પામે છે. આજે આપણે જુનામાંથી નવા યુગમાં પગ મુક્યો છે.  નેહરુએ આ ભાષણ ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે રાષ્ટ્રને સંબોધન દરમિયાન આપ્યું હતું જેને ટ્રિસ્ટ વિદ ડેસ્ટિની તરીકે ઓળખવામાં આવે છે. 

ન્યૂયોર્કને એવુ શહેર બનાવીશ જે તમામને પરવડે 

પહેલી જાન્યુઆરીએ ન્યૂયોર્કના મેયરનું પદ સંભાળવા જઇ રહેલા મમદાનીએ ન્યૂયોર્કના ગરીબ, મધ્યમ વર્ગ, ઇમિગ્રન્ટ્સ, ટેક્સી ડ્રાઇવરો સહિતના વર્ગને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. સ્થાનિક સમસ્યાઓ જેવી કે સ્વાસ્થ્ય, શિક્ષણ, મોઁધવારી, રોજગારી વગેરેને ધ્યાનમાં રાખી હતી. તેથી પોતાના ભાષણમાં મમદાનીએ આ તમામ વર્ગના લોકોને યાદ કરી તેમનો આભાર માન્યો હતો. મમદાનીએ કહ્યું હતું કે ન્યૂયોર્કના નાગરિકોનો સંઘર્ષ મારો સંઘર્ષ છે, ન્યૂયોર્કના લોકો તમે પરિવર્તન માટે આ જનાદેશ આપ્યો છે. આ જનાદેશ એક એવા શહેર માટે છે જે તમામ લોકોને પરવડે.

ભાષણના અંતે બોલિવૂડનું ધૂમ મચાલે સોંગ વાગ્યું, માતા ભેટી પડયા 

ઝોહરાન મમદાનીએ ન્યૂયોર્કમાં જીત બાદ આશરે ૨૫ મિનિટ સુધી ભાષણ આપ્યું હતું, ભાષણના અંતે બોલિવૂડની ફિલ્મ ધૂમના ટાઇટલ ટ્રેકને વગાડવામાં આવ્યું હતું. ધૂમ મચા લે ગીત પર ઝોહરાન મમદાની પોતાની પત્ની સાથે આનંદ કરતા નજરે પડયા હતા, ભાષણ પૂર્ણ થયા બાદ મિરા નાયર સ્ટેજ પર આવ્યા હતા અને પુત્ર ઝોહરાન મમદાની ભેટી પડયા હતા. આ દરમિયાન પિતા મેહમૂદ મમદાની પણ હાજર હતા. અંતિમ પરિણામો મુજબ ડેમોક્રેિટિકના  ઝોરહાન મમદાનીને ૫૦.૪ ટકા, અપક્ષ એન્ડ્રુ કુઓમોને ૪૧.૬ ટકા જ્યારે સત્તાધારી રિપબ્લિકનના ઉમેદવાર કર્ટિસ સ્લિવાને માત્ર ૭.૧ ટકા મત મળ્યા હતા.

- મજૂરોના અધિકારો એટલા મજબૂત કરીશું કે કોઇ બોસ તેને દબાવી નહીં શકે 

ઝોહરાન મમદાનીએ ન્યૂયોર્કમાં ભાડે રહેનારા આમ નાગરિકોને પણ યાદ કર્યા હતા અને ઉંચા ભાડા વસુલતા મકાન માલિકોને આડેહાથ લીધા હતા, તેમણે કહ્યું હતું કે અમે એ લાલચી મકાન માલિકોને જવાબ આપીશું કે જેઓ ભાડુઆતનું શોષણ કરે છે, અમે એ ભ્રષ્ટ વ્યવસ્થાને ખતમ કરીશું જેણે અબજોપતિઓને ટેક્સથી બચી જવાની છૂટ આપી રાખી છે, આપણે મજૂરોના અધિકારોને એટલા મજબૂત બનાવીશું કે કોઇ બોસ તેમને દબાવવાની હિમ્મત નહીં કરી શકે. મમદાનીએ ન્યૂયોર્કના મેયરની ચૂંટણી જીતીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ટક્કર આપી છે. હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મમદાની વચ્ચે રાજકીય જંગ જોવા મળી શકે છે.         

- મારુ ભાષણ જોઇ રહ્યા હોવ તો વોલ્યુમ વધારોઃ ટ્રમ્પને મમદાનીનો ટોણો 

પોતાને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ તરીકે ઓળખાવતા ઝોહરાન મમદાનીએ ભાષણમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટોણો મારતા કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ મને ખ્યાલ છે કે તમે મારુ આ ભાષણ જોઇ રહ્યા છો, તમારા માટે મારી પાસે ચાર શબ્દો છે ટર્ન દ વોલ્યૂમ અપ (ટીવીનો અવાજ વધારી દો). આ રાજકીય અંધારામાં ન્યૂયોર્ક ઝળહળી ઉઠશે. ન્યૂયોર્ક શહેરને ઇમિગ્રન્ટ્સે બનાવ્યું હતું, તેને શક્તિશાળી પણ ઇમિગ્રન્ટ્સે બનાવ્યું, આજે આ જ ન્યૂયોર્ક પર એક ઇમિગ્રન્ટે સત્તા સંભાળી છે. ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રન્ટ્સને કાઢી મુકવાના કેમ્પેઇનનો ઝોહરાને આ રીતે જવાબ આપ્યો હતો. 

- મમદાનીએ ન્યૂયોર્કને સૌથી મોંઘુ શહેર ગણાવ્યું હતું 

- મોંઘવારી, પાયાની જરૂરિયાતોના મુદ્દા ઉઠાવીને મમદાની જીત્યા

- ઇન્ટરનેટનો ભરપુર ઉપયોગ, યુવા વયના મુખ્ય ટાર્ગેટ : પરદા પાછળ પત્નીની મહત્ત્વની ભૂમિકા

ન્યૂયોર્ક: ડોનાલ્ડ ટ્રમ્પે જેને ડાબેરી નેતા કહ્યા હતા તે ઝોહરાન મમદાનીએ મજૂરો, બેરોજગારી, સ્વાસ્થ્ય, ગરીબી, ભેદભાવ, શિક્ષણ જેવા પાયાના મુદ્દાને કેમ્પેઇનનો વિષય બનાવ્યા હતા. ખાસ કરીને ન્યૂયોર્કમાં આવી પડેલી મોંઘવારીને લઇને મમદાનીએ પ્રચાર કર્યો. 

મમદાનીના કેમ્પેઇનનો સૌથી મોટો મુદ્દો ન્યૂયોર્કની વધી રહેલી મોંઘવારી રહી, તેમણે વારંવાર એ વાત પર ધ્યાન આપ્યું કે ન્યૂયોર્ક હવે બહુ જ મોંઘુ થઇ ગયું છે. અને કહ્યું હતું કે લોકોની જિંદગીને આસાન અને સરળ બનાવવી તે સરકારનું કામ છે. મમદાનીએ સસ્તા મકાન, ઓછુ ભાડુ, સસ્તી સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધા જેવા મુદ્દા ઉઠાવ્યા હતા. 

મમદાનીએ ખુલ્લીને અમીરો પર ટેક્સ લાદવાની વાત કરી હતી, મોઘા ભાડા વસુલનારા મકાન માલિકોને પણ આડેહાથ લીધા, મજૂરોનું શોષણ કરનારા કંપની માલિકો પર પ્રહારો કર્યા, મમદાની પોતાને સોશિયાલિસ્ટ ગણાવે છે અને કેમ્પેઇનમાં મુદ્દા પણ એવા જ ઉઠાવ્યા. મમદાની ઇન્ટરનેટથી લઇને ગ્રાઉન્ડ કેમ્પેઇન બન્નેમાં સક્રિય જોવા મળ્યા. તેમની પત્ની રામા દુવાજીએ પરદા પાછળ કેમ્પેઇનમાં સક્રિય ભૂમિકા ભજવી અને યુવાઓને વિશેષ ટાર્ગેટ કર્યા. ફુટબેલ જેવી ટુર્નામેન્ટ, એલજીબીટીક્યુ બારમાં ઇવેન્ટ, સ્કેવેન્જર ફ્રન્ટ વગેરે જમીની સ્તરના કેમ્પેઇન કર્યા. આ તમામ પાસા મમદાનીની તરફેણમાં રહ્યા. ન્યૂયોર્કના લોકો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઉંચા ટેરિફને કારણે આવી રડેલી મોંઘવારીથી ખરેખર કંટાળ્યા હતા.