Get The App

અમેરિકામાં મૂળ ગુજરાતી ડૉક્ટરનું 'મેડિકલ સ્કેમ'! બિનજરૂરી સર્જરી અને ખોટા બિલિંગ બદલ 130 કરોડ રૂપિયાનો દંડ

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકામાં મૂળ ગુજરાતી ડૉક્ટરનું 'મેડિકલ સ્કેમ'! બિનજરૂરી સર્જરી અને ખોટા બિલિંગ બદલ 130 કરોડ રૂપિયાનો દંડ 1 - image
IMAGE FROM X

Dr Jitesh Patel USA: અમેરિકાના હેલ્થકેર સેક્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભારતીય મૂળના એક ડૉક્ટર અને તેમની હોસ્પિટલ પર દર્દીઓના જીવ જોખમમાં મૂકીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. એટલાન્ટા સ્થિત યુરોલોજી ફેસિલિટી એડવાન્સ્ડ યુરોલોજી અને તેના સંચાલક ડૉ. જીતેશ પટેલ (Dr. Jitesh Patel) પર બિનજરૂરી સર્જરી અને મેડિકલ ટેસ્ટ કરીને સરકાર સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. આ મામલે ડૉક્ટર અને તેમની સંસ્થાએ 14 મિલિયન ડોલર (અંદાજે 116 કરોડ રૂપિયાથી વધુ) ચૂકવવા માટે સંમતિ દર્શાવી છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે હોસ્પિટલના જ બે કર્મચારીઓએ વ્હિસલ-બ્લોઅર બનીને ન્યાયની લડત શરૂ કરી.

શું છે સમગ્ર મામલો?

અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, ડૉ. જીતેશ પટેલ અને તેમની સંસ્થા એડવાન્સ્ડ યુરોલોજી પર આરોપ છે કે તેમણે મેડિકેર, મેડિકેડ અને ટ્રાઈકેર જેવા સરકારી વીમા પ્રોગ્રામ્સમાંથી વધુ પૈસા પડાવવા માટે દર્દીઓ પર એવી પ્રક્રિયાઓ કરી જેની કોઈ તબીબી જરૂરિયાત જ નહોતી. તપાસમાં બહાર આવ્યું છે કે, હોસ્પિટલનું આખું માળખું એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે, જેથી મહત્તમ આવક ઊભી કરી શકાય. આ માટે ડોક્ટરોએ નૈતિકતાની તમામ હદો વટાવી દીધી હતી.

વ્હિસલ-બ્લોઅર્સનો ઘટસ્ફોટ આ રીતે આચરાતું કૌભાંડ?

આ કેસમાં બે મુખ્ય વ્હિસલ-બ્લોઅર્સ છે લોરેન પેરુમલ-સ્રામલ (ભૂતપૂર્વ કર્મચારી) અને ડૉ. હિમાંશુ અગ્રવાલ (હોસ્પિટલના ભૂતપૂર્વ ફિઝિશિયન) તેમણે કોર્ટમાં કરેલા દાવા મુજબ, ડૉ. પટેલની હોસ્પિટલમાં નીચે મુજબની ગેરરીતિઓ આચરવામાં આવતી હતી. બિનજરૂરી ઇન્વેસિવ ટેસ્ટ લગભગ દરેક નવા દર્દી પર અત્યંત પીડાદાયક અને જટિલ ટેસ્ટ કરવામાં આવતા હતા. સામાન્ય રીતે જે ટેસ્ટની જરૂરિયાત ખૂબ ઓછા કિસ્સામાં હોય, તે અહીં દરેક દર્દી પર થોપી દેવામાં આવતા હતા.

ઇલેક્ટ્રિકલ સિગ્નલ ટેસ્ટ

દર્દીઓના જનનાંગો પર ઇલેક્ટ્રોડ્સ લગાવીને ઇલેક્ટ્રિકલ સિગ્નલ પસાર કરી ઇલેક્ટ્રોમાયોગ્રાફી ટેસ્ટ કરવામાં આવતા હતા. યુરોલોજીમાં આ ટેસ્ટ ભાગ્યે જ વપરાય છે, પરંતુ અહીં તે આવકનું સાધન બની ગયા હતા. અનેક દર્દીઓના શરીરમાં સેક્રલ નર્વ સ્ટિમ્યુલેટર જેવા કાયમી ઉપકરણો બેસાડી દેવામાં આવતા હતા. આ ઉપકરણ બેસાડતા પહેલા તેની જરૂર છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવતી નહોતી. દર્દીઓને એનેસ્થેસિયા આપીને તેમના મૂત્રમાર્ગ દ્વારા બ્લેડરમાં સ્કોપ નાખવાની જટિલ પ્રક્રિયાઓ હજારો વખત કરવામાં આવી હતી.

અપકોડિંગનું મોટું કૌભાંડ

હોસ્પિટલ નાની અને સામાન્ય પ્રક્રિયાઓ કરતી હતી, પરંતુ કાગળ પર તેને મોટી અને જટિલ સર્જરી તરીકે દર્શાવીને સરકાર પાસેથી ઊંચા દરો વસૂલતી હતી. દાખલા તરીકે, સામાન્ય ડાઇલેશનની જગ્યાએ જટિલ ઇન્ટર્નલ યુરેથ્રોટોમી (DVIU) ના બિલ બનાવવામાં આવતા હતા.

આ પણ વાંચો : જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી

FBI અને અન્ય એજન્સીઓની સંયુક્ત તપાસ

આ મામલાની ગંભીરતાને જોતા અમેરિકાની ટોચની તપાસ એજન્સી FBI, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (HHS), વેટરન્સ અફેર્સ (VA OIG) અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (જેને હવે ડિપાર્ટમેન્ટ ઓફ વોર તરીકે ઓળખવામાં આવે છે) એ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ પીટર એલિસે નોંધ્યું હતું કે, આ આખી સ્કીમમાં દર્દીની સંભાળ કરતા નફાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. જ્યોર્જિયાના ડેપ્યુટી એટર્ની જનરલ જિમ મૂનીએ આકરા શબ્દોમાં કહ્યું કે, મેડિકેડ પ્રોગ્રામ સાથેની છેતરપિંડી એ જ્યોર્જિયાના કરદાતાઓની ચોરી છે.

સેટલમેન્ટ અને દંડ 14 મિલિયન ડોલરની ચૂકવણી

લાંબી કાનૂની લડાઈ અને તપાસ બાદ ડૉ. જીતેશ પટેલ અને એડવાન્સ્ડ યુરોલોજી 14 મિલિયન ડોલર ચૂકવવા સહમત થયા છે. આ રકમ ફેડરલ અને સ્ટેટ સરકારો વચ્ચે વહેંચવામાં આવશે. હિંમત બતાવીને આ કૌભાંડ ખુલ્લું પાડનાર લોરેન પેરુમલ-સ્રામલ અને ડૉ. હિમાંશુ અગ્રવાલને કુલ રકમમાંથી 2.94 મિલિયન ડોલર (અંદાજે 24 કરોડ રૂપિયા) ઇનામ તરીકે આપવામાં આવશે. જો કે, આ એક સિવિલ સેટલમેન્ટ છે. તેનો અર્થ એ છે કે ડૉ. પટેલે પોતાની ભૂલ સ્વીકારી નથી કે તેમને સત્તાવાર રીતે ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી, પરંતુ તેમણે કેસ ખતમ કરવા માટે આ રકમ ચૂકવવાની તૈયારી બતાવી છે.

દર્દીઓ પર તેની શું અસર થઈ?

સ્થાનિક સમાચાર આઉટલેટ FOX 5 Atlanta ના અહેવાલ મુજબ, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ બિનજરૂરી ઇલેક્ટ્રિકલ ટેસ્ટ કે બ્લેડર સ્કોપ્સને કારણે કોઈ દર્દીને લાંબા ગાળાનું શારીરિક નુકસાન થયું છે કે કેમ. પરંતુ, તબીબી નિષ્ણાતોનું માનવું છે કે બિનજરૂરી એનેસ્થેસિયા અને ઇન્વેસિવ પ્રક્રિયાઓ હંમેશા જોખમી હોય છે અને તેનાથી ઇન્ફેક્શન કે અન્ય જટિલતાઓ ઊભી થઈ શકે છે.

સમગ્ર ભારતીય સમાજ શરમજનક સ્થિતિમાં

આ કિસ્સો અમેરિકામાં વસતા ભારતીય સમુદાય અને તબીબી જગત માટે શરમજનક સાબિત થયો છે. જ્યારે કોઈ ડૉક્ટર સેવાની જગ્યાએ સ્વાર્થને પ્રાધાન્ય આપે છે, ત્યારે તે માત્ર કાયદાનું જ ઉલ્લંઘન નથી કરતો, પરંતુ માનવતા સાથે પણ દ્રોહ કરે છે. અમેરિકી સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હેલ્થકેર ફંડના દુરુપયોગ અને દર્દીઓના શોષણ સામે કડક કાર્યવાહી ચાલુ રાખશે.