Get The App

ટેરિફ મુદ્દે તણાવ વચ્ચે ભારતના લોબિસ્ટ જેસન મિલર ટ્રમ્પને મળ્યા

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફ મુદ્દે તણાવ વચ્ચે ભારતના લોબિસ્ટ જેસન મિલર ટ્રમ્પને મળ્યા 1 - image


રશિયન ક્રુડની ખરીદી માટે વેપાર મંત્રી નવારોએ ફરી ભારતની ટીકા કરી

યુએસ અને યુરોપ યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયન ક્રુડની ખરીદી બદલ ભારત પર નવા ટેરિફ નાંખે ઃ સ્કોટ બેસેન્ટ

વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેરર અને વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો વણસ્યા છે. આવા સમયે સંબંધો સુધારવા ભારતે અમેરિકાની રાજકીય લોબીઈંગ કંપનીને રોકી છે. આ કંપનીના વડા જેસન મિલર ભારત તરફથી પ્રમુખ ટ્રમ્પ અને ટ્રમ્પ સરકારના કેટલાક ટોચના અધિકારીઓને મળ્યા હતા. બીજીબાજુ અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે યુરોપ અને ટ્રમ્પ સાથે મળી રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી બદલ ભારત પર વધુ ટેરિફ નાંખવા ભલામણ કરી છે.

અમેરિકન લોબીઇંગ કંપની એસએચડબલ્યુ પાર્ટનર્સના વડા જેસન મિલરે પ્રમુખ ટ્રમ્પ અને અન્ય અધિકારીઓ સાથે બેઠકો કરી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જોકે, આ બેઠકોનો હેતુ જણાવાયો નહોતો. તેમણે તસવીરો સાથે લખ્યું, વોશિંગ્ટનમાં શાનદાર સપ્તાહ રહ્યું. આ સમયે મિત્રો સાથે મુલાકાત કરી અને અંતમાં પ્રમુખ ટ્રમ્પને મળીને ખૂબ જ આનંદ થયો. મિલરે પોતાની પોસ્ટ પ્રમુખ ટ્રમ્પને પણ ટેગ કરી હતી.

ભારતીય દૂતાવાસે એપ્રિલમાં અમેરિકન લોબીઈંગ કંપની એસએચડબલ્યુ પાર્ટનર્સ એલએલસીને એક વર્ષ માટે ૧૮ લાખ અમેરિકન ડોલરમાં હાયર કરી હતી. આ કંપનીનું કામ બારત અમેરિકા વચ્ચે રણનીતિક સલાહ, અમેરિકન સરકાર, કોંગ્રેસ, રાજ્ય સરકારો, એકેડમીક સંસ્થાઓ, થિંક ટેન્ક્સ અને અન્ય મુખ્ય હિતધારકો સાથે સંબંધ સ્થાપિત કરવાનું છે. આ નિમણૂક પાછળનો આશય ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, આર્થિક નીતિ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે વોશિંગ્ટનમાં પોતાનો પ્રભાવ વધારવાનો છે. દરમિયાન અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે રવિવારે યુક્રેન યુદ્ધ રોકવા માટે યુરોપીયન સંઘને અમેરિકા સાથે મળીને રશિયા પર દબાણ વધારવા હાકલ કરી હતી. તેમણે એવા પણ સંકેત આપ્યા કે, અમેરિકા અને રશિયાએ સાથે મળીને રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદતા દેશો પર નવા ટેરિફ નાંખવા જોઈએ. ટ્રમ્પ પહેલા જ ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ નાંખી ચૂક્યું છે, જે વૈશ્વિક સ્તર પર કોઈપણ દેશ પર લગાવેલા સૌથી આકરા ટેરિફ છે.

અમેરિકન મંત્રી સ્કોટ બેસન્ટે રવિવારે કહ્યું કે, અત્યારે યુક્રેનની સેના કેટલું ટકી શકે છે કે રશિયન અર્થતંત્ર કેટલા સમય સુધી ટકી શકે છે તેની સ્પર્ધા ચાલી રહી છે. અમેરિકા અને યુરોપીયન સંઘ સાથે મળી રશિયા પર વધુ આકરા પ્રતિબંધ મૂકે, સાથે જ તેની પાસેથી ક્રુડ ખરીદનારા દેશો પર સેકન્ડરી ટેરિફ નાંખે તો રશિયન અર્થતંત્ર ધરાશાયી થઈ જશે, જેને પગલે પુતિને શાંતિ મંત્રણા માટે ચર્ચા કરવા મજબૂર થવું પડશે.


Tags :