World

ઇરાનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતના નાગરિકોનું સહીસલામત સ્થળાંતર

By GS TEAM
17 Jun 20253 mins read
ઇરાનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતના નાગરિકોનું સહીસલામત સ્થળાંતર

- ભારતીય નાગરિકોને તેહરાન છોડી  દેવા જણાવાયું  

- વિવિધ શહેરોમાં ફસાયેલાં 1500 વિદ્યાર્થીઓને સલામત  ઇરાનની બહાર કાઢવા ભારતીય રાજદૂતાવાસે વિવિઘ પગલાં ભરવા માંડયા 

- ભારતીયો નાગરિકોની સલામત રવાનગી માટે ઇરાને તમામ જમીન સરહદો ખોલી આપી  

તેહરાન :  ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે લડાઇ સતત ઉગ્ર બની રહી છે ત્યારે ભારતે ઇરાનના જોખમી વિસ્તારોમાં ફસાયેલાં ૧૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ તથા નાગરિકોને સલામત રીતે ઇરાનની બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે. સોમવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેહરાનમાં ભારતીય રાજદૂતાવાસ દ્વારા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ધ હિન્દુ અખબારના એક અહેવાલ અનુસાર ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જારી કરી તેહરાનમાં મોજૂદ તમામ ભારતીય નાગરિકોને તેમના વીઝાની કેટેગરીની પરવા કર્યા વિના સોમવાર સાંજ સુધીમાં તેહરાનમાંથી રવાના થઇ જવા માટે જણાવાયું છે. 

બીજી તરફ ભારતની ઇરાનના શહેરોમાં ફસાયેલાં ભારતીય વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવાની વિનંતીને ધ્યાનમાં લઇ ઇરાને ભારતીય નાગરિકોને સલામત રીતે દેશની બહાર જવા દેવા માટે તેની તમામ જમીની સરહદો ખોલી આપી છે. 

શુક્રવારે સવારે ઇઝરાયેલે ઇરાનના પાટનગરના રહેવાસી ઇલાકાને નિશાન બનાવી ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું તેને ચાર દિવસ વીતી ગયા છતાં બંને દેશો વચ્ચે સતત તંગદિલી વધી રહી છે. ઇરાને ઇઝરાયેલ પર કરેલાં વળતાં હુમલામાં તેના નાગરિક સ્થળોને લક્ષ્ય બનાવ્યા હોવાથી ઇઝરાયેલ હવે પછી તેહરાનના નાગરિક ઇલાકાઓ પર હુમલા કરે તેવી સંભાવના છે. આ હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખી ભારતીય રાજદૂતાવાસે તેહરાનમાં રહેલાં તમામ ભારતીયોને સોમવારની સાંજ સુધીમાં તેહરાન છોડી દેવા જણાવ્યું છે.  દરમ્યાન ઇઝરાયેલના ઇરાનના વિવિધ શહેરો પરના બોમ્બમારામાં ફસાયેલાં ભારતીય વિદ્યાર્થીઓને સલામત રવાના કરવાની વિનંતીને ધ્યાનમાં લઇઇરાને જણાવ્યું હતું કે ઇરાનની  એરસ્પેસ બંધ છે પણ ભારતીય નાગરિકો સલામત રીતે  દેશ છોડી શકે તે માટે ઇરાનની તમામ જમીન સરહદો તેમના માટે ખુલ્લી છે. ઇરાનના વિદેશ પ્રધાને ભારતના રાજદ્વારી મિશનને રાજદ્વારીઓ તથા નાગરિકોને સલામત રીતે ઇરાનની બહાર કાઢવા માટે સહાય કરવાની મંજૂરી આપી છે. તેહરાને ભારતને સરહદ પાર કરવા માંગતા નાગરિકોના નામ, પાસપોર્ટ નંબર અને વાહનની વિગતો તેના પ્રોટોકોલ વિભાગને આપવા માટે જણાવ્યું છે. કઇ સરહદેથી કયા સમયે ભારતીય નાગરિકો ઇરાન છોડવા માંગે છે તે પણ જણાવવાનું રહેશે. 

બીજી તરફ ભારતે તેના ૧૫૦૦ કરતાં વિદ્યાર્થીઓને ઇરાનમાં જ સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરી દીધી છે. આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના જમ્મુ અને કાશ્મીરના છે. તેહરાનમાં આવેલાં ભારતીય રાજદૂતાવાસે ઇરાનના શહેરોમાં ફસાયેલાં ભારતીયોને ઘાંઘા થયા વિના સાવચેત રહેવાની તાકીદ કરી તમામ બિનજરૂરી આવનજાવન બંધ કરવા જણાવ્યું છે. ભારતીય રાજદૂતાવાસ દ્વારા તેના એક્સ એકાઉન્ટ પર ગૂગલ ફોર્મ જારી કરી તેમાં તેમની વિગતો ભરવામાટે જણાવવામાં આવ્યું છે. ઇરાનમાં ફસાયેલાં ભારતીય નાગરિકોને તાજા સમાચાર મળી રહે તે માટે ટેલિગ્રામ લિન્ક પણ પુરી પાડવામાં આવી છે. તેહરાનમાં ભારતીય રાજદૂતાવાસ સાથે નાગરિકોને સતત સંપર્ક જાળવી રાખવાની તાકીદ કરવામાં આવી છે. ઇરાન-ઇઝરાયેલ વચ્ચે જંગ ઓર ઉગ્ર બનવાના એંધાણ છે ત્યારે ભારતીયોએ સલામત રીતે ઇરાન છોડી દેવામાં જ સાર છે.