સેનાના મેજરે બનાવ્યુ દુનિયાનુ પહેલુ બુલેટપ્રૂફ હેલમેટ, AK-47ની ગોળીઓ પણ ભેદી નહીં શકે
શ્રી નગર, તા. 08 ફેબ્રુઆરી 2020 શનિવાર
જમ્મુ-કાશ્મીરમાં સતત LoC પર ભારતીય સેનાના જવાનોને પાકિસ્તાની સેના પોતાનું નિશાન બનાવતી રહી છે. સાથે જ આતંકવાદીઓ વિરૂદ્ધ ઑપરેશનમાં સૌથી મોટી ચિંતા પોતાના સૈનિકોની સુરક્ષાની હોય છે. સેનાની સુરક્ષા માટે મેજર અનૂપ મિશ્રાએ બુલેટપ્રૂફ હેલમેટનું નિર્માણ કર્યુ છે.
આ દુનિયાનું પહેલુ એવુ બુલેટપ્રૂફ હેલમેટ છે. જે 10 મીટર અંતરેથી એકે-47થી ચલાવવામાં આવેલી ગોળીને રોકી શકે છે. અગાઉ અનૂપ મિશ્રાએ બુલેટ પ્રૂફ જેકેટનું નિર્માણ કર્યુ હતુ. જે સ્નાઈપર રાઈફલની ગોળીઓથી સુરક્ષા પ્રદાન કરી શકે છે.
સેનાના અધિકારીઓએ જણાવ્યુ કે બેલિસ્ટિક હેલમેટને મેજર અનૂપ મિશ્રા દ્વારા અભેદ પ્રોજેક્ટના અંતર્ગત બનાવવામાં આવ્યુ છે. જેમાં ફૂલ બૉડી પ્રોટેક્શન બુલેટપ્રૂફ જેકેટ પણ વિકસિત કરાયુ છે.
અનૂપ મિશ્રા ભારતીય સેનાના કૉલેજ ઑફ મિલિટ્રી એન્જિનિયરીંગ માટે કાર્યરત છે. મેજર અનૂપ મિશ્રા જ્યારે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત હતા તે દરમિયાન એક ઑપરેશનમાં ગોળીનો શિકાર બન્યા હતા. તે દરમિયાન તેમણે બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યુ હતુ. આ કારણે ગોળી તેમના શરીરને ભેદી શકી નહીં પરંતુ તે ગોળીએ શરીર પર અસર છોડી દીધી.