Get The App

પોતાની જ જાળમાં ફસાયા ટ્રમ્પ! ભારતનો અમેરિકાને 4.5 લાખ કરોડ રૂપિયાનો ઝટકો

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
India Reduces US Treasury Holdings


(IMAGE - IANS)

India Reduces US Treasury Holdings: અમેરિકાના ટેરિફ દબાણ સામે ભારતે જડબાતોડ જવાબ આપતા યુએસ ટ્રેઝરીમાં પોતાનું રોકાણ એક જ વર્ષમાં 21% ઘટાડી નાખ્યું છે. ભારતના આ વળતા દાવથી અમેરિકન અર્થતંત્રને ₹4.5 લાખ કરોડનું મોટું નુકસાન થયું છે. બ્લૂમબર્ગના મતે, વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને બદલાતી ભૌગોલિક-રાજકીય સ્થિતિને જોતાં ભારત હવે ડૉલર પરની નિર્ભરતા ઘટાડી રહ્યું છે. આ વ્યૂહાત્મક ફેરફારનો મુખ્ય હેતુ ભારતીય અર્થતંત્રને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવાનો છે.

રોકાણમાં મોટો ઘટાડો

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, 31 ઑક્ટોબર 2024થી 31 ઑક્ટોબર 2025 દરમિયાન અમેરિકન ટ્રેઝરીમાં ભારતના રોકાણમાં 21 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ હિસ્સેદારી હવે 241.4 અબજ ડૉલરથી ગગડીને 190.7 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે.

આ આંકડાકીય ફેરફાર સૂચવે છે કે ભારતે માત્ર એક જ વર્ષમાં અંદાજે 50 અબજ ડૉલર(આશરે 4.5 લાખ કરોડ રૂપિયા) જેટલું માતબર રોકાણ અમેરિકન બજારમાંથી પાછું ખેંચ્યું છે. નોંધનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ભારતીય રોકાણમાં ઘટાડો નોંધાયો હોય, કારણ કે અગાઉના વર્ષોમાં ભારતની આ હોલ્ડિંગ કાં તો સતત વધતી હતી અથવા સ્થિર રહેતી હતી.

વધતા રિટર્ન છતાં ભારત કેમ દૂર થયું?

આશ્ચર્યજનક વાત એ છે કે અત્યારે અમેરિકન ટ્રેઝરી પર રિટર્ન 4%થી વધીને 4.8% થયું છે, જે રોકાણકારો માટે ફાયદાકારક ગણાય. તેમ છતાં, અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ભારતનો હેતુ નફો કમાવવા કરતાં 'ડૉલર' પરની નિર્ભરતા ઘટાડવાનો અને પોતાના પોર્ટફોલિયોનું વૈવિધ્યકરણ કરવાનો છે.

આ પણ વાંચો: 'ઈરાનના તહેરાનમાં અંધાધૂંધ ગોળીબારમાં 217 દેખાવકારોના મોત...' ડૉક્ટરનો ચોંકાવનારો દાવો

સોનામાં રોકાણ વધાર્યું

અર્થશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, ડૉલરના મૂલ્યમાં સંભવિત ઘટાડા અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવને જોતાં RBI હવે સોના અને બિન-ડૉલર સંપત્તિઓમાં રોકાણ વધારી રહી છે. ભારત હવે સુરક્ષિત રોકાણ તરીકે સોના પર વધુ ભાર મૂકી રહ્યું છે.

અમેરિકન અર્થતંત્ર પર અસર

ભારતની આ બદલાયેલી રણનીતિથી અમેરિકન અર્થતંત્રને સીધો ફટકો પડ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગીનું એક મુખ્ય કારણ એ પણ છે કે ભારત હવે તેની શરતો પર ઝૂકવાને બદલે વૈશ્વિક અર્થતંત્રમાં પોતાનો અલગ રસ્તો બનાવી રહ્યું છે. અમેરિકામાં નબળા શ્રમ બજાર અને ફેડરલ રિઝર્વની વ્યાજ દર નીતિને કારણે ડૉલર પ્રત્યેનું આકર્ષણ ઘટી રહ્યું છે.

પોતાની જ જાળમાં ફસાયા ટ્રમ્પ! ભારતનો અમેરિકાને 4.5 લાખ કરોડ રૂપિયાનો ઝટકો 2 - image