ભારત 24-36 કલાકમાં જ લશ્કરી પગલાં લેશે : તેને તેનાં પરિણામો ભોગવવાં પડશે : પાકિસ્તાન
- ભારત ટૂંકમાં જ લશ્કરી પગલાં લેશે, પાક. તૈયાર છે : આસીફ
- પાકિસ્તાનના માહિતી પ્રધાન અતૌલ્લાહ તરારે પત્રકારોને કહ્યું કે 'પાકિસ્તાન પાસે પાક્કી જાસૂસી માહિતી છે કે ભારત ૨૪-૩૬ કલાકમાં હુમલો કરશે'
ઇસ્લામાબાદ : પાકિસ્તાને બુધવારે દાવો કર્યો હતો કે તેની પાસે વિશ્વસનીય જાસૂસી માહિતી છે કે ભારત આગામી ૨૪-૩૬ કલાકમાં જ લશ્કરી પગલાંની યોજના ઘડી રહ્યું છે. પરંતુ તેને તેનાં પરિણામો ભોગવવાં પડશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સેનાના વડાઓને કહ્યું હતું કે પહેલગામ ત્રાસવાદી હુમલા અંગે વળતો જવાબ આપવા તેમણે કમ્પલિટ ઓપરેશન ફ્રીડમ (કાર્યવાહીની તમામ છૂટ) આપવામાં આવે છે અને તમો પહેલગામ હુમલાનો જવાબ આપવા માટેની કાર્યવાહી ધ્યેય નિશાન, અને સમય તમારી મેળે જ નિશ્ચિત કરી શકશો.
નરેન્દ્ર મોદીનાં આ વિધાનો પછી થોડા જ સમયમાં પાકિસ્તાનના માહિતી પ્રધાન અતૌલ્લાહ તરારે પત્રકારોને કરેલાં સંબોધનમાં આવો હુંકાર કર્યો હતો.
પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી અત્યંત વધી ગઈ છે ભારતે પાકિસ્તાનના દૂતાવાસમાં સંખ્યા ઘટાડી કાઢી છે. સિંધુ જળસંધિ નિલંબિત કરી છે. અટારી વાઘા સરહદ બંધ કરી દીધી છે. પાકિસ્તાનનાં દૂતાવાસમાંથી મિલિટરી એટેચીઝને દૂર કરાવ્યા છે તે સામે પાકિતાને ૧૯૭૨માં થયેલા કરારો રદ્દ જાહેર કર્યા છે.
પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારે ઠ પરનાં પોસ્ટમાં જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનાં આક્રમણનો તેટલો જ નક્કર જવાબ આપવામાં આવશે, પછી જે કૈં બનશે તે માટે ભારત જ જવાબદાર રહેશે, તેણે તેનાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
તરારે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાન પાસે વિશ્વસનીય માહિતી છે કે ભારત આગામી ૨૪-૩૬ કલાકમાં જ પહેલગામ ઘટનાનું ખોટું બહાનુ બતાવી આક્રમણ કરવા માગે છે. પરંતુ કોઈ પણ પ્રકારના હુમલાનો તેટલો જ કટ્ટર જવાબ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન પોતે જ ત્રાસવાદનો ભોગ બન્યું છે અમે હંમેશાં તેને વખોડી જ કાઢ્યો છે. વિશ્વમાં કોઈ પણ સ્થળે કોઈપણ પ્રકારે પ્રસરતા ત્રાસવાદનો અમે વિરોધ કરીએ જ છીએ. પાકિસ્તાન ખુલ્લાં મને તે ઘટનાની વિશ્વસનીય પારદર્શી અને સ્વતંત્ર તપાસમાં સાથ આપવા તૈયાર જ છે.
આ પૂર્વે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે તેમ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે ભારત દ્વારા ગમે ત્યારે લશ્કરી હુમલો થઇ શકે તેમ છે. પાકિસ્તાન હાઈ એલર્ટ પર મુકાઈ ગયું છે અને જો તેનાં અસ્તિત્વ સામે ખતરો ઊભો થશે તો તે પરમાણુ શસ્ત્રનો પણ ઉપયોગ કરશે.