Get The App

'ભારત હવે રશિયાથી ઓઈલ નહીં ખરીદે, આ સારું પગલું...' ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
'ભારત હવે રશિયાથી ઓઈલ નહીં ખરીદે, આ સારું પગલું...' ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો 1 - image


Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવા અહેવાલોનું સ્વાગત કર્યું છે કે ભારત લગભગ  રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી શકે છે. તેમણે આ શક્યતાને એક સારું પગલું ગણાવ્યું. જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે આ સમાચાર કેટલા સાચા છે તે અંગે તેમની પાસે યોગ્ય માહિતી નથી.

ટ્રમ્પ શું બોલ્યાં? 

અહેવાલ અનુસાર, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમની ભારત પર દંડ લગાવવાની અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની કોઈ યોજના છે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો કે મેં સાંભળ્યું છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. મેં આ સાંભળ્યું છે, પરંતુ મને ખબર નથી કે આ વાત સાચી છે કે નહીં. જો  આવુ થાય તો તે એક સારું પગલું ગણાશે. હવે જોઈએ આગળ શું થાય છે.

ટ્રમ્પ બનાવી રહ્યા છે દબાણ! 

ટ્રમ્પની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકા રશિયાના ઓઈલ વેચાણની આવકને મર્યાદિત કરવા માટે વૈશ્વિક દબાણ બનાવી રહ્યું છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે અને પશ્ચિમી પ્રતિબંધો પછી 2022 થી રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ દરે તેલ ખરીદી રહ્યો છે. જોકે, તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, ભારતની સરકારી તેલ કંપનીઓએ હાલમાં રશિયા પાસેથી ખરીદી બંધ કરી દીધી છે. આનું કારણ રશિયા દ્વારા આપવામાં આવતી ડિસ્કાઉન્ટમાં ઘટાડો અને શિપિંગ સંબંધિત સમસ્યાઓ છે. જોકે, ભારત સરકારે હજુ સુધી સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી નથી.

ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો

ટ્રમ્પે ગયા અઠવાડિયે વેપાર અવરોધો અને રશિયા પાસેથી ઓઈલ અને હથિયારોની ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારતની ટીકા કરી હતી. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, તેમણે વાજબી વેપાર પ્રથાઓનું પાલન ન કરવા અને ભારત પર વધુ પડતા ટેરિફ લાદવાની વાત કરી હતી. તે જ સમયે, વ્હાઇટ હાઉસે ભારતથી અમેરિકા આવતા તમામ માલ પર 25% ટેરિફની જાહેરાત કરી છે, તેમજ રશિયા સાથે ચાલી રહેલા ઉર્જા વેપાર માટે દંડ પણ લાદ્યો છે.

Tags :