India-America Deal: યુરોપિયન યુનિયન (EU) સાથે મધર ઑફ ડીલ્સ બાદ હવે ભારતને અમેરિકાથી પણ ગુડ ન્યૂઝ મળી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર અંગેની વાતચીતમાં 'ખૂબ મહત્ત્વપૂર્ણ' પ્રગતિ થઈ છે અને બંને પક્ષો તેને અંતિમ ઓપ આપવાની નજીક છે. જોકે, સરકારે આ અંગે ઓફિશ્યલી કોઈ માહિતી નથી આપી.
એક અહેવાલ પ્રમાણે સત્તાવાર સૂત્રોએ બુધવારે ભારત અને અમેરિકા વચ્ચે વાતચીત આગળ વધવાની જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે, યુરોપિયન યુનિયન (EU) સાથે ફ્રી ટ્રેડ ડીલ (FTA) અંતિમ તબક્કામાં પહોંચવા દરમિયાન પણ ભારતે અમેરિકા સાથે વાટાઘાટોની ગતિ જાળવી રાખી હતી.
સૂત્રોએ કહ્યું કે, 'ભારત-ઈયુ FTAને અમેરિકા સાથેના વેપાર સંબંધોની વર્તમાન સ્થિતિના વિકલ્પ તરીકે ન જોવું જોઈએ, કારણ કે ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજાર પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. અમેરિકા સાથેના પ્રસ્તાવિત વેપાર કરાર પર વાટાઘાટોમાં 'ખૂબ મહત્ત્વપૂર્ણ' પ્રગતિ થઈ છે અને બંને પક્ષો સકારાત્મક પરિણામની આશા રાખી રહ્યા છે. આ દિશામાં પ્રયાસો ચાલુ છે. અમને વાટાઘાટોના સકારાત્મક પરિણામની આશા છે.'
ટૅરિફના કારણે અટકી ગઈ હતી વાત
ભારત અને અમેરિકા વચ્ચે ગત વર્ષે દ્વિપક્ષીય વેપાર કરાર પર અનેક તબક્કાની વાટાઘાટો થઈ હતી, પરંતુ ઑગસ્ટમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% સુધીના ટૅરિફ લાદવામાં આવ્યા બાદ વાટાઘાટો અટકી ગઈ હતી. જેમાં રશિયન તેલ ખરીદી પર 25% પેનલ ડ્યુટી પણ સામેલ હતી. ઇમિગ્રેશન નીતિ અને અન્ય મુદ્દાઓ પર પણ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો.
શું અમેરિકાના જવાબમાં ભારતે EU સાથે ડીલ કરી?
ભારત અને EU વચ્ચે FTA થયા બાદ એવી ધારણા બની છે કે આ અમેરિકન ટૅરિફ નીતિના જવાબમાં ઉઠાવવામાં આવેલું પગલું છે. જો કે, સૂત્રોએ તેને નકારી કાઢતાં કહ્યું કે, 'આ કરાર બંને પક્ષોના પરસ્પર હિત અને લાભના આધાર પર કરવામાં આવ્યો છે. સૂત્રોએ કહ્યું કે, ભારત રોજગારીનું સર્જન કરવા અને ઉત્પાદનને વેગ આપવા માટે યુએસ અને યુરોપ બંનેમાં નિકાસ વધારવા માંગે છે.'
વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકા જશે
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતા અઠવાડિયે મહત્ત્વપૂર્ણ ખનિજ સંબંધિત બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રવાસે જાય તેવી શક્યતા છે. આ બેઠક 4 ફેબ્રુઆરીના રોજ વોશિંગ્ટનમાં યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયોની યજમાનીમાં થશે. ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે ખાતરી આપી છે કે ભારતને આવતા મહિને અમેરિકાના આઠ દેશોના જૂથ પેક્સ સિલિકામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે.
આ પણ વાંચો: BIG BREAKING | સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક લગાવી, કહ્યું- દુરુપયોગનો ખતરો
તેમણે એમ પણ કહ્યું કે, બંને દેશો વેપાર, ટૅરિફ અને રશિયાથી ભારતની તેલ આયાત અંગે મહિનાઓથી ચાલી રહેલા તણાવ પછી લાંબા સમયથી પેન્ડિંગ વેપાર વાટાઘાટોમાં પ્રગતિની આશા રાખી રહ્યા છે.


