ભારત નામિબિયામાંથી યુરેનિયમ ખરીદશે મોદીની મુલાકાત પૂર્વે ભારતના રાજદૂતે કહ્યું
- સંરક્ષણ સંબંધી કરારો મોદીની મુલાકાતનો મહત્વનો મુદ્દો છે
- 'રેર-અર્થસ' ઉપરાંત ચિત્તા પણ ખરીદવામાં આવશે, નામિબિયામાં તેલ અને ગેસ ખોદવામાં ભારત સહાય કરશે
વિન્ડહોક (નામિબિયા) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અહીંની મુલાકાત પૂર્વે ભારતના હાઈકમિશ્નર રાહુલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારત નામિબિયામાંથી 'યુરેનિયમ' ખરીદવા માગે છે તે ઉપરાંત અહીં તાજેતરમાં જ મળી આવેલા તેલ અને ગેસના ભંડારો ખોદી કાઢવામાં ભારત નામિબિયાને સહાયભૂત થશે. તેઓએ આગળ કહ્યું કે નામિબિયાનાં સ્વાતંત્ર્યને સમર્થન આપનાર ભારત સૌથી પહેલા દેશો પૈકીનો દેશ હતો. નામિબિયા સ્વતંત્ર થયું ત્યારથી બંને દેશો વચ્ચે હંમેશાં સારા સંબંધો જ રહ્યા છે.
વાસ્તવમાં ભારતને અહીંની રેર-અર્થસમાં રસ છે, તે ખોદી કાઢવામાં પણ ભારત નામિબિયાને સહાયભૂત થશે, તે બંને માટે ભારતની સરકાર હસ્તકની કંપનીઓના અધિકારીઓ અહીં આવી પહોંચવાના છે. આ પી.એસ.યુ. અહીં મૂડી રોકાણ પણ કરશે.
ભારત અને નામિબિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે પણ સહકાર સ્થપાશે. નામિબિયા ભારતમાંથી સંરક્ષણ સાધનો ખરીદવા આતુર છે. સંરક્ષણ કરારો બંને દેશોના સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવવાના છે.
રાહુલ શ્રીવાસ્તવે વધુમાં પત્રકારોને કરેલા સંબોધનમાં કહ્યું, 'વડાપ્રધાન પ્રમુખ નેટુમ્બો નાન્દી-નડૈટવાહ સાથે મંત્રણા યોજશે અને નામિબિયાની સંસદને પણ સંબોધન કરશે.' તેઓ નામિબિયાના રાષ્ટ્રપિતા અને આદ્યસ્થાપક ડો. સામ નુજોવાનાં સમાધિ સ્થળ 'હીરોઝ-એકર' ઉપર પહોંચી શ્રધ્ધાંજલી અર્પશે.
ભારત નામિબિયામાંથી ચિત્તા ખરીદી રહ્યું છે. હવે ચિત્તા પ્રોજેક્ટ ટુ નીચે વધુ ચિત્તા ખરીદવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ એટલાંટિક મહાસાગરના તટે રહેલા આ દેશનું વ્યૂહાત્મક મહત્વ પણ ઘણું છે, જે ભૂલવું ન જોઈએ.