ભારત એક વર્ષમાં જ ફરી હુમલો કરશે : પાકિસ્તાનના વિપક્ષી નેતા ઓમર ઐય્યુબે ઉચ્ચારેલી ગંભીર ચેતવણી

- ભારત ઝડપભેર સંરક્ષણ બજેટ વધારી રહ્યું છે : શસ્ત્ર ઉત્પાદન વધારી રહ્યું છે અને શસ્ત્ર ખરીદી કરી રહ્યું છે જે ચિંતાજનક બની રહ્યા છે : ઐય્યુબ
ઇસ્લામાબાદ : પાકિસ્તાનની સમવાયતંત્રી સંસદમાં વિરોધ પક્ષના નેતા, ઓમર ઐય્યુબે ભારત તરફથી એકાદ વર્ષમાં જ ફરી હુમલો થવાની ગંભીર ચેતવણી ઉચ્ચારી હતી. તેઓએ ભારત તરફથી થઇ રહેલાં આધુનિક શસ્ત્ર ઉત્પાદન પ્રત્યે ધ્યાન દોરવા સાથે કહ્યું હતું કે ભારત સ્વનિર્મિત શસ્ત્રો તો આધુનિક સ્તરનાં બનાવી જ રહ્યું છે. ઉપરાંત અત્યંત આધુનિક શસ્ત્રાસ્ત્રોની મોટા પાયે ખરીદી પણ કરી રહ્યું છે જે આપણા માટે ચિંતાજનક છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફના ઉગ્ર ટીકાકાર તેવા આ વિપક્ષી નેતાએ વધી રહેલી પ્રાદેશિક તંગદિલીનો ઉલ્લેખ કરતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંરક્ષણ ક્ષમતાના તફાવત ઉપર ભાર મુક્યો હતો, અને કહ્યું હતું કે ભારતની વધી રહેલી તાકાત પાકિસ્તાનની રાષ્ટ્રીય સલામતી ઉપર ઘેરી અસર કરી શકે તેમ છે.
પાકિસ્તાનના બંદીવૃત પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને સ્થાપેલી પાર્ટી, પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના આ સાંસદે ભારતની વધતી જતી સંરક્ષણ ક્ષમતા સામે પાકિસ્તાનની લશ્કરી તાકાતનાં અસંતુલન પ્રત્યે પણ ધ્યાન દોરતાં સંરક્ષણ વિશ્લેષણકારોનાં મંતવ્યોનો પણ પડઘો પાડતા હોય તે રીતે સમવાયતંત્રી સંસદમાં આ રજૂઆત કરી હતી.
તેઓએ તાજેતરમાં જ પાકિસ્તાનના લશ્કરીવડાની અમેરિકાની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દેશની સંરક્ષણ જરૂરિયાતો ઉપર ધ્યાન આપવાને બદલે અન્યોનાં તુષ્ટીકરણની નીતિ અપનાવી રહ્યું છે.
બીજી તરફ પાકિસ્તાનના મીડીયા પણ શરીફ સરકારની ટીકા કરતાં જણાવે છે કે ઇરાન-સંબંધી પાકિસ્તાનની નીતિએ પાકિસ્તાનને હલકું પાડી દીધું છે. (પાકિસ્તાને રહી રહીને ઇરાન પર થયેલા પ્રચંડ અમેરિકી હુમલાની ટીકા કરી હતી)
પ્રાદેશિક પ્રાથમિકતાઓ ભૂ-રાજકીય પરિપ્રેક્ષ્યમાં ઘણી જ મહત્ત્વની બની રહી છે તેમ કહેતાં ઓમર ઐય્યુબે સમવાય તંત્રી સંસદમાં જણાવ્યું હતું કે ઊભી થઇ રહેલી ગંભીર ધમકીઓને લીધે સરકારે તેની પ્રાથમિકતાઓનું પુર્નમુલ્યાંકન કરવું જ રહ્યું.








