આ એક મુદ્દાના કારણે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ અટવાઈ! 8 કરોડ ખેડૂતોને નુકસાનની આશંકા: રિપોર્ટ
Image: AI Gemini |
India USA Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે વાતચીત અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો છેલ્લા 15 દિવસથી મળી રહ્યા છે. આ મામલે ચર્ચા કરવા ભારતના પ્રતિનિધિઓ ફરી વોશિંગ્ટન ગયા છે. અપેક્ષા છે કે, ટ્રમ્પનો ટેરિફ લાગૂ કરવાની નવી ડેડલાઈન 1 ઓગસ્ટ, 2025 પહેલાં મોટી જાહેરાત થઈ શકે છે. જો કે,અમેરિકા સાથે વેપાર કરાર કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સ મામલે અટવાયો છે.
અમેરિકા કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સ મામલે ભારતીય બજાર ખુલ્લા મુકવાની માગ કરી રહ્યું છે. જ્યારે ભારતે આ મામલે અડગ વલણ દર્શાવ્યું છે. તેણે સ્પષ્ટ કહી દીધુ છે કે, તે કોઈપણ પ્રેશરમાં આવીને ખેડૂતોના હિત સાથે સમાધાન નહીં કરે. આ વલણના કારણે બંને દેશો વચ્ચેની ટ્રેડ ડીલ અટવાઈ છે.
8 કરોડ ખેડૂતોને થશે 1.03 લાખ કરોડનું નુકસાન
એસબીઆઈ રિસર્ચે આ મામલે તાજેતરમાં જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, માત્ર ડેરી સેક્ટર અમેરિકા માટે ખુલ્લુ મુકવામાં આવે તો દેશના આઠ કરોડ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેમની આવકમાં વાર્ષિક ધોરણે 1.03 લાખ કરોડનું નુકસાન થઈ શકે છે. ભારતમાં ડેરી સેક્ટર ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવીએમાં તેનો હિસ્સો 2.5-3 ટકા છે. જે લગભગ રૂ. 7.5થી 9 લાખ કરોડ છે.
કિંમતમાં ઘટાડો થતાં આવક ઘટશે
ભારતનું આ સેક્ટર આઠ કરોડ લોકોને પ્રત્યક્ષ રોજગારી આપે છે. એવામાં જ જો ભારત પોતાનું ડેરી સેક્ટર અમેરિકાની ડેરી પ્રોડક્ટ્સ માટે ખુલ્લુ મુકવામાં આવે તો તેની સીધી અસર દૂધની કિંમત પર થશે. ભાવ 15થી 20 ટકા સુધી ઘટી શકે છે. જેનાથી ખેડૂતોની આવકમાં 1.8 લાખ કરોડની ખોટ થઈ શકે છે. સપ્લાય ચેઈનમાં ફેરફારની અસર પણ થઈ શકે છે. જેમાં ખેડૂતોને કમાણીમાં વાર્ષિક રૂ. 1.03 લાખ કરોડ (60 ટકા નુકસાન) થઈ શકે છે. અમેરિકાની ડેરી પ્રોડક્ટ્સને ભારે સબસિડી આપવાથી ભારતના ડેરી સેક્ટર પર નિર્ભર નાના ખેડૂતોની આજીવિકા પર સીધી અસર થશે. ભારતમાં દૂધની આયાત આશરે 2.5 કરોડ ટન વધી શકે છે.
સરકારે રાખ્યું અડગ વલણ
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવે રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ડેરી, પોલ્ટ્રી, જીએમ સોયા અને ચોખા જેવી પ્રોડક્ટ્સની અમેરિકામાંથી મોટી સબસિડી સાથે નિકાસ ભારતની કૃષિ અર્થવ્યવસ્થા માટે ગંભીર જોખમ બની શકે છે. જેથી કેન્દ્ર સરકાર અમેરિકાની આ માગ સામે ઝૂકી રહી નથી. વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે અગાઉ જણાવ્યું હતું કે, એફટીએ ભારત અને અમેરિકા બંને માટે ફાયદાનો સોદો હોવો જોઈએ. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કહ્યું હતું કે, વેપાર કરાર માટે કોઈ પ્રકારના દબાણણાં આવીશુ નહીં. ભારતીય ખેડૂતોના હિતમાં નિર્ણય લઈશું.