India-US ટ્રેડ ડીલને હજુ બે-ત્રણ મહિના લાગી શકે, અમેરિકાની ટીમ 25 ઑગસ્ટે ભારત આવશે
USA Delegations Will Come In India For Trade Deal: ભારત-અમેરિકા વેપાર કરાર મુદ્દે વધુ વાટાઘાટોની જરૂર હોવાના ટ્રમ્પ સરકારના નિવેદન બાદ એક મોટી અપડેટ આવી છે. અમેરિકાની ટીમ આ મુદ્દે વાતચીત કરવા ભારત આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર કરવા અમેરિકાની ટીમ 25 ઑગસ્ટના રોજ છઠ્ઠી વખત ભારત આવશે.
એકબાજુ અમેરિકાના પ્રમુખ દ્વારા લાદવામાં આવેલા ટેરિફની ડેડલાઈન 1 ઑગસ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે. ત્યારે અમેરિકાની ટીમની 25 ઑગસ્ટે મુલાકાત લોકોને અસમંજસમાં મૂકી રહી છે કે, ભારત પર 1 ઑગસ્ટથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે કે કેમ? વર્તમાન અહેવાલોને ધ્યાનમાં લેતા બંને દેશો વચ્ચે વેપાર કરારને અંતિમ સ્વરૂપ સપ્ટેમ્બર કે ઑક્ટોબરમાં આપવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. જો કે, ટેરિફને ધ્યાનમાં લેતાં હાલ બંને દેશો એક નાની કામચલાઉ ટ્રેડ ડીલ કરી શકે છે.
ભારત સાથે વધુ વાટાઘાટોની જરૂરઃ યુએસ ટ્રેડ પ્રતિનિધિ
યુએસ ટ્રેડના પ્રતિનિધિ જેમિસન ગ્રીરે જણાવ્યું હતું કે, ભારત સાથે વધુ વાટાઘાટોની જરૂર છે. તેમણે જણાવ્યું કે, ભારતના સ્થાનિક બજારને સુરક્ષિત રાખવાના લાંબા સમયથી ચાલતા અભિગમના કારણે વેપાર કરારમાં અમુક વસ્તુઓ વધુ જટિલ બની છે. જેથી વધુ સમય લાગી રહ્યો છે. અમે ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેઓએ પોતાના માર્કેટમાં અમારા માટે તકો ખુલ્લી મૂકવા સમર્થન આપ્યું હતું. પરંતુ અમારે અમારા મિત્ર દેશ ભારત સાથે વધુ વાટાઘાટ કરવાની જરૂર છે કે, વાસ્તવમાં તેઓ શું ઇચ્છે છે.
આ પણ વાંચોઃ ડેડલાઈન નજીક પણ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી અટવાઈ, જાણો કયા મુદ્દે સંમતિ ના સધાઈ
ભારત-યુએસ વેપાર સંબંધો મુદ્દે હજુ પણ મૂંઝવણ
ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે અગાઉ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વેપાર કરારમાં 26 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ રદ કરવામાં આવી શકે. પરંતુ ગત સપ્તાહે તેમણે નિવેદન આપ્યું હતું કે, ભારત-યુએસ વેપાર સંબંધ કોઈ મુદ્દા પર અડગ નથી. હાલ ચાલી રહેલી વેપાર મંત્રણામાં ઈમિગ્રેશન-એચ1બી વિઝા જેવા મુદ્દાઓ પર કોઈ ચર્ચા થઈ નથી.
આ મુદ્દાઓ પર વાત અટકી
ભારત અને અમેરિકા વેપાર કરારમાં વિલંબ પાછળનું એક કારણ એલ્યુમિનિયમ અને તાંબા પર અમેરિકા તરફથી લાદવામાં આવેલો ઊંચો ટેરિફ છે. ભારત સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાગુ 50 ટકા અને ઓટો સેક્ટરમાં 25 ટકા ટેરિફમાં રાહત ઈચ્છે છે. જ્યારે ડેરી અને કૃષિ પ્રોડ્કટ્સ પર અમેરિકાને કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવાના પક્ષમાં નથી. કારણકે, તેની સીધી અસર ભારતના સમૃદ્ધ કૃષિ સેક્ટર પર પડશે. ખેડૂતોને મોટું નુકસાન થશે.
બીજી તરફ અમેરિકા ઈચ્છે છે કે, ભારત પેટ્રોકેમિકલ્સ, ડેરી પ્રોડક્ટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, ગાડીઓ અને ઔદ્યોગિક સામાનો પર લાગુ ટેરિફ ઘટાડે. વધુમાં અમેરિકા દ્વારા કેળા, જૂતા-ચપ્પલ, પ્લાસ્ટિક અને હસ્તકળા જેવી પ્રોડક્ટ્સ પર ટેરિફના દરો ઘટાડવા મુદ્દે સહમતિ બની રહી નથી.