Get The App

'ખેતી અને ડેરી ક્ષેત્રે કોઈ સમજૂતી નહીં....' ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં જુઓ શું-શું આવરી લેવાયું

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
'ખેતી અને ડેરી ક્ષેત્રે કોઈ સમજૂતી નહીં....' ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં જુઓ શું-શું આવરી લેવાયું 1 - image


IANS


India vs USA Trade deal : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના વ્યાપારિક તણાવનો આખરે સુખદ અંત આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે અમેરિકા સાથે એક મજબૂત વચગાળાના વ્યાપાર કરાર (Interim Trade Agreement) ના ફ્રેમવર્કને મંજૂરી આપી દીધી છે. આ કરાર હેઠળ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા 50% ટેરિફને ઘટાડીને 18% કરવા પર સહમતી દર્શાવી છે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલની ખરીદીને કારણે ભારત પર લાદવામાં આવેલા 25% દંડાત્મક ટેરિફને હટાવવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે, જે ભારતીય નિકાસકારો માટે એક ઐતિહાસિક વિજય માનવામાં આવે છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ ફ્રેમવર્કની જાહેરાત કરતા જણાવ્યું કે આ સમજૂતીથી ભારતીય નિકાસકારો, ખાસ કરીને MSME અને શિલ્પકારો માટે ૩૦ ટ્રિલિયન ડોલરના વિશાળ અમેરિકન બજારના દ્વાર ખુલશે. આ કરાર અંતર્ગત ટેક્સટાઇલ, લેધર, ફૂટવેર અને હેન્ડિક્રાફ્ટ જેવી વસ્તુઓ પર ટેરિફ ઘટાડવામાં આવ્યો છે, જ્યારે જેમ્સ-જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ અને એરક્રાફ્ટ પાર્ટ્સ પર ટેરિફ શૂન્ય કરવામાં આવશે. આનાથી 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને નવી ગતિ મળશે અને લાખો રોજગારની તકો ઉભી થશે.

સૌથી મહત્વની બાબત એ છે કે આ કરારમાં ભારતીય ખેડૂતો અને ડેરી સેક્ટરના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારતે મકાઈ, ઘઉં, ચોખા, સોયા, પોલ્ટ્રી, દૂધ અને પનીર જેવા સંવેદનશીલ કૃષિ ઉત્પાદનોને આ સમજૂતીથી અલગ રાખીને સુરક્ષિત રાખ્યા છે. તેની સામે ભારતે અમેરિકા પાસેથી તેલ, ગેસ અને ટેકનોલોજી ઉત્પાદનો ખરીદવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ટ્રમ્પના દાવા મુજબ, ભારત હવે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી અમેરિકા અને વેનેઝુએલા તરફ વળશે અને આગામી પાંચ વર્ષમાં અંદાજે 500 અબજ ડોલરના અમેરિકન સામાનની ખરીદી કરશે.

બંને દેશો હવે નોન-ટેરિફ બેરિયર્સ અને ડેટા સેન્ટર ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર આગળની વાતચીત ચાલુ રાખશે. પીયૂષ ગોયલે સંકેત આપ્યો છે કે માર્ચ મહિના સુધીમાં આ વચગાળાના કરારને ઔપચારિક કાયદાકીય દસ્તાવેજમાં ફેરવી દેવામાં આવશે. આ સમજૂતી માત્ર આર્થિક જ નહીં પણ રાજદ્વારી દૃષ્ટિએ પણ ભારતને ચીનના મજબૂત વિકલ્પ તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થશે.

કરારમાં કઈ કઈ વસ્તુઓ સુરક્ષિત છે?

ગોયલે જણાવ્યું હતું કે, આ કરાર ખેડૂતોના હિતોની રક્ષા કરવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જેમાં મકાઈ, ઘઉં, ચોખા, સોયાબીન, મરઘા ઉછેર (પોલ્ટ્રી), દૂધ, પનીર, ઇથેનોલ (બળતણ), તમાકુ, કેટલીક શાકભાજી જેવા સંવેદનશીલ કૃષિ અને ડેરી ઉત્પાદનોને સંપૂર્ણપણે સંરક્ષિત રાખવામાં આવ્યા છે.

કયા અનાજને મળ્યું સંરક્ષણ?

ટ્રેડ ડીલ હેઠળ ભારતમાં પેદા થતા મુખ્ય કૃષિ ઉત્પાદનોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે, એટલે કે તેની આયાત પર અંકુશ રહેશે. આ યાદીમાં નીચેના અનાજનો સમાવેશ થાય છે:

ઘઉં, કોપરા, શ્યામક, કોદો, બાજરી, કાંગણી, ઓટ્સ, મેંદો, જુવાર, જવ, ચોખા અને મકાઈ.

આ ઉપરાંત અમરંથ (રાજગરો), રાગી, ફોતરા વગરના અનાજ અને લોટવાળા અનાજને પણ રક્ષણ આપવામાં આવ્યું છે.

સુરક્ષિત શાકભાજી અને ફળો

ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપાર કરારમાં અનેક શાકભાજી અને ફળોને સામેલ કરવામાં આવ્યા નથી, જેથી સ્થાનિક બજારને નુકસાન ન થાય:

શાકભાજી: ડુંગળી, બટાકા, વટાણા, ફણસી (બીન્સ), મશરૂમ, તુરીયા, કુંદરુ (ટીંડોળા), ભીંડા, કોળું, લસણ, કાકડી, કેપ્સીકમ (શિમલા મરચાં), કાબુલી ચણા અને શક્કરિયા.

ફળો: કેળા, કેરી, સ્ટ્રોબેરી, પ્રોસેસ્ડ ચેરી, સૂકા આલુબુખારા, સૂકા સફરજન, આંબલી, સિંગોડા, સૂકા મેવા, સંતરા, મેન્ડરિન, ચકોતરા, લીંબુ અને દ્રાક્ષ.

ડેરી ઉત્પાદનો અને મસાલા પણ સુરક્ષિત 

ભારતીય ડેરી ઉદ્યોગને આ ડીલથી અલગ રાખવામાં આવ્યો છે જેથી પશુપાલકોને કોઈ નુકસાન ન થાય:

ડેરી ઉત્પાદનો: દૂધ, ક્રીમ, યોગર્ટ (દહીં), બટર મિલ્ક (છાશ), માખણ, ઘી, ચીઝ, બટર ઓઈલ, પનીર અને અન્ય ડેરી પ્રોડક્ટ્સ.

મસાલા: કાળા મરી, લવિંગ, સૂકા લીલા મરચાં, તજ, ધાણા, જીરું, હિંગ, આદુ, હળદર, અજમો, મેથી, ચક્રમર્દ (વરિયાળી જેવું), રાઈ, સરસવ અને અન્ય તમામ પાવડર મસાલાઓને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.