અમે લશ્કર-એ-તૈયબાને કર્યું એમ હમાસને આતંકવાદી જાહેર કરે ભારત: ઈઝરાયલની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-Israel Relations: ઈઝરાયલે ભારત સરકારને હમાસ અને તેના સંલગ્ન જૂથોને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવા સત્તાવાર અપીલ કરી છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે, 'જે રીતે ઈઝરાયલે લશ્કર-એ-તૈયબા (LeT) પર પ્રતિબંધ મૂક્યો છે, તેવી જ રીતે ભારત પણ હમાસ સામે કડક વલણ અપનાવે.'
'અમે લશ્કર પર પ્રતિબંધ મૂક્યો, હવે ભારતનો વારો'
ઈઝરાયલના વિદેશ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઈઝરાયલે વર્ષો પહેલા ભારતની સુરક્ષાને ધ્યાને રાખીને લશ્કર-એ-તૈયબાને આતંકવાદી જૂથ જાહેર કર્યું હતું. હવે ઈઝરાયલ ઈચ્છે છે કે ભારત પણ હમાસને આતંકવાદી જૂથોની યાદીમાં સામેલ કરે. અધિકારીએ દાવો કર્યો હતો કે હમાસ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા સાથે જોડાયેલા છે.
ઈરાન અને વૈશ્વિક નેટવર્કનો ઉલ્લેખ
ગંભીર આક્ષેપ કરતા ઈઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC), હમાસ અને હિઝબુલ્લાહ વિશ્વભરમાં હુમલા કરવા માટે ગુનાહિત નેટવર્કનો ઉપયોગ કરે છે. ભારતનું આ નિર્ણય પડોશી દેશો જેવા કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને માલદીવ માટે એક મજબૂત સંકેત સાબિત થશે, કારણ કે આ દેશો ભારતની વિદેશ નીતિને અનુસરે છે.'
વૈશ્વિક અસર અને યુદ્ધવિરામ યોજના
ઈઝરાયલી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, 'જો ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરશે, તો તેની વૈશ્વિક અસર ખૂબ જ મજબૂત હશે. અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ યોજના બાદ ઈઝરાયલનું આગામી પગલું હમાસને સંપૂર્ણપણે ખતમ કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે, હમાસ એ પેલેસ્ટિનિયન લડવૈયાઓનું સંગઠન છે, જે ગાઝા અને પશ્ચિમ કાંઠાને ઈઝરાયલી નિયંત્રણમાંથી મુક્ત કરવાનો દાવો કરે છે. ઈઝરાયલ અને પશ્ચિમી દેશો તેને આતંકવાદી સંગઠન માને છે, જ્યારે તેને ઈરાન દ્વારા સમર્થન મળતું હોવાનું મનાય છે. ભારત સરકાર આ સંવેદનશીલ વિદેશ નીતિના મુદ્દે શું નિર્ણય લેશે, તેના પર હવે સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.









