India-UAE-Israel Alliance : પશ્ચિમ એશિયાના સુરક્ષા-સમીકરણો સ્પષ્ટ રીતે બદલાઈ રહ્યાં છે. ભવ્ય સંધિઓ, મોટા ઢોલ-નગારા કે ઔપચારિક સૈન્ય ગઠબંધનો વિના અહીં નવા વ્યૂહાત્મક જોડાણો આકાર લઈ રહ્યા છે. આ બદલાવના કેન્દ્રમાં એક મહત્ત્વપૂર્ણ અને રસપ્રદ ત્રિકોણ ઉભરી રહ્યો છે, જે છે ભારત, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને ઈઝરાયલ દ્વારા રચાયેલું ત્રિપક્ષીય સંગઠન. સંરક્ષણ, ટૅક્નોલૉજી, ગુપ્તચર સહકાર અને રાજકીય સમન્વયના સ્તરે આ ત્રણેય દેશો વચ્ચે વધતો સહયોગ હવે માત્ર કૂટનીતિક મિત્રતા સુધી સીમિત રહ્યો નથી, પરંતુ એક વ્યવહારિક વ્યૂહાત્મક બ્લોકનું સ્વરૂપ લઈ રહ્યો છે. આ ઉભરતા સહયોગને પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કિયે જેવા દેશો દ્વારા રચાયેલા ‘ઇસ્લામિક નાટો’ના જવાબ (counterweight) તરીકે જોવાઈ રહ્યો છે.
આ પરિવર્તન શા માટે થઈ રહ્યું છે?
આ બદલાવનું મૂળ વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા મોટા પરિવર્તનમાં છુપાયેલું છે. અમેરિકાનું ધ્યાન હવે એશિયા-પેસિફિક અને ઘરેલું આર્થિક પુનર્ગઠન તરફ મંડાયેલું છે. પશ્ચિમ એશિયામાં તેની સીધી સૈન્ય હાજરી અને રાજકીય સક્રિયતા અગાઉ જેટલી નથી રહી. આ પરિસ્થિતિએ ગલ્ફ અને આસપાસના દેશોને પોતાની સુરક્ષા અને સ્થિરતા માટે નવા, વિશ્વસનીય ભાગીદારો શોધવા મજબૂર કર્યા છે.
ભારત, યુએઈ અને ઈઝરાયલના હિતો સ્વાભાવિક રીતે એકબીજાને મળતા દેખાય છે. ભારત માટે ઊર્જા સુરક્ષા અને દરિયાઈ માર્ગોની સલામતી મુખ્ય મુદ્દા છે, યુએઈ માટે આર્થિક વૈવિધ્યીકરણ અને ટૅક્નોલૉજીકલ ભાગીદારી મહત્ત્વપૂર્ણ છે, જ્યારે કે મુસ્લિમ દેશોથી ઘેરાયેલા ઈઝરાયલ માટે પ્રાદેશિક એકલતા તોડવી અને એશિયા સુધી વ્યૂહાત્મક પહોંચ વધારવી આવશ્યક છે.

ત્રણ કલાકની ટૂંકી, પરંતુ ઐતિહાસિક મુલાકાત
આ સહયોગની ગંભીરતા અને દિશા તાજેતરમાં ત્યારે વધુ સ્પષ્ટ થઈ, જ્યારે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન નવી દિલ્હીની માત્ર ત્રણ કલાકની અત્યંત મહત્ત્વપૂર્ણ મુલાકાતે આવ્યા. આ મુલાકાત સમયની દૃષ્ટિએ ટૂંકી હતી, પરંતુ તેના પરિણામો દીર્ઘકાલીન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ચર્ચાઓ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને નવી ઊંચાઈ આપવા માટે કરાર પર હસ્તાક્ષર થયા હતા.
આ કરાર માત્ર દ્વિપક્ષીય નથી; ભવિષ્યમાં તેમાં ઈઝરાયલને સામેલ કરીને ત્રિપક્ષીય અથવા બહુપક્ષીય સુરક્ષા સહકારનું વિસ્તૃત માળખું રચાઈ શકે છે. એટલે કે, આ એક પ્રકારનું ‘ફાઉન્ડેશન એગ્રીમેન્ટ’ છે, જેના પર આગળના સુરક્ષા જોડાણો ઊભા થઈ શકે એમ છે.

ભારતની મુખ્ય ચિંતા શું છે?
ભારત માટે આ સમગ્ર સમીકરણમાં સૌથી સંવેદનશીલ મુદ્દો પાકિસ્તાન છે. પાકિસ્તાન સાઉદી અરેબિયા અને તુર્કિયે સાથે સંરક્ષણ અને રાજકીય સંબંધો બાંધી રહ્યું છે. 2025માં પાકિસ્તાન અને સાઉદી વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ કરાર થયા હતા, જેની શરત મુજબ બે પૈકી એક દેશ પર થયેલો હુમલો બીજો દેશ પોતાના પર થયેલો હુમલો જ ગણશે અને એ પ્રમાણે સાથી દેશને મદદ કરશે.
ભારત-ઈઝરાયલ સહયોગમાં નોંધપાત્ર વધારો થયો
આ સંદર્ભમાં ભારતે ઈઝરાયલ સાથેના પોતાના સંબંધોને વ્યૂહાત્મક સ્તરે અત્યંત મજબૂત બનાવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રોન ટૅક્નોલૉજી, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, સાયબર સુરક્ષા, દરિયાઈ સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરી જેવા ક્ષેત્રોમાં ભારત-ઈઝરાયલ સહયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. યુએઈનો આ ત્રિકોણમાં સમાવેશ આ સહયોગને પ્રાદેશિક સ્વીકૃતિ અને વ્યાપકતા આપે છે.
ત્રિપક્ષીય જોડાણ કેવી રીતે કાર્ય કરે છે?
વિશ્લેષકો જણાવે છે કે, આ સહયોગ પરંપરાગત ગઠબંધનો જેવો નથી. અહીં કોઈ એક દેશ ‘લીડર’ નથી કે કોઈ સ્પષ્ટ શત્રુ જાહેર કરાયો નથી. આ જોડાણ સંપૂર્ણપણે વ્યવહારુ જરૂરિયાતો, ટૅક્નોલૉજીકલ ક્ષમતા અને ભૌગોલિક હિતો પર આધારિત છે.
- ભારત માટે આ જોડાણ હિંદ મહાસાગર અને ગલ્ફ વિસ્તારમાં ઊર્જા પુરવઠા અને દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. સાથે સાથે, યુએઈ અને ઈઝરાયલ પાસેથી અદ્યતન ટૅક્નોલૉજી અને ઇન્ટેલિજન્સ સહયોગ પણ પ્રાપ્ત થાય છે.
- યુએઈ માટે, ભારત એક વિશાળ બજાર, ટૅક્નોલૉજીકલ ભાગીદાર અને વિશ્વસનીય સુરક્ષા સાથી છે. ઈઝરાયલ સાથે સંબંધો સામાન્ય કરીને યુએઈએ પોતાની વિદેશ નીતિને વધુ સ્વતંત્ર અને સંતુલિત બનાવી છે.
- ઈઝરાયલ માટે, આ સહયોગ એશિયા તરફ વ્યૂહાત્મક વિસ્તરણ અને પ્રાદેશિક એકલતા ઘટાડવાનું સાધન છે. ભારત અને યુએઈ જેવા શક્તિશાળી ભાગીદારો તેની સુરક્ષા અને રાજકીય સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
ત્રણેય દેશો આતંકવાદ, દરિયાઈ લૂંટ, સાયબર હુમલા અને પ્રાદેશિક અસ્થિરતા જેવા સમાન જોખમોથી પીડાય છે. તેથી તેમનો સહકાર માત્ર શસ્ત્ર ખરીદી-વેચાણ પૂરતો નથી, પરંતુ ગુપ્ત માહિતી વહેંચણી, સંયુક્ત સૈન્ય કવાયતો અને ટૅક્નોલૉજીના વિકાસ સુધી વિસ્તરેલો છે.

‘ઇસ્લામિક નાટો’ની મર્યાદાઓ પણ છે
પાકિસ્તાન–સાઉદી–તુર્કિયેના ગઠબંધનની અમુક મર્યાદાઓ પણ છે. જેવી કે,
1. સાઉદી-ભારત વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોઃ સાઉદી અરેબિયાના ભારત સાથે મજબૂત આર્થિક સંબંધો છે. હાલમાં ભારતમાં સાઉદી રોકાણો 20 બિલિયન ડૉલરથી વધુ છે, જે 2030 સુધીમાં 100 બિલિયન ડૉલર સુધી પહોંચવાની યોજના છે, જેને સાઉદી અરેબિયા પાકિસ્તાન સાથે એક હદથી વધારે વ્યૂહાત્મક બંધાણ રાખી શકે તેમ નથી.
2. તુર્કિયે અને સાઉદી અરેબિયા વચ્ચેની સ્પર્ધાઃ તુર્કિયે અને સાઉદી અરેબિયા વચ્ચે પ્રાદેશિક નેતૃત્વ માટે સીધી સ્પર્ધા છે. લિબિયા, મુસ્લિમ બ્રધરહુડ અને મુસ્લિમ વિશ્વના નેતૃત્વ જેવા મુદ્દાઓ બાબતે બંને દેશ વિરોધી વલણ ધરાવે છે, જેને કારણે પણ એમની ત્રિપક્ષીય કામગીરી અવરોધાય એમ છે.
3. પાકિસ્તાન સૌથી નબળી કડીઃ મોટાભાગના રાજકીય નિષ્ણાતોના મતે, પાકિસ્તાન-સાઉદી-તુર્કિયે ધરીમાં સૌથી નબળું ઘટક પાકિસ્તાન જ છે. પાકિસ્તાનની આર્થિક કંગાલિયત અને રાજકીય અસ્થિરતાથી આખી દુનિયા પરિચિત છે. ઉગ્રવાદી જૂથો સાથેના તેના સંબંધોએ તેની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. મુસ્લિમ વિશ્વના અન્ય દેશો પણ પાકિસ્તાનને કોઈ બાબતમાં નેતૃત્વ સોંપવાનો મત ધરાવતા નથી. આવા બધા કારણોને લીધે કોઈ દેશ પાકિસ્તાનને લાંબા ગાળા માટે વિશ્વસનીય સાથી માની શકે એમ નથી.

ભવિષ્યમાં બીજા દેશો પણ સહભાગી થઈ શકે
ભારત–યુએઈ–ઈઝરાયલ સહયોગ પશ્ચિમ એશિયા પૂરતો મર્યાદિત રહેવાની સંભાવના ઓછી છે. તે ગ્રીસ અને સાયપ્રસ જેવા ભૂમધ્યસાગરીય દેશો તરફ પણ વિસ્તરી શકે છે. ગ્રીસ અને સાયપ્રસને તુર્કિયે સાથે બનતું નથી, તેથી તેઓ પણ ભારત–યુએઈ–ઈઝરાયલ સંગઠનમાં જોડાઈ શકે છે. આ સહયોગ ભારત–મધ્ય પૂર્વ–યુરોપ આર્થિક કોરિડોર (IMEC - India–Middle East–Europe Economic Corridor) જેવા મહત્ત્વાકાંક્ષી વેપાર માર્ગોની સુરક્ષા માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે.


