હોર્મુઝમાં દાદાગીરી નહીં ચાલે! UNSCમાં ઈરાન વિરુદ્ધ ભારત-અમેરિકા સહિત 135 દેશોનો પ્રસ્તાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UN News X |
UNSC Meeting : ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં(UNSC) તે પ્રસ્તાવને સ્પોન્સર કર્યો છે, જેમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ(GCC)ના દેશો અને જોર્ડન પર ઈરાન દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલાની કડક નિંદા કરવામાં આવી છે. આ પ્રસ્તાવમાં ઈરાન પાસે તમામ હુમલા તાત્કાલિક રોકવાની માંગ કરવામાં આવી છે અને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની તેની ધમકીઓની આકરી ટીકા કરવામાં આવી છે.
મતદાન અને પ્રસ્તાવનું સમર્થન
15 સભ્યોની સુરક્ષા પરિષદે બુધવારે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં 13 મત પડ્યા હતા અને વિરોધમાં શૂન્ય. વીટો પાવર ધરાવતા કાયમી સભ્યો ચીન અને રશિયાએ મતદાનથી અંતર જાળવ્યું હતું. હાલમાં UNSCનું અધ્યક્ષપદ અમેરિકા પાસે છે.
ઉપરાંત બહેરીનના નેતૃત્વ હેઠળના આ પ્રસ્તાવનું ભારત સહિત કુલ 135 દેશોએ સહ-પ્રાયોજન કર્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુએઈ, બ્રિટન અને અમેરિકા જેવા અગ્રણી દેશોનો સમાવેશ થાય છે. આ દેશોએ યુએનમાં ઈરાનની દાદાગીરી સામે અવાજ ઉઠાવ્યો છે.
સાર્વભૌમત્વનું સમર્થન અને ઈરાન પાસે માંગ
પ્રસ્તાવમાં બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને જોર્ડનની પ્રાદેશિક અખંડિતતા અને રાજકીય સ્વતંત્રતાનું સમર્થન કરવામાં આવ્યું છે. આ દેશો પર ઈરાનના હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને વૈશ્વિક શાંતિ માટે ગંભીર ખતરો ગણાવ્યો છે.
ઈરાન પાસે માંગ કરવામાં આવી છે કે, તે GCC દેશો અને જોર્ડન વિરુદ્ધના હુમલા તાત્કાલિક બંધ કરે અને પ્રોક્સી જૂથો દ્વારા કરવામાં આવતી ઉશ્કેરણીજનક કાર્યવાહી અટકાવે. પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય નેવિગેશન અધિકારોના સન્માન પર ભાર મૂકતાં, હોર્મુઝ કે બાબ અલ-મંડેબમાં દરિયાઈ સુરક્ષાને જોખમમાં મૂકતી ઈરાનની કોઈપણ ધમકીની નિંદા કરાઈ છે. નાગરિક વિસ્તારો અને રહેણાંક મિલકતો પર થયેલા હુમલામાં થયેલા નાગરિકોના મોત અંગે પણ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર
અમેરિકાની પ્રતિક્રિયા
યુએનમાં અમેરિકાના પ્રતિનિધિ રાજદૂત માઇક વાલ્ટ્ઝે આ પ્રસ્તાવ પસાર થવાને ઈરાનની ક્રૂરતા સામે ખાડી દેશોનો સ્પષ્ટ સંદેશ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈરાનનું શાસન નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવી રહ્યું છે જે નિંદનીય છે. વાલ્ટ્ઝે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ટ્રમ્પ અને તેમની ટીમે શાંતિના તમામ પ્રયાસો કર્યા, પરંતુ ઈરાને માત્ર મિસાઇલ, ડ્રોન અને પરમાણુ હથિયારોનો માર્ગ પસંદ કર્યો. તેમણે ચેતવણી આપી કે ઈરાને ટ્રમ્પની 'રેડ લાઇન' પાર કરી છે અને હવે તેણે પરિણામો ભોગવવા પડશે.
ઈરાનનો પલટવાર અને બચાવ
બીજી તરફ, યુએનમાં ઈરાનના કાયમી પ્રતિનિધિ રાજદૂત અમીર સઈદ ઇરાવનીએ આ કાર્યવાહીને અન્યાયી અને યુએન ચાર્ટરની વિરુદ્ધ ગણાવી છે. તેમણે દાવો કર્યો કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષ બાદ અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય હુમલામાં ભારે તબાહી થઈ છે. 1348થી વધુ નાગરિકોના મોત જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. 17,000થી વધુ લોકો ઘાયલ થયા છે. 19,734 નાગરિક સ્થળો કે જેમાં 16,191 ઘરો, હૉસ્પિટલો અને શાળાઓ શામેલ છે તેને પણ નુકસાન પહોંચ્યું છે.
હોર્મુઝની સામુદ્રધુની બંધ હોવાના દાવાને ઈરાને ફગાવ્યો
ઇરાવનીએ આ હુમલાઓને યુદ્ધ અપરાધ ગણાવ્યા હતા અને કહ્યું કે, ઈરાનની રક્ષણાત્મક કામગીરી માત્ર આ વિસ્તારમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવી રહી છે. તેમણે હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાના દાવાઓને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા હતા અને પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધોની આશા વ્યક્ત કરી હતી.








