- શેખ હસીનાના પુત્રે મુક્ત મને કરેલા વિધાનો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા સાથે તેઓએ કહ્યું, લશ્કર-એ-તૈય્યબા ખુલ્લેઆમ બાંગ્લાદેશમાં ફરે છે
નવી દિલ્હી : શેખ હસીનાના પુત્ર સાજીબ વાઝેદે બાંગ્લાદેશ સરકારે તેઓના માતુશ્રીના પ્રત્યાર્પણની કરેલી માગણી ઉપર ઉગ્ર પ્રહારો કરતાં તેઓની સામેના કેસની યોગ્યતા સામે જ પ્રશ્ન કરવા સાથે ભારતને પણ બાંગ્લાદેશમાંથી થનારા સંભવિત ત્રાસવાદી હુમલા સામે ચેતવ્યું હતું. તે સાથે પોતાના માતુશ્રીનો જીવ બચાવવા માટે તેઓએ ભારતનો અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયથી આભાર માન્યો હતો.
એએનઆઈને આપેલી મુલાકાતમાં આ પ્રમાણે કહેવા સાથે તેઓએ કહ્યું હતું કે, મારા માતુશ્રી વિરૂધ્ધના કેસોમાં ન્યાયિક પ્રક્રિયાના તમામ સિધ્ધાંતો ઉલેખવામાં આવ્યા હતા. મારા માતુશ્રી સામેના કેસોમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ તેમણે ૧૭ જજોને દૂર કર્યા. કાનૂનોને ગેરકાયદે રીતે ફેરવ્યા, તે સંસદની મંજૂરી લીધા સિવાય જ ફેરવવામાં આવ્યા હતા. તેથી તે સમગ્ર પ્રક્રિયા જ સંવિધાનથી વિરુદ્ધ બની રહી. જો યોગ્ય કાનૂની પ્રક્રિયા જ ન થઈ હોય તો, કોઈ પણ દેશ પ્રત્યાર્પણ કરે જ નહીં.
તે સર્વ વિદિત છે કે શેખ હસીના ઉપર તેઓના ૧૫ વર્ષના શાસન દરમિયાન આચરેલા કાર્યો સંબંધે તેઓ ઉપર બાંગ્લાદેશમાં કાનૂની કાર્યવાહી કરી તેઓને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. પરંતુ હસીનાને બાંગ્લાદેશને સોંપવાનો ભારતે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આથી વાઝેદે પોતાના માતાનો જીવ બચાવવા માટે ભારતનો અને વિશેષત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
આ સાથે તેઓએ કહ્યું હતું કે, જો તેઓએ બાંગ્લાદેશ છોડી દીધું ન હોત તો ત્રાસવાદીઓએ તેઓની હત્યા કરી હોત.
વાઝેદે વધુમાં કહ્યું કે, યુનુસ સરકારે હજ્જારો ત્રાસવાદીઓને મુક્ત કર્યા છે. તે ત્રાસવાદીઓને પહેલા મારા માતુશ્રીની સરકારે બંદીવાન બનાવ્યા હતા.
તેઓએ વધુમાં કહ્યું કે હવે તો પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી જૂથ લશ્કર-એ-તૈય્યબા ના ત્રાસવાદીઓ દેશમાં છૂટથી ફરે છે. તેઓ ભારત ઉપર હુમલા કરવાની ફિરાકમાં જ છે.


