World

હોર્મુઝના કારણે બમણા ભાવે યુરિયા ખરીદવું પડ્યું તો ભારતે શોધી કાઢ્યો રસ્તો! રશિયા આપશે સાથ

By GS Team
28 Apr 20262 mins read
TukuTouch Logo
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી માત્ર ઓઇલ અને ગેસ જ નહીં, પરંતુ ખાતરની સપ્લાયમાં પણ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે. ભારત હાલમાં યુરિયા માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે, પરંતુ યુદ્ધના કારણે સપ્લાય ખોરવાતા ભારતને બમણી કિંમતે યુરિયા ખરીદવાની ફરજ પડી રહી છે. આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારત હવે રશિયા સાથે મળીને એક મોટો પ્લાન બનાવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝના કારણે બમણા ભાવે યુરિયા ખરીદવું પડ્યું તો ભારતે શોધી કાઢ્યો રસ્તો! રશિયા આપશે સાથ

India-Russia $2 Billion Urea Plant Deal: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી માત્ર ઓઇલ અને ગેસ જ નહીં, પરંતુ ખાતરની સપ્લાયમાં પણ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે. ભારત હાલમાં યુરિયા માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે, પરંતુ યુદ્ધના કારણે સપ્લાય ખોરવાતા ભારતને બમણી કિંમતે યુરિયા ખરીદવાની ફરજ પડી રહી છે. આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારત હવે રશિયા સાથે મળીને એક મોટો પ્લાન બનાવી રહ્યું છે.

બે વર્ષમાં પ્લાન્ટ તૈયાર કરવાની તૈયારી

ભારત અને રશિયા અંદાજે 2 અબજ ડૉલરના ખર્ચે રશિયાના ટોલિયાટ્ટી શહેરમાં એક વિશાળ યુરિયા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ રશિયાની યુરાલકેમ અને ભારતની ઇન્ડિયન પોટાશ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ(RCF) અને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ(NFL)ના સંયુક્ત સાહસ દ્વારા સાકાર કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જવાની શક્યતા છે અને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ ટન જેટલી હશે, જે ભારત માટે ખાતરના નિશ્ચિત સ્ત્રોત તરીકે કામ કરશે.

25 લાખ મેટ્રિક ટન યુરિયાની આયાત

તાજેતરના અહેવાલો મુજબ, મધ્ય પૂર્વમાં સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇન ખોરવાઈ છે. આ સ્થિતિમાં ભારતે એક જ ટેન્ડરમાં વિક્રમી 25 લાખ મેટ્રિક ટન યુરિયા આયાત કરવા માટે સંમતિ આપી છે, જેની કિંમત બે મહિના પહેલાની સરખામણીએ લગભગ બમણી છે. ભારત દુનિયાનો સૌથી મોટો યુરિયા આયાતકાર દેશ છે અને દેશમાં યુરિયાનું ઉત્પાદન કુદરતી ગેસ પર નિર્ભર છે, જેનો મોટો હિસ્સો મધ્ય પૂર્વમાંથી આવે છે.

આ પણ વાંચો: ઈન્ડોનેશિયાના જાકાર્તામાં સ્ટેશને ઊભી ટ્રેન સાથે અથડાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ, 7 લોકોના મોત

ખાતરની સપ્લાય સુનિશ્ચિત કરવા વ્યૂહનીતિ

ભારતે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે બજારમાંથી મોટો જથ્થો ખરીદી લીધો છે, જેના કારણે અન્ય દેશો માટે હવે યુરિયાની અછત સર્જાઈ શકે છે. રેટિંગ એજન્સી ICRAના અંદાજ મુજબ, 2030 સુધીમાં ભારતની યુરિયા આયાત પરની નિર્ભરતા વધીને 30 ટકા થઈ શકે છે. આ સંભવિત સંકટને પહોંચી વળવા ભારત હવે રશિયા, બેલારૂસ અને મોરોક્કો જેવા દેશો સાથે મળીને ખાતરની સપ્લાય સુનિશ્ચિત કરવાના પ્રયાસો તેજ કરી રહ્યું છે.