Republic Day: ગણતંત્ર દિવસને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દુનિયાની નજર ભારત પર છે. કારણ કે આ વખતે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા (Antonio Costa) અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લાયેન (Ursula von der Leyen) ભારત મુલાકાતે છે અને 77માં પ્રજાસત્તાક/ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાનો હશે. આ પ્રવાસ માત્ર પ્રતીકાત્મક નહીં પણ ભારત અને યુરોપિયન યુનિયનના નવા સંબંધોની શરૂઆત હશે. ટ્રમ્પ ટેરિફ-ટેરિફ કરતાં રહી જશે અને ભારત યુરોપ સાથે 26 જાન્યુઆરીએ મોટી ડીલ થકી દુનિયાને નવો રસ્તો ચીંધશે.
ઈન્ડિયા ઈયુ સમિટનું આયોજન
હાલ ટ્રમ્પે મચાવેલા ઘમસાણ બાદ વેપાર અને ટેરિફ નીતિઓમાં અનિશ્ચિતાઓ વધી ગઈ છે. વોશિંગ્ટનથી ઊભી થયેલી વેપારી ચિંતાને વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન હવે એક વૈશ્વિક એજન્ડા થકી આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન 27 જાન્યુઆરીના રોજ 16માં ઈન્ડિયા ઈયુ સમિટનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં લાંબા સમયથી વિલંબિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર કરાર)ને અંતિમ સ્વરૂપ આપશે તેવી આશા છે.
સંરક્ષણ ક્ષેત્ર મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત
સૂત્રોના જણાવ્યા મુજબ આ સમિટ દરમિયાન માત્ર મુક્ત વેપાર કરાર જ નહીં પણ સંરક્ષણ માળખા કરાર અને એક નવો વ્યૂહાત્મક એજન્ડા પણ રજૂ થઈ શકે જેનો ઉદ્દેશ્ય ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સુરક્ષા, ટેકનોલોજી, કનેક્ટિવિટી અને ઈનોવેશન(નવીનતા)માં સહયોગને નવી દિશા આપવાનો છે.
ભારત યુરોપના સંબંધો વધુ ગાઢ બનશે
ભારત અને યુરોપિયન યુનિયન 2004થી ભાગીદારીમાં અનેક પાસાઓ પર કામ કરી રહ્યા છે. ફેબ્રુઆરી 2025માં યુરોપિયન કમિશનની સમગ્ર ટીમની ભારત યાત્રા બાદ સંબંધમાં વધારે સુધારો અને વિસ્તાર આવ્યો હતો. હવે ગણતંત્ર દિવસ પર યુરોપિયન નેતાઓની હાજરી બંને વચ્ચે સંબંધોનો નવો અધ્યાય લખશે તેવું મનાઈ રહ્યું છે.
નવો વ્યૂહાત્મક એજન્ડા પાંચ પ્રમુખ ક્ષેત્ર પર કેન્દ્રિત હશે, જેમાં સુરક્ષા અને રક્ષા, કનેક્ટિવિટી અને વૈશ્વિક મુદ્દાઓ, સમૃદ્ધિ, ટકાઉપણું, ટેકનોલોજી અને નવીનતા સામલે છે, તેની સાથે દરિયાઈ સુરક્ષા, સાઈબર સુરક્ષા અને આતંકવાદની રોકથામ માટેના સહયોગ વધારવાની યોજનાઓ પણ હશે.


