India Reacts to Venezuela Crisis, Urges Peaceful Dialogue : વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અંગે ભારતે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરી વેનેઝુએલાના ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને શાંતિની અપીલ કરી છે. વેનેઝુએલાની પરિસ્થિતિ પર ભારતની સતત નજર છે.
ભારતની પ્રથમ પ્રતિક્રિયા
વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે વેનેઝુએલામાં વર્તમાન ઘટનાક્રમ ચિંતાનો વિષય છે. અમે બદલાતી પરિસ્થતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. વેનેઝુએલાના લોકોના હિત અને સુરક્ષાનું અમે સમર્થન કરીએ છીએ. તથા તમામ સંબંધિત પક્ષોને અપીલ કરીએ છીએ કે વાતચીતના માધ્યમથી શાંતિપૂર્ણ રીતે સમાધાન લાવે. જેથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે. કારાકાસમાં ભારતીય એમ્બેસી સતત ભારતીય લોકો સાથે સંપર્કમાં છે.

ભારતીયોને ગેરજરૂરી અવરજવર ન કરવા સલાહ
નોંધનીય છે કે અગાઉ ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. વેનેઝુએલામાં રહેતા ભારતીયોને ગેરજરૂરી યાત્રાથી બચવા સલાહ આપવામાં આવી હતી.
અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખને કેદ કર્યા
અમેરિકાની સેનાએ વેનેઝુએલાના સૈન્ય અડ્ડા પર ભીષણ હુમલો કર્યો. જે બાદ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને કેદ કરી લેવાયા. અમેરિકાની સેના તેમને વિશેષ વિમાનમાં ન્યૂયોર્ક લઈ ગઈ. અમેરિકા સતત વેનેઝુએલા પર ડ્રગ્સની હેરાફેરી અને નાર્કો આતંકવાદનો આરોપ લગાવતું રહ્યું છે. બીજી તરફ વેનેઝુએલાનો આરોપ છે કે અમેરિકાની આ કાર્યવાહી માત્રને માત્ર ક્રૂડ ઓઈલના ખજાના પર કબજો કરવા માટે છે.
સંયુક્ત રાષ્ટ્ર ચિંતિત, આંતરરાષ્ટ્રીય કાયદાનો થયો ભંગ
વેનેઝુએલા પર અમેરિકાની કાર્યવાહીનો સંયુક્ત રાષ્ટ્રએ પણ વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના સચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકાની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે આ ખતરનાક ઉદાહરણ પૂરું પાડશે. મહાસચિવના પ્રવક્તા સ્ટેફાન દુજારિકે કહ્યું છે, કે આ સૈન્ય કાર્યવાહીથી ક્ષેત્રીય સ્તરે ગંભીર અને ચિંતાજનક અસરની આશંકા છે. આ પ્રકારના ઘટનાક્રમ એક ખતરનાક ઉદાહરણ ઊભું કરે છે. દુનિયાના તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવું જોઈએ. અત્યંત ચિંતાની વાત છે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરવામાં આવ્યો. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સભ્ય દેશો સામેલ થશે.
કમલા હેરિસે ટ્રમ્પની કાર્યવાહીનો વિરોધ કર્યો
અમેરિકાના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે વેનેઝુએલા પર કરાયેલી કાર્યવાહી અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી છે. તેમણે દાવો કર્યો છે કે આ ડ્રગ્સ કે લોકશાહી નહીં તેલ ( ક્રૂડ ઓઇલ )નો મામલો છે.અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કર્યા છે. જેને લઈને દુનિયાના અનેક દેશો સવાલ ઉઠાવી રહ્યા છે. એવામાં કમલા હેરિસે કહ્યું છે, કે વેનેઝુલા પર ટ્રમ્પની કાર્યવાહીથી અમેરિકા ના તો અધિક સુરક્ષિત છે, ના મજબૂત બન્યું છે. માદુરો ક્રૂર અને ગેરકાયદે તાનાશાહ હતા, પણ આ કાર્યવાહી પણ ગેરકાયદે જ છે. સત્તા પરિવર્તન અને ઓઈલ માટે યુદ્ધ છેવટે તો અરાજકતામાં જ પરિણમશે. જેની કિંમત અમેરિકાના પરિવારોએ ચૂકવવી પડશે. કમલા હેરિસે વધુમાં કહ્યું, કે અમેરિકાની જનતા ટ્રમ્પના જુઠ્ઠાણાથી કંટાળી ગઈ છે. આ ડ્રગ્સ કે લોકશાહીનો મામલો નથી. આ ઓઈલ અને ટ્રમ્પની તાકાતવર નેતા બનવાની ઈચ્છાનો મામલો છે. તેમને ડ્રગ્સ કે લોકશાહીની જ ચિંતા હોત તો ક્યારેય ડ્રગ્સ પેડલર્સને માફ ન કર્યા હોત. ટ્રમ્પ અમેરિકાના સૈનિકોને ખતરામાં નાંખી રહ્યા છે અને અબજો ડોલર ખર્ચો કરી રહ્યા છે. ટ્રમ્પ સમગ્ર ક્ષેત્રને અસ્થિર કરી રહ્યા છે. આ કાર્યવાહીથી દેશને કોઈ લાભ નથી. અમેરિકાને એવા નેતૃત્વની જરૂર છે જે અમેરિકાની જનતાને સર્વોપરી રાખે. અમેરિકાના પરિવારો માટે મોંઘવારી ઘટાડે. કાયદાનું શાસન લાગુ કરે.


