Get The App

ભારત હાઇડ્રોજન બોમ્બના પરીક્ષણની તૈયારીમાં : પાકિસ્તાનના પૂર્વ રાજદૂત

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
ભારત હાઇડ્રોજન બોમ્બના પરીક્ષણની તૈયારીમાં : પાકિસ્તાનના પૂર્વ રાજદૂત 1 - image

- પોખરણ 2.0ની શંકા જતા પાક. એલર્ટ થયું

- અમેરિકા 33 વર્ષે ફરી પરમાણુ પરીક્ષણ શરૂ કરશે, ટ્રમ્પે કહ્યું તમામ દેશો કરે છે તો અમે ચૂપ કેમ રહીએ

- ભારત હાઇડ્રોજન બોમ્બ બનાવશે તો પાકિસ્તાન પણ ચૂપ નહીં : પૂર્વ રાજદૂત બાસિતનો દાવો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે મોટો દાવો કર્યો છે, તેમનો દાવો છે કે ભારત પોખરણ ૨.૦ શરૂ કરવા જઇ રહ્યું છે અને આ વખતે હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરશે. આ ખુલાસા બાદ પાકિસ્તાન વધુ સતર્ક થઇ ગયું હોવાના અહેવાલો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સૈન્યને ૩૩ વર્ષ બાદ પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરવાના આદેશ આપ્યા હતા એવામાં ભારત પણ પરીક્ષણ કરવા જઇ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. 

પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે ચેતવણી આપી છે કે ભારત ટૂંક સમયમાં એક નવા થર્મોન્યૂક્લિયર (હાઇડ્રોજન બોમ્બ)નું પરીક્ષણ કરી શકે છે. ભારત ૧૯૯૮ના પોખરણ પરીક્ષણની અસફળતાને ઠીક કરવા માગે છે. બસિતનો દાવો છે કે ભારતે જ્યારે પરમાણુ પરીક્ષણ કર્યું હતું ત્યારે વૈશ્વિક ભૂકંપીય આંકડા મુજબ તે વિસ્ફોટની તાકાત ૪૫ કિલો ટન નહીં પણ માત્ર ૧૦થી ૧૫ કિલો ટન જ હતી. 

ભારતે આ વાત એટલે છુપાવી રાખી હતી કે જેથી ૨૦૦૮માં અમેરિકાની સાથે થનારી પરમાણુ ડીલ પર તેની અસર ના પડે તેવો દાવો પાકિસ્તાનના પૂર્વ રાજદૂત બાસિતે કર્યો હતો. 

બાસિતનો દાવો છે કે હવે જ્યારે અમેરિકા ખુદ પરમાણુ પરીક્ષણ કરવા જઇ રહ્યું છે ત્યારે ભારતને પણ હાઇડ્રોડન બોમ્બનું પરીક્ષણ કરવાનું બહાનું મળી જશે. ભારત પણ કહી શકે છે કે તે પોતાના દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પરીક્ષણ કરી રહ્યું છે. પરમાણુ હથિયારો મામલે ભારત ચીન સાથે બરાબરી કરવા માગે છે. તેનો દાવો છે કે જો ભારત દ્વારા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું તો પાકિસ્તાન પણ ચુપ નહીં રહે અને તે પણ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરશે જે પાકિસ્તાન માટે જવાબી કાર્યવાહી ગણાશે.  આ પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા, ચીન અને પાકિસ્તાન જેવા દેશો પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે એવામાં અમેરિકાએ પાછીપાની ના કરવી જોઇએ.

પાક.ના અન્ડરગ્રાઉન્ડ પરમાણુ પરીક્ષણથી ભૂકંપ આવે છે : ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અમેરિકી ચેનલ પર દાવો કર્યો હતો કે પાકિસ્તાન અન્ડરગ્રાઉન્ડ પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે, રશિયા, ચીન  જેવા દેશો પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે. આ અન્ડરગ્રાઉન્ડ પરીક્ષણોને કારણે જ ભૂકંપ આવે છે. અમેરિકાની ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની પાસે સમગ્ર વિશ્વને ૧૫૦ વખત ઉડાવવાની ક્ષમતા ધરાવતા પરમાણુ હથિયારો છે. રશિયાની પાસે પણ ઘણા પરમાણુ હથિયારો છે અને ચીન પાસે પણ હથિયારો હશે. પાકિસ્તાન પણ હાલ અન્ડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર ટેસ્ટ કરી રહ્યું છે જેને કારણે ભૂકંપના આંચકા આવે છે.