Get The App

ભારત-પાક. યુદ્ધવિરામની ક્રેડિટ ન આપતા ખીજાયેલા ટ્રમ્પે ટેરિફ ઝીંક્યો

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
ભારત-પાક. યુદ્ધવિરામની ક્રેડિટ ન આપતા ખીજાયેલા ટ્રમ્પે ટેરિફ ઝીંક્યો 1 - image

- અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મે ટ્રમ્પની નારાજગી પાછળના કારણના વટાણા વેર્યા

- ટ્રમ્પે ભારત પર ઝીંકેલા ટેરિફને રશિયન ઓઇલ કે કૃષિ પેદાશોની આયાત સાથે કોઈ લેવાદેવા જ નથી

નવી દિલ્હી : ભારત પર ટ્રમ્પે નાખેલા ૫૦ ટકા ટેરિફને લઈને અમેરિકન બ્રોકરેજ ફર્મ  જેફરીઝે દાવો કર્યો છે કે ભારત-પાક વચ્ચેના યુદ્ધવિરામની ક્રેડિટ ભારતે ન આપતા ટ્રમ્પ ભારત પર બરોબરના ખીજાયા છે. ટ્રમ્પને એમ જ હતું કે આ યુદ્ધવિરામની ક્રેડિટ ભારત તેમને લેવા દેશે, પરંતુ ભારતે આ મામલો દ્વિપક્ષી ગણાવી તેમા ત્રીજા દેશની દરમિયાનગીરીને કોઈ અવકાશ જ નથી તેમ સ્પષ્ટ જણાવી દીધું હતું.

ટ્રમ્પને હતું કે આ યુદ્ધવિરામનો જશ તેમને પાકિસ્તાન અને ભારત બંને લેવા દેશે અને આના કારણે તેમનો નોબેલ પ્રાઇઝ મેળવવાનો માર્ગ મોકળો થશે, પરંતુ ભારતે ટ્રમ્પની વાત નકારી કાઢતાં હવે નોબેલ પ્રાઇઝ મેળવવાની તેમની આશા સાવ અધૂરી રહી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ જીવનમાં બધુ જ મેળવી ચૂક્યા છે. રૂપિયાના જોરે પત્નીથી લઈને અમેરિકાનું પ્રમુખપદ સુદ્ધા મેળવી ચૂક્યા છે, હવે નોબેલ પ્રાઇઝ મેળવવની તેમની ઇચ્છા બાકી હતી તે ભારતે બર ન આવવા દેતા ટ્રમ્પ ભારત પર ભૂંરાટા થયા છે. 

ટ્રમ્પની નારાજગીને ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવતા ઓઈલ સાથે પણ કોઈ સંબંધ નથી કે અમેરિકા તથા ભારત વચ્ચેનું ્ટ્રેડ ડીલ અમેરિકાની કૃષિ પેદાશો માટે ભારતે બજાર ખોલ્યું નથી તે વાત સાથે પણ કોઈ સંબંધ નથી. અમેરિકા જાણે છે કે ભારત ક્યારેય કોઈપણ બીજા દેશ માટે તેનું કૃષિ અને ડેરી સેક્ટર ખુલ્લુ નહીં મૂકે. પછી તે ભારતની વર્તમાન સરકાર હોય કે ભવિષ્યમાં પણ બીજી કોઈ સરકાર આવે પણ તે આ બંને સેક્ટર ખુલ્લા નહીં મૂકે. ૨૫ કરોડથી વધારે ખેડૂતો અને ખેતમજૂરો તેના પર આધારિત છે. ભારતની વસ્તીનો ૪૦ ટકા હિસ્સો તેના પર નભે છે. 

આમ જેફરીઝે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત પર ટ્રમ્પે લાદેલો ટેરિફ કંઈ અમેરિકન નીતિનું નહીં પણ તેમની વ્યક્તિગત નારાજગીનું પરિણામ છે. ઓપરેશન સિંદૂર પછી ભારતના હુમલાથી ડરીને પાકિસ્તાને ભારતને યુદ્ધવિરામનો આગ્રહ કર્યો. બંને દેશના ડીજીએમઓ વચ્ચે વાત થઈ. તેના પછી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી. પાક.ના વિદેશપ્રધાન ઇશાક ડાર પણ આ યુદ્ધવિરામમાં ટ્રમ્પે કોઈ ભૂમિકા ભજવી હોવાની વાત નકારી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ઇસ્લામાબાદે ભારતની સાથે યુદ્ધવિરામમાં મધ્યસ્થતા માટે અમેરિકા કે કોઈ ત્રીજા પક્ષને ક્યારેય અનુરોધ કર્યો નથી. તેમણે સ્વીકાર્યુ કે ભારતીય હુમલામાં થયેલા ભારે નુકસાન પછી પાકિસ્તાને પોતે યુદ્ધવિરામની માંગ કરી હતી.