- સરકારી ઓઇલ કંપનીઓ એક વર્ષમાં 2.2 મેટ્રિક ટન એલપીજી મંગાવશે
- અમેરિકાએ પણ ભારત પાસેથી 60,000 મેટ્રિક ટન જેટ એવિયેશન ફ્યુઅલની આયાત કરી
વોશિંગ્ટન : ભારતે ઊર્જા સુરક્ષામાં વધારો કરવાના ભાગરૂપે અમેરિકા સાથે એક વર્ષ માટેની એલપીજી ડીલ કરી છે. આ કરાર હેઠળ ભારતની સરકારી ઓઇલ કંપનીઓ અમેરિકા પાસેથી ૨.૨ મેટ્રિક ટન એલપીજી ખરીદશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન હરદીપપુરીએ તેની જાહેરાત કરતા આ ડીલને ઐતિહાસિક ગણાવી હતી. બંને દેશ વચ્ચે ચાલતા ટેરિફ વિવાદ અને અટકી પડેલા વેપાર કરાર વચ્ચે લાંબા સમય પછી મહત્ત્વનો કરાર થયો છે.
તેમણે જણાવ્યું હતું કે આ કરારના પગલે વિશ્વનું સૌથી મોટું અને ઝડપથી વિકસતા એલપીજી બજારોમાંનું એક અમેરિકા માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. ભારતીયોને એલપીજીનો સલામત અને પોષણક્ષમ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ ડીલ કરવામાં આવી છે. અમે ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલપીજી સોર્સિંગનું વૈવિધ્યીકરણ કરી રહ્યા છીએ. ભારતીય સરકારી ઓઇલ કંપનીઓ અમેરિકા સાથેના કરાર અન્વયે ૨.૨ મેટ્રિક ટન એલપીજીની આયાત કરશે.
ભારતે અમેરિકા સાથે કરેલા કરારના કારણે દેશની વાર્ષિક એલપીજી આયાતની જરૂરિયાતનો દસ ટકા પુરવઠો અમેરિકાથી આવશે. ભારતીય બજાર માટે અમેરિકા સાથે આ સૌપ્રથમ કરાર છે. પુરીએ સમજાવ્યું હતું કે આ ખરીદીનો માપદંડ વૈશ્વિક એલપીજી વેપારનો ચાવીરૂપ પ્રાઇસિંગ પોઇન્ટ માઉન્ટ બેલેવ્યુ હશે.
ભારતની સરકારી ઓઇલ કંપનીઓ આઇઓસી, એચપીસીએલ અને બીપીસીએલએ તાજેતરમાં અમેરિકાની મુલાકાત લીધી હતી અને અમેરિકન ઉત્પાદકો સાથે ચર્ચા કરી હતી, જે સફળતાપૂર્વક પૂરી થઈ છે. તેમણે જણાવ્યુ હતું કે ભારત સરકાર ગ્રાહકોને ગેસના આંતરરાષ્ટ્રીય ભાવના પ્રહારથી બચાવવા વર્ષે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડે છે.
આ આયાતની સામે ભારતે જેટ ફ્યુઅલ કાર્ગો અમેરિકા માટે રવાના કર્યો હતો. એનર્જી મેજર શેવરોનને આ પુરવઠો પૂરો પાડવામાં આવશે. આના પગલે લોસ એન્જલ્સને જેટ ફ્યુઅલ કાર્ગોની ઘટ પડે છે તે પૂરી કરી શકાશે. ઓક્ટોબર પછી યુએસ વેસ્ટ કોસ્ટ જેટ ફ્યુઅલ કાર્ગોના ઉત્પાદનમાં કાપ મૂકાયો છે.
શેવરોનમાં લાગેલી આગના લીધે પ્રતિ દિન ૨,૮૫,૦૦૦ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતી કેલિફોર્નિયા સ્થિત રિફાઇનરીના કેટલાય યુનિટ્સ બંધ કરવાની ફરજ પડી છે. આના પગલે જામનગરથી રિલાયન્સ રિફાઇનરી ખાતેથી ૬૦,૦૦૦ મેટ્રિકન ટન એટલે કે ૪.૭૨ લાખ બેરલ એવિયેશન ફ્યુઅલ અમેરિકા મોકલાયુ હતું.


