માર્ક કાનીનાં નેતૃત્ત્વમાં કેનેડાનું ભારત પ્રત્યેનું વલણ બદલાયું
આંતરરાષ્ટ્રીય દમનથી જોડાયેલી તપાસમાં હાલ કોઇ વિદેશી સંસ્થાની સંડોવણી સામે આવી નથી
એક ઇન્ટરવ્યુમાં ડૂહમે જણાવ્યું હતું કે પોલીસની પાસે આંતરરાષ્ટ્રીય દમનથી જોડાયેલ જે પણ ફાઇલ અને તપાસ હાલમાં ઉપલબ્ધ છે તેમાં કોઇ પણ વિદેશી સંસ્થાની સંડોવણી નથી.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિદેશી હસ્તક્ષેપ અથવા આંતરરાષ્ટ્રીય દમન પર અમારી પાસે જે ડેટા છે તેમાં એવા લોકો છે જે બીજાને ડરાવે છે, ધમકાવે છે અથવા હેરાન કરે છે પણ આ પ્રવૃત્તિઓના તાર કોઇ પણ વિદેશી સંસ્થા સાથે જોડાયેલા નથી.
અગાઉનાં અધિકારીની ટિપ્પણી અંગે ડૂહમે જણાવ્યું હતું કે તેમને ખબર નથી કે તે અધિકારી પાસે માહિતી ક્યાંથી આવી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ૨૦૨૪માં આપવામાં આવેલા તેમના અગાઉનાં નિવેદન તે સમયે ચાલી રહેલી ગુનાહિત તપાસ પર આધારિત હતાં.
ડૂહમે જણાવ્યું હતું કે તે સમયે તે વિશેષ ફાઇલમાં મેં જણાવ્યું હતું કે ભારત સરકારનાં એજન્ટ અથવા પ્રોક્સી સામેલ હતાં. જો કે આંતરરાષ્ટ્રીય દમનનાં કેસોમાં અનેક વખત કોઇ વિશેષ વિદેશી સંસ્થાની સાથે સીધો સંબધ સ્થાપિત કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે.
ડૂહમનું આ નિવેદન ભારત અને કેનેડાની વચ્ચે વર્ષો સુધી ચાલેલ કૂટનીતિક તંગદિલી પછી આવ્યું છે. ૨૦૨૩માં તત્કાલીન કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આરોપ મૂક્યો હતો કે કેનેડિયન શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારનાં એજન્સ સામેલ હતાં. જો કે ભારતે આ દાવાઓને ફગાવી દીધા હતાં.
ત્યારબાદ ૨૦૨૪માં કેનેડિયન પોલીસ (આરસીએમપી)એ આરોપ મૂક્યો હતો કે કેનેડામાં રાજદ્વારી હત્યા અને ખંડણી જેવા ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓથી જોડાયેલા છે. જેના પરિણામે કેનેડાએ હાઇ કમિશનર સહિત ૬ ભારતીય રાજદ્વારીઓને કાઢી મૂક્યા હતાં. તેના જવાબમાં ભારતે પણ ૬ કેનેડિયન રાજદ્વારીઓને કાઢી મૂક્યા હતાં.


