- ભારત વિરોધી ઝેર ફેલાવતા એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન મોહસિન નક્વીના નિવેદનના કારણે
- મેચ પૂરી થઇ તે પછી એક કલાક સુધી ચાલેલો વિવાદ રમતના ઇતિહાસમાં પહેલી વખત વિજેતાને ટ્રોફી ન અપાઇ
- એશિયા કપ જીત્યાની ટ્રોફી જોઈતી હોય તો મારા હસ્તે જ સ્વીકારો એમ કહી નક્વી ટ્રોફી લઇ ચાલ્યા ગયા
દુબઈ: ભારતે પાકિસ્તાનને પરાજય આપીને શાન સાથે એશિયા કપ જીતી લીધો પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવી કે જેઓ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પણ ચેરમેન છે તેના એશિયા કપ ક્રિકેટ ઇતિહાસની જ નહીં પણ રમતજગત ઇતિહાસની સૌપ્રથમ એવી ટુર્નામેન્ટ બની છે કે જેમાં ચેમ્પિયન ટીમને જીત પછી ઇનામ વિતરણ સમારંભમાં ટ્રોફી એનાયત ન થઈ હોય.
ભારત ભારે રસાકસી બાદ પાકિસ્તાનને ફાઇનલમાં પરાજય આપીને ચેમ્પિયન બન્યું તે સાથે પાકિસ્તાનના ખેલાડીઓ જાણે અગાઉથી ભારતને ટ્રોફી આપવાથી વંચિત રાખવાનું હોય તેમ ડ્રેસિંગ રુમમાં ચાલ્યા ગયા હતા. તેઓ એક કલાક સુધી બહાર જ ના આવ્યા તે દરમ્યાન ભારતના ખેલાડીઓ, હેડ કોચ ગંભીર સહિત ટીમ મેનેજમેન્ટના સભ્યો સમારંભ શરૂ થાય તેની રાહ જોતા મેદાન પર જ રહ્યા હતા.
ઇનામ વિતરણનું સ્ટેજ તો તૈયાર હતું પણ એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન મોહસિન નકવી કે જેઓ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના ચેરમેન પણ છે તે એશિયન ક્રિકેટ કાઉન્સિલના સભ્ય દેશોના ક્રિકેટ બોર્ડના પ્રમુખ પર ધોંસ જમાવતા ભારે તનાવપૂર્ણ વાતાવરણ વચ્ચે કડક નિર્દેશ આપતા હતા. મોહસિન નકવી પાકિસ્તાનના ગૃહ મંત્રી પણ છે અને તેઓ ભારતના કટ્ટર વિરોધી તો છે જ. ઓપરેશન સિંદુરની હાંસી ઉડાવતી કોમેન્ટ પણ કરવા માટે ભારતીયોનો રોષ પણ વહોરી ચૂકયા છે. ફાઇનલના આગલા દિવસે પણ તેમણે ભારત સામેના મીની યુદ્ધમાં પાકિસ્તાને ભારતના વિમાનો તોડી પાડયા તેવી મજાક કરતી પોસ્ટ સોશિયલ મીડિયમાં કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમ અને હેડ કોચ ગંભીર અગાઉથી જ મીડિયા સમક્ષ જાહેર કરી ચૂક્યા હતા કે જો ભારત ચેમ્પિયન બનશે તો તેઓ મોહસિન નકવીના હસ્તે ટ્રોફીનો સ્વીકાર નહીં કરે. ભારતીય ક્રિકેટ ટીમે એવું પણ સુચન કર્યું હતું કે સ્ટેજ પર યજમાન યુ.એ.ઇ. ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હાજર હશે જ અમે તેમના હસ્તે ટ્રોફી સ્વીકારીશું. ફાઇનલ પુરી થઇને એક કલાકથી વધુ સમય થયો અને સ્ટેજ પર એશિયા કપના ચેમ્પિયનને અપાનાર ટ્રોફી પણ રાખવામાં આવી હતી.
આ તરફ મોહસિન નકવીએ જોહુકમી વ્યક્ત કરતા કહ્યું કે ઇનામ વિતરણ સમારંભમાં જો ભારતનો કેપ્ટન સુર્યકુમાર યાદવ મારા હસ્તે ટ્રોફી લેવા ન માંગતો હોય તો ટ્રોફી બીજા કોઈ સ્ટેજ પરના મહાનુભાવના હસ્તે નહીં આપવામાં આવે. આ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તરીકેનો મારો આખરી નિર્ણય છે. ભારતની ટીમ અને મેનેજમેન્ટે પણ નકવીના હસ્તે ટ્રોફી નહીં લે તેમ જણાવી દીધું.
ઇનામ વિતરણ સમારંભ શરૂ થયો. અમ્પાયરો અને મેચ રેફરીને સ્ટેજ પર વારાફરતી બોલાવીને સ્મૃતિ મેડલ અપાયા તેવી જ રીતે પાકિસ્તાનના ખેલાડીઓને પણ વારાફરતી સ્ટેજ પર મેડલ અપાયા.
શિવમ દૂબેને ગેમ ચેન્જર બેટિંગ, વરૂણ ચક્રવર્તીને ગેમ ચેન્જર સ્પિનર અને તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચ, અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા.
આ બધા એવોર્ડ એશિયા ક્રિકેટ કાઉન્સીલના સભ્યો દ્વારા આપવામાં આવ્યા કેમ કે મોહસિન નકવીના હસ્તે એકપણ એવોર્ડ સ્વીકારવનો ભારતે ઇન્કાર કર્યો હતો.
પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ નકવીના હસ્તે રનર અપ તરીકેનો ચેક મેળવ્યો હતો. તે પછી ઇનામ વિતરણ સમારંભનું સંચાલન કરનાર ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સાયમન ડુલને 'ઓન એર' મેસેજ મળ્યો અને તેણે જાહેરાત કરી કે, 'મને એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ આજે રાત્રે એવોર્ડ સ્વીકારી નથી રહી અને આ સાથે ઇનામ વિતરણ સમારંભ અમે સમાપ્ત જાહેર કરીએ છીએ.'
વાત આટલેથી જ ના અટકી. મોહસિન નકવી ભારતીય ખેલાડીઓને આપવામાં આવનાર સ્મૃતિ મેડલ અને ચેમ્પિયન બનવા બદલ અપાનાર ટ્રોફી પણ તેમની સાથે પરત લઈ ગયા છે. તેમનો એ પ્રકારનો આશય હતો કે 'ટ્રોફી વગેરે એશિયન ક્રિકેટ કાઉન્સીલ અને ચેરમેનની રૂએ મારી માલિકી છે. ભારતે ટ્રોફી જોઈતી હોય તો મારા હસ્તે સ્વીકારે બાકી નહીં મળે.'આ તરફ ભારતીય ક્રિકેટ બોર્ડે એશિયા ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ લેખિતમાં રજુઆત કરી છે કે ટ્રોફી અને મેડલ્સ ભારતીય ક્રિકેટ બોર્ડની માલિકીના છે. જે તેઓને મળવા જોઈએ. જેથી તે અમને વહેલી તકે જમા કરાવી દેવા.' આમ જેન્ટલમેન ક્રિકેટના ઇતિહાસના કલંકિત પ્રકરણ સાથે બે દેશો વચ્ચેની રાજકીય દુશ્મનાવટ વધુ ઘેરી બની છે.
- એશિયા કપમાં વિજય અંગે પીએમની ટિપ્પણી
- રમતના મેદાન પર પણ ઓપરેશન સિંદૂર, પરિણામ ભારતનો વિજય : મોદી
- નક્વી પીએમ મોદીની વાતથી ભડક્યા અને તેને રમતની ભાવનાથી વિપરીત ગણાવ્યું
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપની ફાઇનલમાં ભારતે પાંચ વિકેટે રોમાંચક વિજય મેળવ્યા પછી પીએમ મોદીએ આઠેય ટીમોને ટુર્નામેન્ટમાં તેમના દેખાવ બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે રમતના મેદાન પર પણ ઓપરેશન સિંદૂર, પરિણામ તે જ છે. ભારત જીતી ગયુ. આપણા ક્રિકેટરોને અભિનંદન.
આ વર્ષે એપ્રિલમાં કાશ્મીરમાં પહલગામમાં થયેલા એક આતંકવાદી હુમલામાં ૨૬ના મોત થયા હતા. તેના પછી ભારતે વળતી કાર્યવાહી કરતાં પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)માં આતંકવાદી કેમ્પોને લક્ષ્યાંક બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યુ હતું. પીએમ મોદીની ટ્વીટથી નક્વી ભડકી ગયા. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીએ યુદ્ધનો ઉલ્લેખ કરવો જોઈતો ન હતો. જો કે નક્વી પોતે પણ ક્રિકેટમાં રાજકારણ લાવતા રહ્યા છે. તેમણે પીએમ મોદી પર રમતની ભાવના સાથે રમવાનો આરોપ મૂક્યો હતો. આ નિવેદનને હતાશાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.


