ગાઝા સમિટ માટેનું આમંત્રણ પીએમ મોદીએ સ્વીકાર્યું, દૂતને રવાના કર્યા, જાણો શું છે પ્લાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel Hamas war Updates : ગાઝામાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ઇજિપ્તમાં યોજાઈ રહેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભારતીય પક્ષની પણ હાજરી રહેશે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ સોમવારે ઇજિપ્તના શહેર શર્મ અલ શેખમાં આયોજિત શાંતિ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે.
ટ્રમ્પ પણ ભાગ લેશે
આ સંમેલન માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇજિપ્તના તેમના સમકક્ષ અબ્દેલ ફતેહ અલ-સીસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ મોકલ્યું હતું. આ શિખર સંમેલનમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને લગભગ 20 અન્ય વૈશ્વિક નેતાઓ સામેલ થવાની અપેક્ષા છે.
પીએમ મોદીના વિશેષ પ્રતિનિધિ તરીકે કોણ હાજર રહેશે?
ભારતે કીર્તિ વર્ધન સિંહને આ સંમેલનમાં વડાપ્રધાનના વિશેષ પ્રતિનિધિ તરીકે ભાગ લેવા માટે અધિકૃત કર્યા છે. સિંહે 'X' (ટ્વિટર) પર લખ્યું, "ગાઝા શાંતિ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ પ્રતિનિધિ તરીકે હું ઐતિહાસિક શહેર કાહિરા પહોંચી ગયો છું." ઇજિપ્તના પ્રમુખ દ્વારા આયોજિત આ 'શર્મ અલ-શેખ શાંતિ શિખર સંમેલન'માં ગાઝાની સાથે-સાથે પશ્ચિમ એશિયામાં વ્યાપક અને કાયમી શાંતિ લાવવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનની સહ-અધ્યક્ષતા અલ-સીસી અને ટ્રમ્પ કરી રહ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન પણ જઈ શકે છે
ખાસ વાત એ છે કે છેલ્લી ઘડીએ વડાપ્રધાન મોદીને આમંત્રણ મળ્યા બાદ કીર્તિ વર્ધન સિંહને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ આ બેઠકમાં સામેલ થઈ શકે છે, જેના પગલે સિંહને મોકલવાનો નિર્ણય લેવાયો હતો. સૂત્રોએ કહ્યું કે ભારત એ વાતનું જોખમ લેવા માંગતું નહોતું કે જો ટ્રમ્પ અને શરીફ એક મંચ પર આવે તો પરિસ્થિતિ કેવી બની શકે.
ટોચની હસ્તીઓ આવશે....
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ આ શિખર સંમેલનમાં ભાગ લેનારા નેતાઓમાં સામેલ છે.
શાંતિ યોજના અને યુદ્ધવિરામનો ઉદ્દેશ
ઇજિપ્ત દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ શિખર સંમેલનનો ઉદ્દેશ ગાઝા પટ્ટીમાં યુદ્ધ સમાપ્ત કરવું અને પશ્ચિમ એશિયામાં શાંતિ તથા સ્થિરતા લાવવાના પ્રયાસોને વેગ આપવાનો છે. આ સંમેલન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કાના અમલના થોડા દિવસો બાદ યોજાઈ રહ્યું છે.
66000થી વધુ પેલેસ્ટિનીના મોત
નોંધનીય છે કે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા ઇઝરાયેલી શહેરો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારથી ગાઝામાં ઇઝરાયેલના સૈન્ય અભિયાનોમાં હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં 66,000થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. શુક્રવારે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો અને આશા છે કે હમાસ લગભગ 20 જીવિત બંધકોને સોમવારે સવારે મુક્ત કરી દેશે.








