'યુક્રેન સામેના યુદ્ધમાં ભારત રશિયાને કરી રહ્યું છે ફન્ડિંગ...', ટ્રમ્પ સરકારનો ફરી ગંભીર આરોપ
Donald Trump and India : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર સ્ટીફન મિલરે ભારત પર રશિયા પાસેથી ઓઈલ ખરીદીને યુક્રેન સામેના યુદ્ધમાં પુતિનના દેશને પરોક્ષ રીતે ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો હતો.
ભારતને આપ્યું અલ્ટીમેટમ!
તેમણે કહ્યું કે આ ટ્રમ્પને "સ્વીકાર્ય નથી" અને ભારતે તેની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ. સ્ટીફન મિલર ટ્રમ્પ સરકારમાં વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ છે અને તેમનું નિવેદન અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા મુખ્ય આરોપોમાંનું એક છે.
મિલરે આપ્યો ટ્રમ્પનો મેસેજ!
એક ઇન્ટરવ્યુમાં મિલરે કહ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત માટે રશિયા પાસેથી તેલ ખરીદીને આ યુદ્ધને ભંડોળ પૂરું પાડવું સ્વીકાર્ય નથી." અહેવાલ મુજબ, ટ્રમ્પના ટોચના સલાહકારે કહ્યું કે લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારત હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના સંદર્ભમાં ચીન સમકક્ષ થઇ ગયું છે. મિલરે તેને "આશ્ચર્યજનક હકીકત" ગણાવી.
ભારત સાથે શાનદાર સંબંધોની પણ વાત કહી
મિલરની આ ટિપ્પણીને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીની ભારતની સૌથી તીવ્ર ટીકા માનવામાં આવે છે, ખાસ કરીને જ્યારે ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. જોકે, મિલરે ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો "શાનદાર" હોવાનું કહીને તેમના નિવેદનને સંતુલિત કર્યું.
ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
આ મુદ્દે ભારત સરકાર તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર જવાબ આવ્યો નથી. રોઇટર્સના અહેવાલમાં જણાવાયું છે કે વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ ભારત સરકારે સંકેત આપ્યો છે કે અમેરિકાના દબાણ છતાં, ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે.