માલદિવ્સની વિકાસ યાત્રામાં ભારત તેનો સાચો ભાગીદાર : પીએમ મોદી
- પીએમ મોદી માલદિવ્સના 60મા સ્વતંત્રતા સમારંભમાં મુખ્ય અતિથિ
- મોદી અદ્ભૂત વ્યક્તિ, ભારત-માલદિવ્સના સદીઓ જૂના સંબંધો હવે વધુ ગાઢ બનશે : મુઈઝ્ઝુ
માલે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદિવ્સના ૬૦મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા બંને દેશો વચ્ચે થોડા સમય માટે સર્જાયેલો તણાવ હવે દૂર થયો હોવાના સંકેત મળ્યા છે. માલદિવ્સમાં એક સમયે 'ઈન્ડિયા આઉટ' અભિયાન ચલાવનારા પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ તેમની કેબિનેટ સાથે આઈકોનિક રિપબ્લિક સ્ક્વેર ખાતે પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના બે દિવસના પ્રવાસમાં ભારત અને માલદિવ્સે કુલ ૮ મોટા કરાર કર્યા હતા તેમ વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે માલદિવ્સના ૬૦મા સ્વતંત્રતા દિવના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ૫૦ મિનિટના આ કાર્યક્રમ પછી તેમણે માલદિવ્સના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું માલદિવ્સના ૬૦મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં સામેલ થવું તેમના માટે સન્માનની બાબત છે.
પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને માલદિવ્સ બંને ગ્લોબલ સાઉથના સાથી છે. ભારત માલદિવ્સની વિકાસ યાત્રાનો સાચો ભાગીદાર રહ્યો છે. આપણે વેપાર, સુરક્ષા અને અવિરત વિકાસ પર આગળ વધવું જોઈએ. બંને દેશના સંબંધો વિશ્વાસ પર ટકેલા છે. ગયા વર્ષે પ્રમુખ મુઈઝ્ઝુ ભારતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે મને તેમના આતિથ્યનું સૌભાગ્ય મળ્યું હતું. માલદિવ્સ સાથે ભારતના સંબંધ સદીઓ જૂના છે. અમે જરૂરિયાતના સમયે હંમેશા માલદિવ્સના લોકોની સાથે ઊભા રહ્યા છીએ. માલદિવ્સ ભારતની નેબરહૂડ ફર્સ્ટ પોલિસીમાં વિશેષ સ્થાન ધરાવે છે.
તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક પ્રસંગ માલદિવ્સના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને જીવંત આત્માને દર્શાવે છે. સાથે જ તે છેલ્લા કેટલાક વર્ષોમાં માલદિવ્સના પરિવર્તનનું પ્રતીક પણ છે. પ્રાચીન સમુદ્રી પરંપરાઓથી લઈને જળવાયુ પરિવર્તન જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓમાં નેતૃત્વ સુધી માલદિવ્સે વૈશ્વિક મંચ પર તેની વિશેષ ઓળખ બનાવી છે. મહાન માલદિવ્સવાસીઓને મારી હાર્દિક શુભેચ્છા.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, માલદિવ્સના સ્વતંત્રતા સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે પીએમ મોદીને આમંત્રણ એ બંને દેશો વચ્ચેના દ્વિપત્રીય સંબંધોના 'સિમાચિહ્નરૂપ' છે. માલદિવ્સના સ્વતંત્રતા સમારંભની ઊજવણીમાં પહેલી વખત ભારતના વડાપ્રધાનને આમંત્રણ અપાયું છે. વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કે, પીએમ મોદીના બે દિવસના પ્રવાસમાં ભારત અને માલદિવ્સ વચ્ચે લોન સુવિધા, લોન ચૂકવણી, મત્સ્ય પાલન અને મરીન કૃષિ, ફાર્માકોપિયા, ડિજિટલ પરિવર્તન અને યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લેતા આઠ મુખ્ય કરાર કર્યા હતા.
માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. મુઈઝ્ઝુએ શનિવારે પીએમ મોદીને અદ્ભૂત વ્યક્તિ ગણાવ્યા હતા. તેમણે કહ્યું માલદિવ્સ અને ભારત વચ્ચે સદીઓ જૂના ખૂબ જ સારા સંબંધ છે અને પીએમ મોદીના નેતૃત્વમાં આગામી દિવસોમાં બંને સરકારો વચ્ચે સહયોગ વધુ ગાઢ બનશે. ભારત સાથે થયેલા કરારથી માલદિવ્સના વિકાસને ગતિ મળશે. આ કરારથી માલદિવ્સ આવતા પ્રવાસીઓ અને ભારત આવતા માલદિવ્સના લોકોને લાભ થશે. અમે એફટીએ પર પણ વાટાઘાટો શરૂ કરી દીધી છે અને અમને આશા છે કે ટૂંક સમયમાં તે પૂરી થઈ જશે. બંને દેશોએ એક મજબૂત અને અટૂટ બંધન સ્થાપિત કર્યા છે, જે કૂટનીતિથી દૂર છે.