Get The App

ભારત ડેડ ઈકોનોમી, ડૂબે તો પણ મને પડી નથી : ટ્રમ્પની તુમાખી

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
ભારત ડેડ ઈકોનોમી, ડૂબે તો પણ મને પડી નથી : ટ્રમ્પની તુમાખી 1 - image


- રશિયા જ નહીં ઈરાન સાથે પણ ભારતના વેપારથી અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ધુંઆપુંઆ થયા

- ઈરાન સાથે ક્રૂડ અને પેટ્રો પેદાશોના વેપાર બદલ ભારતની છ ખાનગી કંપનીઓ પર અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પ્રતિબંધ મૂક્યો

- ભારત પર ૨૫ ટકા ટેરિફ ફાઈનલ નથી, નિશ્ચિત ટેરિફ હજુ સપ્તાહના અંતે ખબર પડશે : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક ધાકધમકીઓ છતાં ભારતે રશિયા સાથે સંબંધો જાળવી રાખતા અને ક્રૂડની સાથે હથિયારોની ખરીદી પણ ચાલુ રાખતા ભારે ધૂંધવાયા છે. ભારત પર ૨૫ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરવાની સાથે ટ્રમ્પે ભારત અને રશિયાની મિત્રતાની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, બંને દેશના અર્થતંત્રો મૃત અર્થતંત્રો છે અને બંને સાથે ડૂબી જાય તો પણ મને કંઈ પડી નથી. આ સિવાય ઈરાન સાથે પણ ભારતના વેપાર સંબંધોથી ટ્રમ્પ ધૂઆંપૂંઆ થયા છે. તેમણે ઈરાન પાસેથી ક્રૂડ અને પેટ્રો પેદાશોની ખરીદી કરનારી ભારતની છ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ નાંખવાની સાથે રશિયા સાથે વેપાર બદલ દંડ પણ ફટકાર્યો છે. આ જાહેરાતના બીજા જ દિવસે ટ્રમ્પે કહ્યું કે, ભારત રશિયા સાથે શું કરે છે તેની મને કંઈ પડી નથી. તેઓ તેમના મૃત અર્થતંત્રો સાથે ડૂબી જાય તો પણ મને કોઈ ફરક પડતો નથી. અમે ભારત સાથે બહુ ઓછો કારોબાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ખૂબ જ ઊંચા છે. તે વિશ્વમાં સૌથી વધુ છે.

ટ્રમ્પે ભારતની વેપાર નીતિને સૌથી આકરી અને ધૃણાસ્પદ ગણાવી હતી. બધું બરાબર નથી. તેથી ભારત પર ૨૫ ટકા ટેરિફ નાંખવામાં આવ્યો છે. આ સિવાય અનિશ્ચિત દંડ પણ ૧લી ઓગસ્ટથી લાગુ પડશે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી આ દંડ લગાવાયો છે. રશિયા યુક્રેન યુદ્ધ પહેલાં ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કુલ ખરીદીના માત્ર ૦.૨ ટકા હતી, જે અત્યારે વધીને ૩૫થી ૪૦ ટકા જેટલી થઈ ગઈ છે. રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર નાંખવામાં આવેલો ૨૫ ટકા ટેરિફ પણ અંતિમ નહીં હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી મારા સારા મિત્ર છે, પરંતુ તેઓ અમારી સાથે વધુ વેપાર કરતા નથી. અમે હજુ પણ વેપાર સોદા માટે વાટાઘાટો કરી રહ્યા છીએ. ભારત પર નાંખવામાં આવેલો ૨૫ ટકા ટેરિફ પણ અંતિમ નથી. અમે ભારત સાથે વેપાર સોદો કરીએ છીએ કે એક નિશ્ચિત ટેરિફ લગાવીશું તેનાથી કોઈ વધારે ફરક નથી પડતો. ભારત પર ખરેખર કેટલો ટેરિફ નાંખવામાં આવ્યો છે તે આ સપ્તાહના અંત સુધીમાં ખબર પડી જશે. તેમણે ઉમેર્યું કે,  ભારત સાથેની વાટાઘાટોમાં બ્રિક્સનો મુદ્દો પણ સામેલ છે. બ્રિક્સ મૂળભૂત રીતે અમેરિકાનું વિરોધી જૂથ છે અને ભારત તેનું સભ્ય છે. આ જૂથની સ્થાપના અમેરિકન ચલણ ડોલર પર હુમલા માટે કરાઈ છે અને અમે કોઈને પણ તેમ કરવા નહીં દઈએ.

ભારતે રશિયાની સાથે ઈરાન પાસેથી પણ ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલની ખરીદી ચાલુ રાખવાથી પણ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. ઈરાન સાથેના વેપાર સંબંધોના કારણે ટ્રમ્પે ભારતની ૬ ખાનગી કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કંપનીઓમાં એલકેમિકલ સોલ્યુશન્સ પ્રા. લિ., ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિ., જ્યુપીટર ડાઈ કેમ પ્રા.લી., કંચન પોલીમર્સ, રમણીકલાલ એસ. ગોસાલિઆ એન્ડ કં., પર્સીસ્ટન્ટ પેટ્રોકેમ પ્રા. લી.નો સમાવેશ થાય છે. આ કંપનીઓએ જાન્યુઆરી ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૫ વચ્ચે ઈરાન પાસેથી કરોડો ડોલરના મૂલ્યના ક્રૂડ ઓઈલ અને પેટ્રો કેમિકલ્સની ખરીદી કરી હતી.

દરમિયાન સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ભારત ટ્રમ્પના ટેરિફનો જવાબ નહીં આપે. અમારું મૌન જ સૌથી સારો જવાબ છે. અમે જે પણ કંઈ કરીશું તે વાતચીતના ટેબલ પર જ કરીશું. ટ્રમ્પના ટેરિફથી ભારતીય અર્થતંત્રમાં કોઈ ગભરાટ જોવા મળ્યો નથી. 

વાજપેયી સરકારે પરમાણુ પરીક્ષણ કર્યા હતા ત્યારે પણ અમેરિકા અનેક પ્રતિબંધો લગાવ્યા હતા. તે સમયે ભારત એક નાનું અર્થતંત્ર હતું, પરંતુ આજે ભારત એક આત્મનિર્ભર અર્થતંત્ર છે. તેથી ભારતને ટ્રમ્પના ટેરિફથી મોટો ફરક નહીં પડે.

Tags :