ભારતના ‘વૉટર વેપન’થી ગભરાયું પાકિસ્તાન, PM શાહબાઝે દેશને બચાવવા કહ્યું, ‘પાણી સંગ્રહ વધારો, નહીં તો...’
India-Pakistan Indus Water Treaty Dispute : ભારતે ‘સિંધુ જળ સમજૂતી’ સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાન ભયાનક ટેન્શનમાં આવી ગયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ(PM Shehbaz Sharif)નું માનવું છે કે, ભારત પાણીનો ઉપયોગ ‘વોટર વેપન’ તરીકે કરી શકે છે. જો ભારત પાણી બંધ કરી દે તો પાકિસ્તાન પાણી માટે તરફડીયા મારી શકે છે, તેથી શરીફે દેશમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારવાનો પ્લાન શરુ કરી દીધો છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે, દેશમાં પાણી સંગ્રહ પ્રોજેક્ટ પર ઝડપી કામ કરવામાં આવશે.
દિલ્હીની ઇચ્છા પાણીને હથિયાર બનાવવાની : શરીફ
જિયો ન્યૂઝના રિપોર્ટ મુજબ, ‘શરીફે કહ્યું કે, પાકિસ્તાન સરકારે દેશમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. અમે પાણી સંગ્રહ પ્રોજેક્ટ ઝડપી પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને નિર્દેશ આપી દીધો છે.’ શરીફે ભારત પર ગુસ્સો ઠાલવતાં કહ્યું કે, ‘દેશમાં પાણીની સુરક્ષાને લઈને નિર્ણય લેવો જરૂરી છે, કારણ કે દિલ્હીની ઇચ્છા પાણીને હથિયાર બનાવવાની છે.’
આ પણ વાંચો : અમેરિકાએ ચીનનું વધાર્યું ટેન્શન, પાડોશીઓ સાથે સમુદ્રમાં ઘેરવાનો પ્લાન, જાણો વિવાદ
ભારત સમજૂતી ન તોડી શકે : શરીફ
શાહબાઝ શરીફે દેશમાં પાણી સંગ્રહ વધારવાની વાત કરતી વખતે ભારત પર ગુસ્સો ઠાલવ્યો છે. તેમણે કાયમી મધ્યસ્થી અદાલતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘ભારતે સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે, પરંતુ તેઓ એકતરફી સસ્પેન્ડ ન કરી શકે. કોર્ટે પણ સ્પષ્ટ કહ્યું છે કે, સમજૂતી એકતરફી સસ્પેન્ડ કરવાનો ભારતને કોઈ અધિકાર નથી. સમજૂતી મામલે આંતરરાષ્ટ્રીય અચડણો છતાં પાકિસ્તાન અંગે ભારતના ઇરાદા સારા નથી. ભારત આપણા વિરુદ્ધ પાણીનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. આ સંકટને ધ્યાને રાખી પાકિસ્તાન સરકારે બિન-વિવાદાસ્પદ પાણી સંગ્રહ ક્ષમતા પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રદેશની સરકારો સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે.
પહલગામમાં હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ
22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ઘૂસી આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં પ્રવાસીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. ઘટના બાદ ભારત પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સંબંધો તોડી નાખ્યા છે, જેમાં સિંધુ જળ સમજૂતી કરાર સસ્પેન્ડ કરવાનો પણ નિર્ણય સામેલ છે.
આ પણ વાંચો : ઈઝરાયલ સાથેની 77 વર્ષની દુશ્મનાવટ ખતમ કરશે મોટો ઈસ્લામિક દેશ!