World

ભારતે ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવાની અમને હજુ સુધી કોઈ જાણ કરી નથી : રશિયા

By GS TEAM
4 Feb 20263 mins read
ભારતે ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવાની અમને હજુ સુધી કોઈ જાણ કરી નથી : રશિયા

- વેપાર કરાર મુદ્દે ટ્રમ્પ અને મોદીના નિવેદનો અલગ અલગ : ચીન

- ભારતીય ઓઈલ કંપનીઓ ક્રૂડ ઓઈલની ખરીદી માટે રશિયાને હવે નવા કોઈ ઓર્ડર નહીં આપે : સૂત્રોનો દાવો

- રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવા કોઈ લેખિત આદેશ મળ્યો નથી : ભારતીય ઓઈલ કંપનીઓનો દાવો

મોસ્કો/નવી દિલ્હી/બેઈજિંગ : ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી દેશે તેવું અમેરિકન પ્રમુખ ટ્રમ્પ જણાવી રહ્યા છે, પરંતુ ભારત તરફથી આવું કોઈ નિવેદન થયું નથી તેમ રશિયાએ મંગળવારે કહ્યું હતું. ભારતીય રિફાઈનરીઓએ પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવા સરકાર તરફથી લેખિતમાં આદેશ નથી થયો હોવાનું જણાવ્યું હતું. પરંતુ ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરી દેશે તેમ સૂત્રોએ કહ્યું હતું. બીજીબાજુ ચીને દાવો કર્યો કે, ભારત અને અમેરિકાના વેપાર સોદા મુદ્દે પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના નિવેદનો એકદમ અલગ અલગ છે. 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોમવારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદાની જાહેરાત કરતા ભારપૂર્વક કહ્યું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી દેશે. 

આ સંદર્ભમાં રશિયાના પ્રવક્તા ડીમિત્રી પેસ્કોવે મંગળવારે કહ્યું કે, ભારતે હજુ સુધી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવા અંગે કોઈ નિવેદન આપ્યું નથી. રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પછીની સ્થિતિ પર અમારી ઝિણવટપૂર્વક નજર છે. ભારત રશિયાનું ઓઈલ નહીં ખરીદે તે મુદ્દે અમે માત્ર અમેરિકા તરફથી જાહેર નિવેદનો જ જોઈએ છીએ. 

ભારતીય ઓઈલ રિફાઈનરીઓએ પણ રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી સંપૂર્ણપણે બંધ કરવા માટે વધુ સમય માગ્યો છે. કંપનીઓનું કહેવું છે કે સરકારે હજુ સુધી રશિયા પાસેથી ક્રૂડની આયાત બંધ કરવાનો અમને કોઈ લેખિત આદેશ આપ્યો નથી. રિફાઈનરીઓનું કહેવું છે કે તેમણે માર્ચ સુધી ભારતમાં પહોંચનારા કાર્ગો બૂક કરી લીધા છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે અમેરિકા સાથેના કરાર મુજબ ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરી દેશે. ભારતીય રિફાઈનરી કંપનીઓ હવે રશિયાને ક્રૂડ માટે કોઈ નવા ઓર્ડર નહીં આપે. જૂના ઓર્ડર પૂરા કરશે. એચપીસીએલ, મેંગ્લોર રિફાઈનરી જેવી કંપનીઓએ ગયા વર્ષે જ રશિયન ક્રૂડની ખરીદી બંધ કરી દીધી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ તેનો છેલ્લો કાર્ગો આવી ગયા પછી નવા કોઈ ઓર્ડર નહીં આપે. માત્ર નાયરા જેવી કંપનીઓ પાસે કોઈ વિકલ્પ ન હોવાથી તેમને રશિયન ક્રૂડની ખરીદીની છૂટ અપાશે તેમ ભારતીય સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન ભારત અને અમેરિકાના વેપાર સોદા મુદ્દાના વિવાદમાં ચીન પણ કૂદી પડયું છે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે, અમેરિકા અને ભારત વચ્ચે ભલે ટેરિફ ઘટાડવા સહમતી થઈ હોય, પરંતુ બંનેના નિવેદનોમાં ઘણું અંતર છે. 

વેપાર સોદાની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ભારત રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી દેશે. અમેરિકન કૃષિ ઉત્પાદનો,  ટેકનિકલ સહિત તમામ અમેરિકન વસ્તુઓની ખરીદી માટે ભારતે સહમતી વ્યક્ત કરી છે. પરંતુ ભારતે ટ્રમ્પના આવા કોઈ દાવાને સમર્થન આપ્યું નથી.

 ટ્રમ્પના નિવેદનો પછી પીએમ મોદીએ જે ટ્વીટ કરી છે તેમાં તેમણે ટેરિફ ઘટાડવા માટે માત્ર ટ્રમ્પનો આભાર માન્યો છે અને દુનિયામાં શાંતિ માટે ટ્રમ્પે કરેલા પ્રયત્નોની પ્રશંસા કરી છે. આમ, બંને નેતાઓના ભાષણમાં મોટું અંતર છે.