નવી દિલ્હી,૨૮ એપ્રિલ,૨૦૨૫,સોમવાર
પાકિસ્તાન યુદ્ધ માટે જાણે કે ભારતને હાકલા પડકારા કરી રહયું છે પરંતુ તેની વર્તમાન આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે. ભારતના કોઇ પણ પ્રકારના આકરા પગલા પાકિસ્તાનની આર્થિક હાલત વધારે બગાડી શકે છે. ઓકટોબર ૨૦૨૪ સુધી પાકિસ્તાનનું સરકારી દેવું ૭૦.૩૬ લાખ કરોડ પાકિસ્તાની રુપિયા હતું. મતબલ કે દરેક પાકિસ્તાની નાગરિક પર સરેરાશ ૨.૩૪ લાખનું દેવું છે. ફિચ રટિંગ્સ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીના જણાવ્યા અનુસાર પાકિસ્તાનને ૨૦૨૫ના આર્થિક વર્ષમાં ૨૨ બિલિયન ડોલર કરતા પણ વધારે નાણાનું વિદેશી દેવું ચુકવવું પડશે.
પાકિસ્તાન હવે સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) પર નિર્ભર થઇ ગયો છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં પાકિસ્તાનને આઇએમએફ તરફથી ૭ બિલિયન ડોલરનું નવું કુલ ૨૪ મું બેલ આઉટ પેકેજ મળ્યું હતું. આઇએમએફ પાસેથી બેલઆઉટ પેકેજ લેવાનો કોઇ પણ દેશનો આ વિશ્વરેકોર્ડ છે. પાકિસ્તાન પાસે સોનાનો ભંડાર ૬૪.૭૪ ટન જે ખૂબ ઓછો છે જયારે ભારત પાસે ૮૦૦ ટન કરતા વધુ સોનું રિઝર્વ છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રાભંડાર પણ તળિયા ઝાટક છે. પાકિસ્તાનના શેર બજારની સ્થિતિ ખૂબ ગંભીર જોવા મળે છે. પાકિસ્તાની સ્ટોક એકસચેંજની વેબસાઇટ ક્રશ થઇ ગઇ હતી. ભારતની અર્થ વ્યવસ્થા પાકિસ્તાનની સરખામણીમાં ૧૦ ગણી વધારે મજબૂત છે. ભારતનો જીડીપી પાકિસ્તાનની સરખામણીમાં ખૂબજ ઉંચો છે.


