World

નેપાળ : અત્યંત અશાંત પરિસ્થિતિને અનુલક્ષી ભારતે નેપાળ સરહદે સાવચેતી વધારી

By GS TEAM
9 Sep 20251 min read
નેપાળ : અત્યંત અશાંત પરિસ્થિતિને અનુલક્ષી ભારતે નેપાળ સરહદે સાવચેતી વધારી

- ભારતીયોને સાવચેત રહેવા જણાવ્યું એર ઈંડીયા તેમજ ઈન્ડીગો સહિત તમામ વિમાન સેવાઓએ કાઠમંડુ ફલાઈટ રદ કરી

નવી દિલ્હી : નેપાળમાં વ્યાપક અંધાધૂંધી પ્રસરી રહી છે. પૂર્વ વડાપ્રધાન ઓલીએ ત્યાગપત્ર આપી દીધું છે. તેઓને ત્યાગપત્ર આપી દેશ છોડી દેવા આર્મી ચીફે જ સલાહ આપી છે. નેપાળના તમામ મંત્રીઓએ ત્યાગપત્રો આપ્યાં છે તે પૈકી કેટલાકને તો 'જનરેશન ઝેડ'ના કાર્યકરોએ રસ્તા વચ્ચે માર્યા છે. કેટલાંકનાં ઘરો સળગાવી દેવાયાં છે. આ સંયોગોમાં ભારતે નેપાળ સાથેની તેની સરહદ સીલ કરી દીધી છે, અને નેપાળ સ્થિત ભારતના દૂતાવાસે ભારતીઓને માત્ર અને માત્ર અનિવાર્ય કારણ સિવાય ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપી છે.

બીજી તરફ ભારતની એર-ઈંડીયા, ઈંડીગો, જેટ-એરબેઝ સહિત તમામ વિમાન સેવાઓએ કાઠમંડુ જતી તેમની તમામ ફલાઈટ્સ રદ્દ કરી છે.

જોકે અત્યારે તો ત્યાં રહેતાં ભારતીયો કે ભારતીય દૂતાવાસ કે રાજદૂત તથા અન્ય અધિકારીઓ કે કર્મચારીઓને કોઈ મુશ્કેલી ઊભી થઈ હોવાના સમાચાર નથી, પરંતુ તેઓને સાવચેત રહેવા દૂતાવાસ તથા વિદેશ મંત્રાલયે જણાવી દીધું છે.

છેલ્લે મળતા સમાચારો જણાવે છે કે જેન-ઝેડના આંદોલનકારીઓના નેતાઓએ કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહને વચગાળાની સરકારના વડાપ્રધાન પદે નિયુક્ત કર્યા છે.