યુ.એન. સિક્યોરિટી કાઉન્સીલમાં પાકે કાશ્મીર મુદ્દો ઉઠાવતાં ભારતે તેની બરોબરની ધોલાઈ કરી નાખી

- પાક. ત્રાસવાદના કલણમાં ડૂબેલું છે : લોન પર લોન લે છે
- ભારતીય ઉપખંડમાં બે વિરોધાભાસી ચિત્રો ઉપસે છે : એક તરફ ભારત સતત આગેકૂચ કરી રહ્યું છે બીજી તરફ પાક. ત્રાસવાદમાં ડૂબાડૂબ રહ્યું છે
યુ.એન : યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિમાં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનની બરોબરની ધોલાઈ કરતાં કહ્યું હતું કે, 'પાકિસ્તાન સતત ક્રોસ બોર્ડર ટેરરિઝમ'ને જ સાથ આપી રહ્યું છે. તેનું ઉદાહરણ પહેલગાંવ ત્રાસવાદી કૃત્યનું છે. જેમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી હતી.
ભારત અને પાકિસ્તાનની તુલના કરતાં તેઓએ કહ્યું હતું કે ભારતીય ઉપખંડમાં બે વિરોધાભાસી ચિત્રો ઉપજે છે. એક તરફ ભારત પ્રગતિ, સમૃદ્ધિ અને વિકાસ તરફ ચાલી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાન છે જે કટ્ટરવાદ, ત્રાસવાદ અને શ્રેણીબદ્ધ લોન ઉપર લોન જુદા જુદા દેશો પાસેથી તેમજ આઈએમએફ પાસેથી લઈ રહ્યું છે.
તેઓએ વધુમાં કહ્યું કે, આજે ચર્ચા આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી અંગે યોજાઈ રહી છે. ત્યારે કેટલાક સર્વગ્રાહી સિદ્ધાંતો વિષે વિચાર-વિમર્શ કરવો અનિવાર્ય છે, જે પૈકીનો એક સિદ્ધાંત ત્રાસવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિ છે. તેવે સમયે પાકિસ્તાન તો ત્રાસવાદમાં ડૂબાડૂબ રહેલું દેખાય છે જે આંતરરાષ્ટ્રીય સમાજ સ્વીકારી શકે તેમ નથી.
આ વખતે યુ.એન. સિક્યોરિટી કાઉન્સીલનું ક્રમાનુસર પ્રમુખપદ પાકિસ્તાન સંભાળી રહ્યું છે. મંગળવારે તે બેઠકમાં પાકિસ્તાનના પ્રતિનિધિ તેના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઈશાક દાર સંભાળી રહ્યાં છે. તેમણે જ મંગળવારે તે બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉછાળતાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે તેમની બરોબરની ધોલાઈ કરી નાખી હતી.








