ટેરિફ વોર વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક! આ ડીલ થઈ તો 2 ડઝન દેશો સાથે ટેક્સ વિના થશે 135 અબજ ડૉલરનો વેપાર
India-EU Trade Deal: અમેરિકા દ્વારા ભારત પર 50% ટેરિફ લગાવવાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા ભારત તૈયારી કરી રહ્યું છે. આ માટે ભારતને 135 અબજ ડૉલરનો વેપાર ટેક્સ વગર કરવાનો મોકો મળશે, જેની વાટાઘાટો ચાલી રહી છે. આ વર્ષે લગભગ બે ડઝન દેશો સાથે ટેક્સ વગર વેપારનો રસ્તો ખૂલી જશે એવી શક્યતા છે.
ટ્રેડ ડીલમાં શું હશે?
આ કરારમાં સામાન પરના ટેક્સ, બજાર સુધી પહોંચ અને સરકારી ખરીદી જેવા મુદ્દાઓ પર ધ્યાન અપાશે. આગામી સમયમાં, ભારતીય અને EU અધિકારીઓ 2026ના ભારત-EU શિખર સંમેલન માટે તૈયારી કરવા દિલ્હી અને બ્રસેલ્સમાં મળશે, જેમાં સહયોગ અંગે મોટા નિર્ણયો લેવાઈ શકે છે.
ટેરિફ પર પણ થશે ચર્ચા
EUના વેપાર અને કૃષિ કમિશ્નર, મારોસ સેફકોવિક અને ક્રિસ્ટોફ હેનસેન, દિલ્હીમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સાથે વેપાર કરાર અંગે વાતચીત કરશે. આ કરારને અમેરિકાની ટેરિફ નીતિઓથી ઊભી થયેલી સમસ્યાઓને કારણે વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનો હેતુ ટેરિફ વોરથી બચવાનો છે.
અત્યાર સુધી 11 મુદ્દાઓ પર સહમતિ
અત્યાર સુધી બંને પક્ષોએ FTAના 23 મુદ્દાઓમાંથી 11 પર સહમતિ બનાવી લીધી છે. જેમાં બૌદ્ધિક સંપદા, સીમા શુલ્ક, વેપાર, પારદર્શિતા, નિયમ, નાના ઉદ્યોગો (SME), ખાદ્ય સુરક્ષા, વિવાદોનું નિવારણ, સ્પર્ધા, સબસિડી, ડિજિટલ ટ્રેડ અને છેતરપિંડી જેવા મુદ્દાઓ સામેલ છે. તેઓ મૂડીના લેવડ-દેવડ સાથે જોડાયેલ એક વધુ અધ્યાય પણ જલ્દી પૂરો કરશે.
આજથી શરુ થશે વાતચીત
વાતચીતનો 13મો રાઉન્ડ 8 સપ્ટેમ્બરથી અને 14મો રાઉન્ડ 8 ઑક્ટોબરથી શરુ થશે, જેમાં વેપારની ટેક્નિકલ મુશ્કેલીઓ, સ્વાસ્થ્ય-સુરક્ષા, બજાર પહોંચ, સામાનના ઉત્પત્તિના નિયમો અને સરકારી ખરીદી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને પક્ષો સેવાઓ, રોકાણ અને ડિજિટલ ટ્રેડના મુદ્દાઓ પર પણ ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ડિસેમ્બરમાં પૂરી થઈ જશે FTA ડીલ
યુરોપિયન કમિશનના કૃષિ કમિશ્નર અને વેપાર પ્રમુખ, ક્રિસ્ટોફ હેન્સેન અને મારોસ સેફકોવિક, FTA પર વાટાઘાટો કરવા માટે આ અઠવાડિયે ભારત આવી રહ્યા છે. બંને પક્ષોનો ઉદ્દેશ્ય આ વર્ષના અંત સુધીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવાનો છે, જે ભારત માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. EU ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને નાણાકીય વર્ષ 2023-24માં દ્વિપક્ષીય વેપાર 135 અબજ ડૉલર હતો, જે ચીન અને અમેરિકા સાથેના વેપાર કરતાં પણ વધારે છે.
આ વસ્તુઓ પર સમજૂતીની વાત
ભારતે કેટલીક વસ્તુઓને આ કરારમાંથી બહાર રાખવાની વાત કરી છે, જેમ કે ચોખા, ખાંડ અને ડેરી ઉત્પાદનો છે. બીજી બાજુ, EU ઇચ્છે છે કે તેને ઓટોમોબાઇલ અને દારુના બજારમાં વધુ પહોંચ મળે. EU માછલી અને ઝીંગા જેવા દરિયાઈ ઉત્પાદનોની નિકાસ પર પણ ધ્યાન આપવા માંગે છે, કારણ કે અમેરિકાએ આ ઉત્પાદનો પર ટેક્સ વધારી દીધો છે. ગયા વર્ષે ભારતે અમેરિકાને લગભગ 2.8 અબજ ડૉલરના ઝીંગાની નિકાસ કરી હતી.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા, જાહેરમાં પેશાબ કરવા બદલ ટોક્યો હતો
આગામી મહિનાઓમાં ભારત અને EU વચ્ચે 2026ના શિખર સંમેલનની તૈયારી માટે અનેક બેઠકો યોજાશે. 17 સપ્ટેમ્બરે, EUના વિદેશ અને સુરક્ષા નીતિ પ્રમુખ કાજા કલ્લાસ, ભારત સાથેના સંબંધો માટે એક નવી વ્યૂહરચના રજૂ કરશે, જેને વર્ષના અંત સુધીમાં મંજૂરી મળવાની અપેક્ષા છે.