World

પહેલગામનો ઉલ્લેખ નકારાતા એસસીઓના સંયુક્ત નિવેદનમાં ભારતે સહી ન કરી

By GS TEAM
27 Jun 20252 mins read
પહેલગામનો ઉલ્લેખ નકારાતા એસસીઓના સંયુક્ત નિવેદનમાં ભારતે સહી ન કરી

- આતંકવાદ મુદ્દે બલૂચિસ્તાનનો ઉલ્લેખ કરાયો

- કેટલાક દેશો આતંકીઓને આશરો આપે છે, બેવડા ધોરણો ચલાવી ના લેવાય : ચીનમાં રાજનાથની પાકિસ્તાનને લપડાક

કિંગડાઓ : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને આતંકવાદ મુદ્દે પોતાના વલણ અંગે દુનિયાને જવાબ આપી દીધો હતો. ભારતે ચીનના કિંગડાઓમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં આ વલણ જાળવી રાખ્યું છે. એસસીઓની બેઠકમાં આતંકવાદ મુદ્દે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. વધુમાં બેઠકના અંતે ચીન દ્વારા તૈયાર કરાયેલા નિવેદનમાં પહલગામ આતંકી ઘટનાનો કોઈ ઉલ્લેખ ન હોવાથી રાજનાથ ભડક્યા હતા. તેમણે એસસીઓના સંયુક્ત નિવેદનને નકારી કાઢ્યું હતું અને તેના પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો હતો.

પૂર્વીય લદ્દાખમાં ગલવાન હિંસા પછી ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પહેલી વખત શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ચીનના બે દિવસના પ્રવાસે ગયા છે. ચીનના કિંગદાઓમાં યોજાયેલી આ બેઠકમાં રાજનાથ સિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી.

જોકે, આ બેઠક પછી ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનને રાજનાથ સિંહે ફગાવી દીધું હતું. આ સંયુક્ત નિવેદનમાં પહલગામમાં આતંકી હુમલાનો કોઈ ઉલ્લેખ નહોતો. તેના બદલે બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર થયેલા હુમલાનો ઉલ્લેખ હતો. પાકિસ્તાન બલોચ બળવાખોરોએ કરેલા આ હુમલા પાછળ પરોક્ષ રીતે ભારતનો હાથ હોવાનો દાવો કરતું રહ્યું છે. રાજનાથ સિંહે આ સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

અગાઉ બેઠકમાં રાજનાથ સિંહે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે, આતંકીઓને ફન્ડિંગ પૂરું પાડીને આતંકવાદને પોષનારા દેશોને જવાબદાર ઠેરવવા જોઈએ. કેટલાક દેશ આતંકીઓને આશરો આપે છે અને સરહદ પારના આતંકવાદનો ઉપયોગ 'નીતિગત સાધન' તરીકે કરે છે. આપણા ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર શાંતિ, સુરક્ષા અને વિશ્વાસની અછત સંબંધિત છે. આ સમસ્યાઓનું મૂળ કારણ વધતો કટ્ટરવાદ, ઉગ્રવાદ અને આતંકવાદ છે. શાંતિ સમૃદ્ધિ અને આતંકવાદ એકસાથે ચાલી શકે નહીં.

રાજનાથ સિંહે પરોક્ષ રીતે ચીનની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે ઉમેર્યું કે, આતંકવાદનો સામનો કરવા માટે બેવડા વલણોને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. એસસીઓએ આવા દેશોની આકરી ટીકા કરવામાં કોઈ સંકોચ કરવો જોઈએ નહીં. બેઠકમાં પહલગામમાં આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ૨૨ મેના રોજ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના એક જૂથ ધ રેસિસ્ટન્સ ફ્રન્ટે પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કર્યો, જેમાં ૨૬ લોકોના મોત થયા આતંકીઓએ ધર્મ પૂછીને તેમના પર હુમલો કર્યો હતો.