રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (AI IMAGE) |
India Crude Oil Import: ભારતના ક્રૂડ ઓઇલ સપ્લાય ક્ષેત્રે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2026ના પ્રથમ 10 દિવસના આંકડાઓ મુજબ, સાઉદી અરેબિયા રશિયાને પછાડીને ફરી એકવાર ભારતનો સૌથી મોટો ઓઇલ સપ્લાયર દેશ બની ગયો છે. ગ્લોબલ શિપ ટ્રેકિંગ ફર્મ 'કેપ્લર'ના ડેટા અનુસાર, ફેબ્રુઆરીની શરુઆતમાં સાઉદી અરેબિયાએ ભારતને દરરોજ સરેરાશ 11.3 લાખ બેરલ ક્રુડ ઓઇલની નિકાસ કરી છે, જેની સામે રશિયાનો સપ્લાય ઘટીને 10.9 લાખ બેરલ રહ્યો છે. નોંધનીય છે કે, લગભગ એક વર્ષના લાંબા વિરામ બાદ સાઉદી અરેબિયા પાસેથી તેલની આયાત ફરી 10 લાખ બેરલના આંકડાને વટાવી ગઈ છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: તેલ આયાતના બદલાતા સમીકરણો
તેલ આયાતના સમીકરણોમાં આવેલા આ મોટા ફેરફાર પાછળ મુખ્યત્વે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની 'ટ્રેડ ડીલ' જવાબદાર માનવામાં આવે છે. અમેરિકાએ ભારત પરના રેસિપ્રોકલ ટૅરિફ ઘટાડીને 18% કર્યા છે અને રશિયન તેલની ખરીદી પર લાદવામાં આવેલા વધારાના ટૅરિફને પાછા ખેંચવાની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક હિલચાલને પગલે ભારત હવે રશિયા પરની પોતાની તેલ નિર્ભરતા ધીરે-ધીરે ઘટાડી રહ્યું હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી 4 દિવસથી લાપતા, પોલીસને જીવના જોખમની આશંકા
બીજી તરફ, સાઉદી અરેબિયાએ તેલની કિંમતોમાં ઘટાડો કરવાની સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ મોટી રાહત આપી છે. પશ્ચિમ એશિયાથી ભારત સુધી તેલ પહોંચવામાં માત્ર ત્રણ દિવસનો સમય લાગે છે, જે અમેરિકા કે અન્ય દૂરના દેશોની સરખામણીએ ઘણો ઓછો અને આર્થિક રીતે વધુ ફાયદાકારક છે.
ભારતની તેલ નિર્ભરતા: જરુરિયાતનું 90% તેલ આયાત પર નિર્ભર
ભારત પોતાની જરુરિયાતનું 90% તેલ આયાત કરે છે અને વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ખરીદનાર દેશ છે. નિષ્ણાતોનું માનવું છે કે રશિયા પરના અમેરિકન પ્રતિબંધો અને ભૌગોલિક-રાજકીય દબાણ વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા માટે સપ્લાયના સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યું છે. સાઉદી અરેબિયા પાસે વધારાની ઉત્પાદન ક્ષમતા હોવાથી તે જરુર પડ્યે ઝડપથી સપ્લાય વધારી શકે છે. આગામી સમયમાં ભારતની તેલ આયાતના નકશામાં હજુ વધુ પરિવર્તન જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.









