World

આર્મેનિયાના રાષ્ટ્રીય દિને ભારતે બંને દેશોનાં ઐતિહાસિક સંબંધો યાદ કર્યા

By GS TEAM
1 Oct 20252 mins read
આર્મેનિયાના રાષ્ટ્રીય દિને ભારતે બંને દેશોનાં ઐતિહાસિક સંબંધો યાદ કર્યા

- 1571માં પણ ભારતીયો આર્મેનિયામાં હતા : ઝાર તેમને મળ્યા હતા

- આ પૂર્વે માર્ચ 11ના દિવસે ભારત-આર્મેનિયા વચ્ચે રાજદ્વારી સંબંધો-વ્યાપાર, આર્થિક સંકલન, શિક્ષણ અને સાંસ્કૃતિક બાબતો અંગે કરારો થયા હતા

યેરેવાન, નવી દિલ્હી : આર્મેનિયાના રાષ્ટ્રીય દિવસે યોજાયેલી ભવ્ય પેરેડમાં ભારતના સેક્રેટરી (વેસ્ટ), (વિદેશ મંત્રાલયમાં પશ્ચિમના દેશોના વિભાગ સંભાળતા સચિવ) સિબિ જ્યોર્જ ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ બંને દેશોના ઐતિહાસિક સંબંધોને સુદ્રઢ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારત-આર્મેનિયા વચ્ચે સદીઓથી સંબંધો છે. ૧૫૭૧માં આર્મેનિયા જ્યારે રશિયાના તાબામાં હતું ત્યારે ઝારે આર્મેનિયાની લીધેલી મુલાકાત સમયે ત્યાં રહેલા ભારતીયોને મળ્યા હોવાનો 'અયને અકબરી'માં ઉલ્લેખ છે.

ઉલ્લેખનીય તે છે કે, આર્મેનિયન્સ 'આર્ય' પ્રજા છે. બંને દેશો વચ્ચે પ્રાચીન યુગથી સંપર્ક હોવાની સંભાવના છે. ખેદની વાત તે છે કે, ઓટોમન-એમ્પાયર દરમિયાન તૂર્કોએ આ પ્રજા પર ધર્માંતરણ કરવા ભારે અત્યાચારો કર્યા હતા. પરંતુ આર્મેનિયન્સ ખિસ્તી જ રહ્યા.

રશિયાએ આર્મેનિયા જીતી લીધા પછી આર્મેનિયન્સ તે જુલ્મોમાંથી મુક્ત થયા.

વર્તમાન યુગની વાત લઈએ તો જૂન મહિનામાં વિદેશમંત્રી જયશંકર આર્મેનિયાના વિદેશ મંત્રી આરારત મિર્ઝોયાનને માર્સિલેમાં મળ્યા હતા. જ્યાં તેઓએ આર્મેનિયાના વિદેશમંત્રી આરારત મિર્ઝોયાન સાથે બંને દેશોનો સહકાર ગાઢ બનાવવા એમ.ઓ.યુ. કર્યા હતા.

ઔષધ નિર્માણ ક્ષેત્રે ભારત વિશ્વમાં વિદ્વાન છે અન્ય દેશોની વાત છોડો અમેરિકા પણ ભારતમાંથી ખૂબ મોટા પાયે ઔષધીઓ મંગાવે છે. (ટ્રમ્પે તેની ઉપર ટેરિફ વધારી દીધો છે તે અલગ વાત છે. ભારત અને આર્મેનિયા વચ્ચે ઔષધ નિર્માણ ક્ષેત્રે પણ કરારો કરવામાં આવ્યા હતા.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને આર્મેનિયાના વિદેશ મંત્રી આરારત મિર્ઝોયાન વચ્ચે આરારતની ભારત મુલાકાત સમયે માર્ચ ૧૧, ૨૦૨૫ના દિને બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ગાઢ કરવા વ્યાપાર, આર્થિક સંકલન, શિક્ષણ, સાંસ્કૃતિક બાબતો અને પરસ્પરના નાગરિકોની પરસ્પરના દેશોની મુલાકાત વિષે કરારો થયા હતા.

ભારતની 'સોફ્ટ ફોરેન પોલીસી' ઘણા દેશો સાથે ગાઢ સંબંધો બનાવી રહી છે તે પૈકી આર્મેનિયા છે.