ભારત દુનિયાભરમાં યુદ્ધો રોકી શકે તેમ છે : ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ ભારતને સંપૂર્ણ સહકારની ખાતરી આપી

- દુનિયામાં યુદ્ધો રોકવા માટે 'શાંતિ નોબેલ' મેળવવાની ટ્રમ્પની આશા પર જ્યોર્જીયાએ પાણી ફેરવતાં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી
સંયુક્ત રાષ્ટ્રો : આજથી શરૂ થયેલાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસમિતિનાં ૮૦માં સત્રની પૂર્વ સંધ્યાએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ પત્રકારોને આપેલી મુલાકાતમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભરપૂર વખાણ કર્યાં હતાં, અને તે સાથે કહ્યું હતું કે, વિશ્વભરમાં અનેક સ્થળોએ એકથી બીજા પ્રકારના સંઘર્ષો ચાલી રહ્યા છે, તેવામાં રશિયા-યુક્રેન યુદ્ધે તો પ્રચંડ વિભિષિકા ફેલાવી દીધી છે. આ સંયોગોમાં નરેન્દ્ર મોદી એક જ એવા અગ્રણી છે કે જેઓ રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શકે તેમ છે. તેઓએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલી મુલાકાતમાં ગઈકાલે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે તે (ભારત) ઘણી મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.'
મેલોનીનાં આ વિધાનો અમેરિકાના પ્રમુખને ખરેખરા જવાબરૂપ છે જેઓ દરેક બીજા દિવસે શાંતિ માટેનું નોબલ પ્રાઇસ મેળવવાની ગુલબાંગ પોકારે છે, અને વૈશ્વિક મંચો પર તે માટે આડકતરી રીતે અપીલ કરતાં જોવા મળે છે.
ટ્રમ્પના અનેક પ્રયત્નો છતાંયે અને તેમણે આપેલા અનેક વાદાઓ છતાંયે તેઓ યુક્રેન-રશિયા યુદ્ધ કે ગાઝામાં ચાલી રહેલા હમાસ-ઈઝરાયલ યુદ્ધ રોકાવાનું નામ નથી લેતાં. શાંતિ સમજૂતી તો દૂર દૂર જતી રહી છે.
નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોનીએ આ માસના પ્રારંભથી જ ઘણી લંબાણપૂર્વકની ટેલીફોનિક મંત્રણા કરી હતી. જેમાં તેઓએ પારસ્પરિક હિતો તથા ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી જેમાં યુક્રેન યુદ્ધનાં તત્કાળ અને શાંતિપૂર્ણ સમાધાનની વાત કરી હતી. તેમાં યુક્રેન-યુદ્ધ અટકાવવામાં થઈ રહેલા પ્રયાસોમાં ભારતનું સંપૂર્ણ સમર્થન છે, તેમ કહેવામાં આવ્યું હતું. આ સાથે બંને નેતાઓએ મૂડી-રોકાણ, આંતરિક સલામતી, સંરક્ષણ, અંતરિક્ષ, વિજ્ઞાાન અને ટેકનોલોજી, શિક્ષણ, આતંકવાદ વિરોધ તથા દ્વિપક્ષીય ભાગીદારી માટે સહમતિ દર્શાવાઈ હતી. તેમજ બંને દેશોની પાર્ટનરશિપ વધુ મજબૂત બને તે માટે બંને સહમત થયા હતા.
આ વર્ષે મોદીના ૭૫માં જન્મદિન નિમિત્તે ઈટાલીનાં વડાપ્રધાને તેઓને અભિનંદનો પાઠવતાં તેઓનાં નેતૃત્વ અને ભારતની પ્રગતિ માટે મોદીની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.








