Get The App

ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર મહોર: મોદી

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર મહોર: મોદી 1 - image


- બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 150 અબજ ડોલરને આંબી જશે

- ભારતની 99 ટકા નિકાસ ડયુટી ફ્રી થશે: બ્રિટિશ ઉત્પાદનો પરની ઈમ્પોર્ટ ડયૂટી ઘટાડાતા કારો અને વ્હિસ્કી સસ્તા થશે

- મુક્ત વેપાર કરાર કુદરતી ભાગીદારો ઈંગ્લેન્ડ અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા નવું પ્રકરણ લખશે: પીએમ સ્ટાર્મર

લંડન : ભારત અને બ્રિટન વચ્ચે આખરે ગુરુવારે વડાપ્રધાનો નરેન્દ્ર મોદી અને કીર સ્ટાર્મરની હાજરીમાં મુક્ત વેપાર કરાર (એફટીએ) થઈ ગયો છે. આ કરારના પગલે બ્રિટિશ વ્હિસ્કી, કાર સહિતની વસ્તુઓ પરના ટેરિફ ઘટી જશે જ્યારે ભારતની અનેક વસ્તુઓની નિકાસ પરના દરમાં ઘટાડો થશે. પરિણામે બંને દેશો વચ્ચે વાર્ષિક ૩૪ અબજ યુએસ ડોલરના દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન મળશે. આ વેપાર કરારનો આશય વર્ષ ૨૦૩૦ સુધીમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૫૦ અબજ ડોલર સુધી લઈ જવાનો છે.

ભારત અને બ્રિટન વચ્ચે લગભગ ત્રણ વર્ષની વાટાઘાટો પછી આખરે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમ કીર સ્ટાર્મરની હાજરીમાં  વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ અને બ્રિટિશ મંત્રી જોનાથન રેનોલ્ડે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એફટીએથી ભારતની ૯૯ ટકા નિકાસને લાભ થશે અને આ કરાર બ્રિટિશ કંપનીઓની વ્હિસ્કી, કાર અને અન્ય ઉત્પાદનોની ભારતમાં આયાતને સરળ બનાવશે. બંને દેશો વચ્ચેના એફટીએને ભારતની કેબિનેટે બુધવારે મંજૂરી આપી દીધી હતી. હવે બ્રિટિશ સંસદની મંજૂરી પછી તેનો અમલ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે. આ કરારથી માત્ર સામાન જ સસ્તા નહીં થાય, પરંતુ નોકરીઓ વધશે અને બંને દેશો વચ્ચે સંબંધ વધુ મજબૂત બનશે. આ કરારથી ભારત અને બ્રિટન વચ્ચેનો વેપાર પહેલા કરતાં વધુ સરળ અને સસ્તો થઈ જશે. બ્રિટનથી ભારતમાં આવતો સામાન સસ્તો થશે, નિકાસ વધશે અને દેશનું અર્થતંત્ર મજબૂત થશે. આ સોદાથી બે લોકતાંત્રિક દેશોમાં વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિને પણ બળ મળશે. તેમણે ઉમેર્યું કે, મુક્ત વેપાર કરાર ઉપરાંત બ્રિટનની છ યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલી રહી છે.

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે, એફટીએના પગલે નવા રોકાણ અને નિકાસ વધવાથી લગભગ છ અબજ ગ્રેટ બ્રિટન પાઉન્ડનો વધારો થયો છે. ભારતીય કંપનીઓ બ્રિટનમાં તેમના સંચાલનનો વિસ્તાર કરી રહી છે અને બ્રિટિશ કંપનીઓ ભારતમાં નવી વેપાર તકો હાંસલ કરી રહી છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારની સાથે પીએમ મોદી અને કીર સ્ટાર્મરે વેપાર, અર્થતંત્ર, ટેક્નોલોજી, રિસર્ચ, સુરક્ષા, ક્લઈમેટ ચેન્જ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને લોકોથી લોકોના સંબંધોને વધુ સારા બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી. 

ભારતે જણાવ્યું કે, બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભારત માટે સિમાચિહ્નરૂપ છે. ભારતને તેનો નોંધપાત્ર લાભ મળશે. ભારતના શ્રમપ્રધાન ક્ષેત્રો કપડા, ચામડાં, જૂતા, ઘરેણાં, રમકડાં અને સમુદ્રી ઉત્પાદનોમાં કામ કરતા કારીગરો, વણકરો અને દૈનિક મજૂરોને સીધો લાભ થશે. એમએસએમઈ સેક્ટરના લાખો એકમોને પણ તેનો લાભ મળશે. આ કરારથી ૯૫ ટકા કૃષિ ઉત્પાદન હવે કોઈપણ ચાર્જ વિના બ્રિટનમાં નિકાસ કરી શકાશે. માછીમારોને ૯૯ ટકા સમુદ્રી ઉત્પાદનો પર શૂન્ય ચાર્જ મળવાથી તેમની આવક વધશે. ભારતની નિકાસ આગામી કેટલાક વર્ષોમાં ૧૦૦થી ૧૨૦ કરોડ ડોલર સુધી વધી શકે છે. આ કરાર ભારતમાં મહિલા આંત્રપ્રિન્યોર્સ માટે મોટું પરિવર્તન લાવી શકે છે.

બ્રિટને જણાવ્યું હતું કે, ભારતીય ગ્રાહકોને સોફ્ટ ડ્રિંક્સ અને કોસ્મેટિક્સથી લઈને કાર અને મેડિકલ ડિવાઈસીસ સુધી બ્રિટનના શ્રેષ્ઠ ઉત્પાદનોનો લાભ મળશે. આ કરારના પગલે બ્રિટનના ઉત્પાદનો પરનો ટેરિફ ૧૫ ટકાથી ઘટીને ૩ ટકા થઈ જશે. બ્રિટન ભારતમાંથી ૧૧ અબજ પાઉન્ડના ઉત્પાદનોની આયાત કરે છે, પરંતુ તેણે ભારતીય વસ્તુઓ પરના ટેરિફ હળવા કરતા બ્રિટિશ ગ્રાહકો માટે તે વધુ સસ્તા બનશે, જેથી બ્રિટનના બજારમાં ભારતીય નિકાસ વધશે. આ કરારથી લગભગ ૨૩ અબજ ડોલરના વેપારની તકો ખુલવાનો અંદાજ છે.

મુક્ત વેપાર કરારની હાઈલાઈટ્સ

એફટીએમાં ભારતના ડેરી ઉત્પાદનો, ખાદ્ય તેલો, સફરજનની બાદબાકી

- વેપાર કરારથી બ્રિટનમાં ગુજરાતના મગફળી, કપાસ, મહારાષ્ટ્રના દ્રાક્ષ, ડુંગળીની નિકાસ વધવાની શક્યતા

ભારત અને બ્રિટન વચ્ચે ગુરુવારે મુક્ત વેપાર કરાર થઈ ગયા છે. આ વેપાર કરારને સત્તાવાર રીતે વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી (સીઈટીએ) તરીકે ઓળખવામાં આવશે. આ વેપાર કરારથી બંને દેશો વચ્ચે કારોબારમાં અંદાજે ૨૦ અબજ ડોલરનો વધારો થવાનો અંદાજ છે. જોકે, બ્રિટન સાથેના આ કરારમાં ભારતના ખેડૂતોના હિતોને જાળવતા ડેરી ઉત્પાદનો, ખાદ્ય તેલો અને સફરજનને બાકાત રાખવામાં આવ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચેના કરારમાં પણ ડેરી અને કૃષિ ઉદ્યોગો સૌથી મોટો અવરોધ છે. 

- કૃષિ ક્ષેત્ર: ભારતના ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની બ્રિટનમાં નિકાસ સસ્તી થશે, જેમાં બાસમતી ચોખા, પ્રીમિયમ ચા, મસાલા અને સમુદ્રી ઉત્પાદનો પર બ્રિટન ઈમ્પોર્ટ ડયુટી ખતમ કરશે. કેરળ-બંગાળથી લઈને અસમ અને ગુજરાત સુધીના રાજ્યોને તેનો લાભ મળશે. કેમિકલ અને ઉર્જાથી લઈને પ્લાસ્ટિક સુધીના ભારતના ઉદ્યોગોને રાહત મળશે. આ કરારથી મહારાષ્ટ્રના દ્રાક્ષ, ડુંગળી, ગુજરાતના મગફળી, કપાસ, પંજાબ અને હરિયાણાના બાસમતી ચોખા, કેરળના મસાલા અને પૂર્વોત્તરના રાજ્યોના બાગાયતી પાકને લાભ થશે.

- બ્રિટનના ઉત્પાદનો પર ટેરિફમાં ઘટાડો: ભારત બ્રિટનના ૯૦ ટકા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે, જેથી બ્રિટનની સ્કોચ વ્હિસ્કી, કારથી લઈને બ્રાન્ડેડ મેકઅપનો સામાન અને કેટલાક ખાદ્ય પદાર્થ સસ્તા થશે. નિસાન, ટોયોટાથી લઈને લક્ઝરી કાર લોટસ-મોર્ગન બેંટલે, જગુઆર, લેંડરોવર, મેકલોરેન અને રોલ્સરોયસ જેવી કાર સસ્તી થશે. તેના પર ટેરિફ ૧૦૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરાશે.

- બ્રાન્ડેડ કોસ્મેટિક સામાન: બ્રિટનની બ્રાન્ડેડ કંપની લશ, ધ બોડી શોપ, રિમેલ લંડનના સૌંદર્ય ઉત્પાદનો સસ્તા થશે. બ્રિટને ભારતીય મેકઅપ બ્રાન્ડ્સ માયસન અને નયાકા સાથે ભાગીદારી પણ કરી છે. તેના પર ટેરિફ ૧૦૦ ટકાથી ઘટીને ૧૦ ટકા થશે.

- ટેક્સટાઈલ: ટેક્સટાઈલ અને ક્લોધિંગ સેક્ટર માટે ઝીરો ડયુટી સાથે બજારની પહોંચ ૧,૧૪૩ ટેરિફ લાઈન માટે છે, જે ૧૧.૭ ટકાનું યોગદાન આપે છે.

- એફટીએ હેઠળ ભારતમાંથી કપડાંની આયાત પર ડયુટી હટાવી દેવાઈ છે, જેથી ભારતના ટેક્સટાઈલની સ્પર્ધા કરવાની ક્ષમતા વધી ગઈ છે.

- ટેક્સટાઈલમાં બ્રિટનની ૨૬.૯૫ અબજ ડોલરની કુલ આયાત ભારતની ૩૬.૭૧ અબજ ડોલરની વૈશ્વિક નિકાસ કરતાં ઓછી છે. આ કરારથી ભારતના રેડીમેડ ગાર્મેન્ટ્સ, ઘરેલુ કપડાં, કાલીન અને હસ્તશિલ્પને લાભ મળશે. 

- એન્જિનિયરિંગ: બ્રિટન ભારતનું છઠ્ઠું સૌથી મોટું એન્જિનિયરિંગ નિકાસ બજાર છે. ડયુટી ફ્રી બજાર પહોંચથી બ્રિટનમાં એન્જિનિયરિંગની નિકાસ આગામી પાંચ વર્ષમાં લગભગ બમણી થઈ શકે છે, જે ૨૦૨૯-૩૦ સુધીમાં ૭.૫ અબજ અમેરિકન ડોલરથી વધુ થઈ જશે.

- ઈલેક્ટ્રિક મશીનરી, ઓટો પાર્ટ્સ, ઔદ્યોગિક ઉપકરણો અને નિકાસ મશીનરી જેવા મુખ્ય એન્જિનિયરિંગ ઉત્પાદનોની નિકાસમાં ૧૨.૨૦ ટકા સીએજીઆરના દરે વૃદ્ધિનો અંદાજ છે.

- ઈલેક્ટ્રોનિક્સ અને સોફ્ટવેર: ડયુટી ફ્રી પહોંચથી ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની નિકાસમાં ગતિ આવવાની આશા છે. સાથે જ સ્માર્ટ ફોન, ઓપ્ટિકલ ફાઈબર કેબલ અને ઈનવર્ટરના કારણે બ્રિટનના બજારમાં ભારતની સ્થિતિ મજબૂત થશે.

- સોફ્ટવેર અને આઈટી સક્ષમ સેવાઓ માટે બ્રિટનની મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતાઓ, નવા બજારોને ખોલવા, રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા અને ભારતીય સોફ્ટવેર કંપનીઓ માટે નિકાસ ક્ષમતા વધશે.

- ભારતે બ્રિટનની કારની આયાતને ડયુટીમાં છૂટછાટ આપી છે. જોકે, આ છૂટછાટ માત્ર મોટા પેટ્રોલ અને ડીઝલ વાહનો તથા અત્યંત મોંઘી લક્ઝુરિયસ ઈવીને અપાઈ છે જ્યારે સ્થાનિક ઓટો ઉદ્યોગના સંવેદનશીલ સ્મોલ અને મીડ કાર સેગ્મેન્ટને સુરક્ષિત રખાયું છે. ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ અને હાઈડ્રોજન દ્વારા ચાલતા વાહનોને એફટીએના પહેલા પાંચ વર્ષમાં કોઈ છૂટછાટ અપાઈ નથી.

- ટીસીએસ, ઈન્ફોસીસ જેવી ભારતીય આઈટી કંપનીઓના યુકેમાં કામ કરતા કર્મચારીઓને એફટીએ હેઠળ વિશેષ રાહત આપવામાં આવી છે. ભારતીય આઈટી કંપનીઓમાં ભારતમાંથી યુકેમાં કામ કરવા ગયેલા પ્રોફેશનલ્સને ત્રણ વર્ષ સુધી સોશિયલ સિક્યોરિટી કન્ટ્રીબ્યુશન આપવામાંથી મુક્તી અપાઈ છે. આ જોગવાઈનો ૯૦૦થી વધુ એમ્પ્લોયર્સ અને ૭૫,૦૦૦થી વધુ ભારતીય પ્રોફેશનલ્સને લાભ મળશે.

યુકેના પીએમ સ્ટાર્મર સમક્ષ ભારતની માગ

બ્રિટન ભાગેડુ આર્થિક ગુનેગારોના પ્રત્યાર્પણમાં મદદ કરે: મોદી

- બ્રિટને ખાલિસ્તાની સમર્થકો જેવા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવા જોઈએ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લંડન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના પીએમ કીર સ્ટાર્મર સમક્ષ બ્રિટનમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓના વધતા પ્રભાવ તથા ભારતના ભાગેડુ આર્થિક ગુનેગારોના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, લોકતાંત્રિક સ્વતંત્રતાનો દુરુપયોગ કરતા કટ્ટરવાદી લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ. આ સિવાય ભારતમાં આર્થિક ગુના આચરી ભાગી આવેલા ગુનેગારોના પ્રત્યાર્પણમાં બ્રિટને મદદ કરવી જોઈએ. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલિસ્તાની કટ્ટરવાદીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે, કટ્ટરવાદી વિચારધારાને લોકતાંત્રિક સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાની છૂટ આપી શકાય નહીં. જે લોકો લોકતાંત્રિક સ્વતંત્રતાનો દુરુપયોગ કરતા હોય તેમને જવાબદાર ઠેરવવા જોઈએ અને તેમની સામે પગલાં લેવાવા જોઈએ. યુકેમાં ખાલિસ્તાની સમર્થકોની ભારત વિરોધી પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે આ અંગે ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, બ્રિટિશ સરકારે ખાલિસ્તાની સમર્થકો સામે પણ પગલાં લેવા જોઈએ. 

કીર સ્ટાર્મરની હાજરીમાં જ પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદ સામેની લડતમાં બેવડાં ધોરણોને કોઈ સ્થાન નથી તેવો ભારત અને યુકે બંનેનો એક સમાન મત છે. માર્ચ ૨૦૨૩માં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર ખાલિસ્તાનીઓના હુમલા પછી યુકેમાં ખાલિસ્તાન સમર્થકોની પ્રવૃત્તિઓ અંગે ભારતે સતત ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે પ્રતિનિધિ સ્તરે વાટાઘાટો ચાલી રહી છે.

વડાપ્રધાન મોદીએ ભારતમાં આર્થિક ગુનાઓ કરી યુકે ભાગી આવેલા આર્થિક ગુનેગારોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાગેડુ આર્થિક ગુનેગારોના પ્રત્યાર્પણના સંદર્ભમાં અમારી એજન્સીઓ બ્રિટનની એજન્સીઓ સાથે સંકલન કરી કામ કરવાનું ચાલુ રાખશે. ભારતે ભાગેડુ ગુનેગારો વિજય માલ્યા, નિરવ મોદી અને લલિત મોદી જેવા ભાગેડુ આર્થિક ગુનેગારોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

Tags :