અમેરિકાની પોલ ખૂલી: પોતે જ ભારતને રશિયાથી ઓઇલ લેવા આપી હતી સલાહ, પૂર્વ રાજદૂતનો વીડિયો વાઈરલ
USA EX Ambassador Video For Russian Crude: છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથે વેપાર કરતાં દેશો વિરૂદ્ધ આકરૂ વલણ લઈ રહ્યા છે. ભારત પર પણ તેમણે ટેરિફ વત્તા મસમોટી પેનલ્ટી લાદી છે. જો કે, ભારતે ટ્રમ્પના આ પગલાં સામે પોતાની વેપાર નીતિઓ પર અડગ વલણ જાળવતાં ટ્રમ્પ વધુ ગુસ્સે થયા છે. તેમણે ભારતને ટેરિફમાં વધારો કરવાની ચીમકી આપી છે. ટ્રમ્પની આ ચીમકી વચ્ચે અમેરિકાના એક પૂર્વ રાજદૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેના લીધે ટ્રમ્પની આકરી ટીકા થઈ રહી છે.
ટ્રમ્પની ધમકી વચ્ચે વીડિયો વાઈરલ
ટ્રમ્પે આજે ભારતને ધમકી આપી હતી કે, જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ નહીં કરે તો તેના પર તે આકરા પ્રતિબંધો લાદશે, તેમજ ટેરિફના દરમાં વધારો કરશે. બીજી બાજુ વાઈરલ થયેલા વીડિયોમાં અમેરિકાના રાજદૂત કંઈક અલગ જ રાગ અલાપી રહ્યા છે. આ જૂના વીડિયોથી અમેરિકાનું બેવડું વલણ વિશ્વ સમક્ષ રજૂ થયુ છે.
અમેરિકાનું બેવડું વલણ
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં બાઈડેન સરકાર દરમિયાન ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદ્યું, તેની પાછળનું કારણ અમે (અમેરિકા) ઈચ્છતું હતું. અમેરિકાએ તેને નિશ્ચિત કિંમત પર રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા કહ્યું છે. ગાર્સેટીએ 2024માં એક સંમેલનમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદી ઓઈલના ભાવોમાં ફુગાવો અટકાવ્યો છે અને અમેરિકાની નીતિનો સાથ આપ્યો છે.
ભારતે અમેરિકાને આપ્યો આકરો જવાબ
ટ્રમ્પ ભારત પર સતત દબાણ બનાવી રહ્યા છે. જો કે, અમેરિકાના આ વલણનો ભારતના વિદેશ મંત્રાલયે આકરો જવાબ આપ્યો છે. મંત્રાલયે કહ્યું કે, જ્યારે યુક્રેન સંકટ શરૂ થયુસ ત્યારે યુરોપે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું શરૂ કર્યું હતું. ભારતનો પારંપારિક ક્રૂડ પુરવઠો પણ ખૂટ્યો હતો. તે સમયે અમેરિકા અને યુરોપે જ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા કહ્યું હતું. જેથી વૈશ્વિક ક્રૂડ બજાર સ્થિર રહે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદી પોતાની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવાની સાથે વિશ્વમાં ક્રૂડની વધતી કિંમતો પર અંકુશ લાદ્યો. તેમ છતાં અમેરિકા હવે ભારતને કઠેડામાં ઉભુ કર્યું છે. જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે.