રશિયાનું સસ્તું ક્રૂડ ખરીદવામાં ભારતને 25 અબજ નહીં માત્ર 2.5 અબજ ડોલરનો લાભ
- બ્રોકરેજ કંપની સીએલએસએના રિપોર્ટમાં ઘટસ્ફોટ
- ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરી દે તો વિશ્વમાં ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર થઈ જાય : સીએલએસએ
- રશિયન ક્રૂડનો 60 ડોલરનો ભાવ ઘણો નીચો દેખાય, પરંતુ ઈન્સ્યોરન્સ, શિપિંગ સહિતના ખર્ચાથી ભારતને ઓછો લાભ
Russia crude oil : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ નાંખ્યો છે અને સસ્તા ક્રૂડની ખરીદીથી ભારતે જંગી નફો કર્યો હોવાનો અમેરિકા દાવો કરી રહ્યું છે. પરંતુ બ્રોકરેજ કંપની સીએલએસએના રિપોર્ટ મુજબ રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની ખરીદી કરીને ભારતને વાર્ષિક માત્ર 2.5 અબજ ડોલરનો ચોખ્ખો નફો થયો છે, જે ભારતના જીડીપીના માત્ર 0.06 ટકા છે. અગાઉ સસ્તા ક્રૂડની ખરીદીથી ભારતને 10 થી 25 અબજ ડોલરનો નફો થયો હોવાની અટકળો હતી.
અમેરિકાના દબાણ હેઠળ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અટકાવી દે તો દુનિયાના સૌથી મોટા ઓઈલ આયાતકાર અને ગ્રાહક દેશ ભારત પાસે ક્રૂડની ખરીદી માટેના વિકલ્પો મર્યાદિત બની જાય છે, જેને પગલે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવ વધીને પ્રતિ બેરલ 100 ડોલરને પાર જઈ શકે છે.
બ્રોકરેજ કંપની સીએલએસએએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે રશિયન ક્રૂડ ઓઈલની આયાતથી ભારતને થયેલો લાભ હંમેશા મીડિયામાં ખૂબ જ વધારીને જણાવાયેલા આંકડાઓથી ખૂબ જ ઓછો રહ્યો છે. કેટલાક મીડિયાએ ભારતને વાર્ષિક 10થી 25 અબજ ડોલરનો લાભ થયો હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે ત્યારે અમારી ગણતરી મુજબ રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી મારફત ભારતને માત્ર વાર્ષિક 2.5 અબજ ડોલરનો જ ચોખ્ખો લાભ થયો છે.
સીએલએસએના રિપોર્ટ મુજબ રશિયા પાસેથી સસ્તા ક્રૂડની ખરીદી જેટલી લાભદાયક દેખાય છે તેટલી નથી. રશિયન ક્રૂડની કિંમત ભલે 60 ડોલર પ્રતિ બેરલ જેટલી નીચી હોય, પરંતુ ઈન્સ્યોરન્સ, શિપિંગ અને રિસ્ક પ્રીમિયમ જેવા અનેક ખર્ચાના પગલે ભારતને હકીકતમાં બહુ ઓછો ફાયદો થાય છે. વર્ષ 2023-24માં સરેરાશ છૂટ અંદાજે 8.5 ડોલર પ્રતિ બેરલ હતી, જે હવે ઘટીને 3 થી 5 ડોલર રહી ગઈ છે. તાજેતરના મહિનાઓમાં આ છૂટ માત્ર 1.5 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે.
હાલમાં ભારત તેની ક્રૂડ જરૂરિયાતોના 36 ટકા આયાત રશિયા પાસેથી કરે છે. વર્ષ 2024-25માં ભારતે રશિયા પાસેથી દૈનિક ૫૪ લાખ બેરલ (એમબીપીડી) ક્રૂડની આયાત કરી હતી. રશિયા સિવાય ભારત સાઉદી અરબ પાસેથી 14 ટકા, ઈરાક પાસેથી 20 ટકા, યુએઈ પાસેથી 9 ટકા અને અમેરિકા પાસેથી ચાર ટકા ક્રૂડ ઓઈલની ખરીદી કરે છે.