વેપાર મુદ્દે અમેરિકા સાથે તણાવ વચ્ચે ભારતે બાંગ્લાદેશને આપ્યો ઝટકો, આ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ
India Bans Imports Of Jute Products From Bangladesh: બાંગ્લાદેશ અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં તણાવ વધી ગયો છે. શેખ હસીનાના તખ્તાપલટ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. હવે આ બંને દેશો વચ્ચેના તણાવની અસર આયાત પર પણ દેખાઈ રહી છે. તણાવપૂર્ણ સંબંધોના કારણે ભારતે ફરી એકવાર બાંગ્લાદેશથી જમીન માર્ગે આયાત કરવામાં આવતી કેટલીક વધુ શણની પ્રોડક્ટ્સની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારબાદ પ્રતિબંધિત માલની યાદીમાં શણની વસ્તુઓને સામેલ કરવામાં આવી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ની નોટિફિકેશન પ્રમાણે કેટલાક શણ ઉત્પાદનોની આયાત માત્ર જમીન માર્ગે પ્રતિબંધિત કરવામાં આવી છે. હજુ પણ આ વસ્તુઓની આયાત ન્હાવા શેવા પોર્ટ દ્વારા કરવામાં આવી શકે છે.
ભારતે આ વસ્તુઓની આયાત પર લગાવ્યો પ્રતિબંધ
નોટિફિકેશન પ્રમાણે ભારત-બાંગ્લાદેશ સરહદ પરના કોઈપણ લેન્ડ પોર્ટ પરથી બાંગ્લાદેશથી આયાત કરવાની મંજૂરી આપવામાં નહીં આવશે. જમીન માર્ગ દ્વારા આયાત કરવા માટે પ્રતિબંધિત વસ્તુઓમાં શણ અથવા અન્ય કાપડના બાસ્ટ ફાઈબરના બ્લીચ કરેલા અને બ્લીચ ન કરેલા વણાયેલા કાપડ, સૂતળી, દોરી, શણની દોરી અને શણના કોથળાાઓ અને બેગ સામેલ છે.
આ અગાઉ પણ 27 જૂનના રોજ ભારતે બાંગ્લાદેશથી તમામ જમીન માર્ગો દ્વારા કેટલાક શણ ઉત્પાદનો અને વણાયેલા કપડાની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, આ આયાત હજુ પણ માત્ર મહારાષ્ટ્રના ન્હાવા શેવા બંદર દ્વારા કરવામાં આવી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં પણ ભારતે બાંગ્લાદેશથી આયાત પર આ જ પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
ટ્રાન્સશિપમેન્ટ સુવિધાઓ પાછી ખેંચી
17 મેના રોજ ભારતે પાડોશી દેશમાંથી રેડીમેડ કપડા અને પ્રોસેસ્ડ ફૂડ જેવી કેટલીક વસ્તુઓની આયાત પર બંદર પ્રતિબંધો લાદ્યા હતા. 9 એપ્રિલના રોજ ભારતે મધ્ય પૂર્વ, યુરોપ અને નેપાળ તથા ભૂટાનને છોડીને અન્ય ઘણા દેશોમાં વિવિધ વસ્તુઓની નિકાસ માટે બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સશિપમેન્ટ સુવિધાઓ પાછી ખેંચી લીધી હતી. બાંગ્લાદેશના વચગાળાના સરકારના પ્રમુખ મુહમ્મદ યુનુસ દ્વારા ચીનમાં આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોના કારણે આ પગલાં લેવામાં આવ્યા હતા.
કાપડ ક્ષેત્રમાં બાંગ્લાદેશ ભારતનો મોટો હરીફ
શેખ હસીનાની સરકારના તખ્તાપલટ બાંગ્લાદેશમાં લઘુમતીઓ ખાસ કરીને હિન્દુઓ પર હુમલાના મામલા સામે આવ્યા છે. તેના પર ભારત સતત ટિપ્પણી કરતું આવ્યું છે. યુનુસ લઘુમતીઓ ખાસ કરીને હિન્દુઓ પરના હુમલા રોકવામાં નિષ્ફળ ગયા પછી ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. કાપડ ક્ષેત્રમાં બાંગ્લાદેશ ભારતનો મોટો હરીફ છે. 2023-24માં ભારત-બાંગ્લાદેશ વેપાર 12.9 અમેરિકન ડોલર હતો. 2024-25માં ભારતની નિકાસ 11.46 બિલિયન અમેકિરન ડોલર હતી, જ્યારે આયાત 2 બિલિયન અમેરિકન ડોલર હશે.